Abtak Media Google News

ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાએ તમામ બિલોની ચુકવણી કામ જોઈ કરતા પાલિકાને લાખો રૂપિયાનો ફાયદો કરાવ્યો

જસદણ નગરપાલિકા થોડા મહિનાઓ પહેલા આવેલ ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા થોડા આકરા પાણીએ થતા પાલિકાને લાખો રૂપિયાનો ફાયદો થયો છે. જસદણનાં નાગરિકો પોતાની પરસેવાની કમાણીનાં હજારો રૂપિયા વિવિધ વેરારૂપે નગરપાલિકાને ચુકવે છે અને સરકારની વિવિધ લાખો કરોડોની નાણાકીય ગ્રાન્ટ આવે છે પરંતુ આવી મસમોટી રકમનાં કામો અત્યાર સુધી દલા તરવાડી મુજબ થતાં પરંતુ હાલ ચીફ ઓફિસરે અનેકનું તરભાણુ બંધ કરાવી પાલિકાનાં લાખો રૂપિયા બચાવ્યા છે.

ઈ.સ.૧૯૯૫માં જસદણને નગરપાલિકાનો દરજજો મળ્યા બાદ પાલિકામાં લાગતા વળગતાઓ યેનકેન પ્રકારે લાખો રૂપિયાનાં કામો ઉતારી માલેતુજાર બની ગયા અને પ્રજાના સેવક હોવાનો દાવો પણ કરે છે અને કેટલાક એ તો પોતાની જાગીર હોય એમ વગર ટેન્ડરએ લાખો રૂપિયાનાં કામો કરાવ્યા હતા અને નબળી કક્ષાનાં કામો કર્યા હતા પરંતુ આ ચીફ ઓફિસરએ નિયમ મુજબ તમામ બિલોની ચુકવણી કામ જોઈને કરતાં હાલ પાલિકાને લાખો રૂપિયાનો ફાયદો થયો છે.  આ ઉપરાંત કેટલાય મજબુત કોન્ટ્રાકટરો માલ ન આપી પાલિકા પાસેથી લાખો રૂપિયાનાં બીલો ભુતકાળમાં લઈ નબળા કામો કરનારા સામે તપાસ વેગવંતી કરતા ગેરરીતિ આચરનારને ગાંધીનગરનાં દ્વાર ખખડાવાની નોબત લાવી પાલિકાની લાખો રૂપિયાની રકમ બચાવી છે જો પાલિકાનાં ચીફ ઓફિસર જો હજુ લાંબો સમય પોતાની ફરજ બજાવશે તો જસદણને ચોકકસ ફાયદો થશે એમ નાગરિકોમાં ચર્ચા સાંભળવા મળે છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.