Abtak Media Google News

રૈયા રોડ પરના શિવપરામાં ગરમીના કારણે દરવાજો ખુલ્લો રાખીને સુતેલા પરિવારે રોકડ અને મોબાઇલ ગુમાવ્યા

તસ્કરોના તરખાટથી શિવપરાના રહીશોમાં ફફડાટ

શહેરમાં તસ્કરો અવાર નવાર નાની મોટી ચોરી કરતા હોવા છતાં પોલીસ મિલકત વિરોધના ગુના નોંધવાનું ટાળે છે તે રીતે રૈયા રોડ પર આવેલા શિવપરામાં એક સાથે છ જેટલા મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હોવા છતાં માત્ર જાણવા જોગ નોંધ કરી ફરિયાદ નોંધવાનું ટાળ્યું છે. અડધો ડઝન જેટલા શ્રમજીવી પરિવારે રોકડ અને મોબાઇલ ગુમાવતા શિવપરા વિસ્તારમાં ફફડાટ મચી ગયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શિવપરા શેરી નંબર ૯માં ગરમીના કારણે મકાનનો દરવાજો ખુલ્લો રાખીને સુતેલા છ પરિવારના મોભીના પાકીટ અને મોબાઇલ તસ્કરો ઉઠાવી જતા સવારમાં જ શ્રમજીવી પરિવારમાં દોડધામ મચી ગઇ હતી. મગનભાઇ મોહન સોલંકીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ચોરી અંગેની જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકના ભાનુભાઇ સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા.

પોલીસ પૂછપરછ દરમિયાન શિવપરામાં રહેતા અને પ્રાઇવેટ હોસ્પિટલમાં કામ કરતા દિપકભાઇ મનહરભાઇ લુણીયાતરના મકાનમાંથી મોબાઇલ અને રૂ.૨૫૦ રોકડા, કલર કામની મજુરી કરતા મગનભાઇ મોહનભાઇ સોલંકીના મકાનમાંથી રૂ.૫૦૦ રોકડા, રિક્ષા ચાલક રફીક હનિફ શેખના પાકીટમાંથી રૂ.૧૦૦૦ રોકડા, આઇસ્ક્રીમની દુકાનમાં કામ કરતા ફિરોજ આલમ બ્લોચનું રૂ.૭૦૦ની રોકડ સાથેનું પાકીટ અને મોબાઇલ, કલર કામની મજુરી કરતા નિઝામભાઇનું રૂ.૫૦૦ની રોકડ સાથેનું પાકીટ અને અરબાજ સલીમનો રૂ.૧૮૦૦૦ની કિંમતનો મોબાઇલ અને રૂ.૮૦ રોકડા ચોરી ગયાનું બહાર આવ્યું હતું.

પોલીસે તમાનની પ્રાથમિક પૂછપરછ કરી હજી સુધી ગુનો નોંધ્યો ન હતો. ગુનો નોંધાય તો પોલીસે પુરી તપાસ કરવી પડે અને ઉંડાણ સુધી પહોચી કાર્યવાહી કરવાનું ટાળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.