Abtak Media Google News

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં રામમંદિરના હોલમાં આજે કેન્દ્રીય કૃષિ અને  ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ ગૌસેવા સંવર્ધન પરિસંવાદ તથા ગૌવંશ તંદુરસ્તી હરીફાઈનો શુભારંભ કરી જણાવ્યું હતું કે, જય સોમનાથના નારામાં અતૂટ શ્રધ્ધા હોવાની સાથે આ નારામાં જયકારો રાષ્ટ્રનો થાય છે. તે ખુમારી, બલિદાન અને ત્યાગને સર્મપિત કરે છે.

કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રીએ સોમનાથમા મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ભારત સરકાર ખેડૂતોની જેમ શૂન્ય ટકાના વ્યાજે ૩ લાખની મર્યાદામાં સાગરખેડૂ અને પશુપાલકોને પણ લોન આપવામાં આવશે. પશુમાથી રોગ નાબુદ કરવા માટે ભારત સરકાર કટીબધ્ધ હોવાની સાથે કલ્યાણકારી અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવશે. ભારત સરકારે ડેરીના વિકાસ અને રીનોવેશન માટે છ હજાર કરોડની ફાળવણી કરી છે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી કરવામાં માટે માત્ર ખેતીક્ષેત્ર પુરતુ સીમીત નથી પરંતુ પશુપાલન અને મધની ખેતીક્ષેત્રને પ્રાધાન્ય આપી ખેડૂતોની આવક બમણી કરાશે. સૌથી વધારે ગીર ગાય બ્રાઝિલ દેશ પાસે છે જેથી બ્રાઝિલનું અર્થતંત્ર મોટાભાગે ગાય આધારિત છે. ગીર ગાય આપણી ઓળખ છે અને અન્ય રાજ્યોની દેશી ગાયોની ઓળખ માટે પણ  ભારત સરકારે આયોજન કર્યું છે. ગાયનો ઉછેર અને પાલન દુધ ઉપરાંત ગોબર અને ગૌમુત્ર માંથી કરી શકાય છે. પ્રજાજનો ગાય આધારિત બનતી ચીજ-વસ્તુનો ઉપયોગ વધુમાં વધુ કરે તો આપો આપ માંગ વધશે. ગાયનુ દુધ, ઘી, માખણ અને છાસ આરોગવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને તંદુરસ્તી મળે છે. તેવુ ઋષીમુની કાળથી કહેવાતું આવ્યું છે. ગાય આધારિત ખેતી કરવાથી પણ અનેકવિધ ફાયદાઓ થવાની સાથે આર્થિક લાભ પણ ખુબ સારો થાય છે. લોકોએ ગાય પ્રત્યે જાગૃત થઇ વૈજ્ઞાનિક ઢબે ગાયનું મહત્વ અને મુલ્ય સમજી સમગ્ર રાષ્ટ્રનાં વિકાસમાં ક્યાય ને ક્યાક હંમેશા ગાય માતાનો ફાળો મહત્વનો બની રહેશે. ઇતિહાસ કાળની વાતોને આવરી લઇ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, નંદ રાજાના ઘરે નવ લાખ જેટલી ગાયોનો ઉછેર કરવામાં આવતા તેને રાજા તરીકેનું બિરૂદ આપવામાં આવ્યું હતું. ઉપરાંત હરી અને હરની ભુમિ સોમનાથ ટ્રસ્ટનાં સહકારથી આગામી ભવિષ્યમાં મધ ક્ષેત્રે ખેતી કરવા લોકોને પ્રોત્સાહન આપવા સોમનાથ ટ્રસ્ટને અનુરોધ કર્યો હતો.  

રાષ્ટ્રીય કામધેનું ગૈાસેવા આયોગનાં ચેરમેન ડો.વલ્લભભાઇ કથિરીયાએ સોમનાથ ટ્રસ્ટની કામગીરીને બિરદાવી જણાવ્યું હતું કે, ઋુષિમુની કાળથી આપણા દેશમાં ગૈાસેવાને મહત્વ આપી ઉછેર અને જતન કરવામાં આવતું હતું. તે સમયનાં સંદેશાને આજે સોમનાથ ટ્રસ્ટે સાર્થક કરી ગીરગાયનાં ઉછેર અને જતન માટે અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે. દેશમાં અનેક નાનીમોટી ગૈા સંવર્ધન કરતી સંસ્થાઓ આવેલી છે. તેમને પ્રોત્સાહન આપવા માટે સરકાર કટિબધ્ધ છે. હરિ અને હરની ભુમિમા ગીર ગાયનું સંવર્ધનએ આવકાર દાયક ઝુંબેશ છે. ગાયનું ગોબર તાજુ હોય ત્યારે તેમા ૨૪ ટકા અને સુકાયા બાદ છાણમાં ૩૪ ટકા જેટલો ઓકસીજન હોય છે. ગૈા સંસ્કૃતિને પૂનસ્થાપિત કરવા ભારત સરકારે રાષ્ટ્રીય કામધેનું આયોગની રચના કરી ગૈાસેવા ક્ષેત્રે અનેકવિધ નિતિઓ ગળી કામગીરી હાથ ધરી છે. આગામી સમયમાં ગીર ગાયની માંગ વધવાની છે. ત્યારે સ્થાનિક કક્ષાએ ગીર ગાયનો વધુ ઉછેર કરવા પશુ પાલકોને અનુરોધ કર્યો હતો.

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી (સેક્રેટરી)  પી.કે.લહેરીએ ટ્રસ્ટની કામગીરી જણાવી કહ્યું હતું કે, સોમનાથ ટ્રસ્ટ દ્રારા ૨૨૦૦ થી ૨૫૦૦ જેટલા યાત્રિકો માટે રહેવાની અને જમવાની સુવિધા કરવામાં સક્ષમ છે. ટ્રસ્ટ દ્રારા વેરાવળના આજુબાજુના ૧૧ જેટલા ગામોમા ૧૦૦ ના ટોકન દરે બિમાર ગાયની તબિબિ સારવાર કરવામાં આવે છે અને આ ટોકન ફી સોમનાથ ટ્રસ્ટની ગૌશાળાના ફંડમાં ઉમેરવામાં આવે છે. બે માસના સમયગાળામાં ૪૫૦ થી ૫૦૦ જેટલી ગાયની સારવાર કરવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટના ચેરમેન કેશુભાઈ પટેલ પણ ગૌસેવાનાં સવર્ધન માટે માર્ગદર્શન આપી રહ્યા છે.  સોમનાથ મંદિરના કળશ આગામી સમયમાં સોનાથી મઢવામાં આવે તેવું આયોજન છે. સોમનાથ ટ્રસ્ટના સલાહકાર યશોદરભાઈ ભટ્ટ અને ભાવેશભાઈ વેકરીયાએ કહ્યું હતું કે, સોમનાથ ટ્રસ્ટ દ્રારા ગૌસેવા સંવર્ધન પરિસંવાદ તથા  ગૌવંશ તંદુરસ્તી હરીફાઈથી ગૌસંવર્ધન માટે લોકોને સફળ સંદેશો મળી રહેશે. ખાસ કરીને ખેડૂતોએ તેમની ખેતીની સાથે પશુપાલનનો ઉછેર કરવો ખુબ જ આવશ્યક છે.

ગૌસેવા સંવર્ધન પરિસંવાદ તથા  ગૌવંશ તંદુરસ્તી હરીફાઈમાં સહભાગી થનાર બાયફ બરોડા, જી.એચ.સી.એલ.ફાઉન્ડેશન સુત્રાપાડા, અંબુજા ફાઉન્ડેશન કોડીનાર, સાબરમતી આશ્રમ ગૌશાળા તેમજ અન્ય સંસ્થાઓ, વક્તા મનોજ સોલંકી, ડો.એસ.એમ.દેસાઈ, ડો.અમીત કથીરીયા, ડો.જે.સી.મંડલી તથા પશુ નિરીક્ષક ડો.ગોવિંદ પટાટ, ડો.અમિત કથીરીયા, ડો.કેશુર કછોટ અને ડો.દિનેશ ડાભીને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. નગરપાલીકાના પ્રમુખ મતી મંજુલાબેન સુયાણી દ્રારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કેદારનાથ યાત્રાની સ્મૃતિરૂપે ફોટોકોપીનું વિમોચન કર્યું હતું. રાજકોટના બાબુભાઈ બગડાય દ્રારા સોમનાથ ગૌશાળાને રૂા.૫૧ હજારનું અનુદાન આપવામા આવ્યું હતું. મંત્રી પરસોત્તમભાઇ રૂપાલાએ સોમનાથ મહાદેવનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ગૌસેવા સંવર્ધન પરિસંવાદ તથા  ગૌવંશ તંદુરસ્તી હરીફાઈના પ્રથમસત્રમાં મહાનુભાવોએ અને બીજાસત્રમાં ડોકટર અને નિષ્ણાંતોએ માર્ગદર્શન આપ્યું હતું. આવતીકાલે તા. ૨૮ નાં રોજ ગૈાવંશ તંદુરસ્તી હરીફાઇ યોજવામાં આવશે. જેમાં વિજેતા થનાર ગીરગાયનાં માલિકોને રોકડ પુરષ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટીની ગૈાશાળામાં ગીરગાય સાથે ૭૫ ગૈાવંશ છે. કાર્યક્રમની શાબ્દિક સ્વાગત સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી જે.ડી.પરમાર અને સંચાલન બિંદુબેન ચંદ્રાણીએ કરી હતી. આ કાર્યક્રમમાં જૂનાગઢ વેટરનરી કોલેજનાં આચાર્ય ડો.ટાંક તેમજ જુનાગઢ / ગીર સોમનાથનાં નાયબ પશુપાલક સહિતનાં અધિકારીઓ, સોમનાથ ટ્રસ્ટનાં કર્મચારીઓ, ખેડૂતો અને લોકો સહભાગી થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.