Abtak Media Google News

રાજકોટ સહિત રાજ્યભરની શાળાઓ આજે સ્વૈચ્છિક બંધ પાળશે

ધોરણ-૧૨ સાયન્સમાં મેડિકલમાં પ્રવેશ માટે લેવાયેલી નીટમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને થયેલા અન્યાયના મુદ્દે આજે ગુજરાતની શાળા બંધનું એલાન આપવામાં આવ્યું છે. અમદાવાદ સહિત સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, મહેસાણા, ભાવનગર વગેરે શહેરોમાં પણ વાલીઓ દ્વારા આવતીકાલે શાળા બંધનું એલાન આપીને બંધને સફળ બનાવવાની જાહેરાત કરી છે.

મેડિકલમાં માત્ર નીટના આધારે જ પ્રવેશ આપવાનું નક્કી કરાયું છે. ચાલુ વર્ષે લેવાયેલી નીટમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રશ્નપત્રો આપવામાં આવ્યા હતા. સામાન્ય રીતે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ હોય ત્યારે દરેક માધ્યમના વિદ્યાર્થીઓને એક સરખા જ પ્રશ્નપત્રો આપવામાં આવે છે. પરંતુ નીટ દ્વારા પહેલી વખત ગુજરાતી માધ્યમના અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રશ્નપત્ર આપવામાં આવ્યા હતા.

વાલીઓના કહેવા પ્રમાણે નીટની આ પ્રકારની કામગીરીના કારણે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ભારે અન્યાય થાય તેવી સ્થિતિ ઊભી થઇ છે. છેલ્લા કેટલાય દિવસોથી વાલીઓ દ્વારા નીટમાં થયેલા અન્યાયના મુદ્દે આંદોલનો કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગરમાં રજૂઆતથી લઇને શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી સમક્ષ પણ આ મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી. આમ છતાં કોઇ ઉકેલ ન આવતાં હવે વાલીઓએ ગુજરાતની તમામ શાળાઓ બંધનું એલાન આપવામાં આવ્યું છે. વાલીઓના કહેવા પ્રમાણે સવારે કેટલાક વાલીઓ પૂર્વ અને કેટલાક પશ્ચિમમાં જઇને જુદી જુદી શાળાઓના પ્રિન્સિપાલ અને સંચાલકને મળીને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને થયેલા અન્યાયની રજૂઆત કરીને વિદ્યાર્થીઓ-વાલીઓના સમર્થનમાં શાળા બંધ રાખવા માટે અપીલ કરાશે. સુરતમાં તો વિદ્યાર્થીઓ દ્વારા જ દરેક શાળાઓમાં જઇને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓના સમર્થનમાં શાળા બંધ રાખવાની અપીલ કરવામાં આવશે.

વાલીઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મોટાભાગની શાળાના સંચાલકો અને પ્રિન્સિપાલ દ્વારા સમર્થનમાં પોતાની શાળાઓ બંધ રાખવાની બાંયધરી આપવામાં આવી છે.વાલીઓ દ્વારા દરેક શાળાઓમાં જઇને પત્રિકા વિતરણ કરવામાં આવશે. આ પત્રિકામાં એવો ઉલ્લેખ કરાયો છે કે, સીબીએસઇ એવું ઇચ્છે છે કે મેડિકલ, ડેન્ટલ કે અન્ય સારી બ્રાન્ચોમાં માત્ર પોતાના વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળે, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ કોઇ જગ્યાએ મેદાન મારી ન જવા જોઇએ, CBSEના કારણે ખાનગી ટયૂશન કલાસીસના સંચાલકોને થાય છે. ધીમે ધીમે ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ થાય અને CBSEની શાળાઓમાં પ્રવેશ લેવા માટે વાલીઓએ મજબૂર થવું પડે તેવી સ્થિતિ ઊભી કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.