Abtak Media Google News

બુકાનીધારી શખ્સો બંદુક સાથે આંગડીયા ઓફિસમાં ઘુસી રોકડ, સોનાનો ચેન અને ત્રણ મોબાઇલની લૂંટ ચલાવી પાંચ શખ્સો સફેદ કારમાં ફરાર: વડોદ પાસેથી એક મોબાઇલ રેઢો મળી આવ્યો: સીસીટીવી ફુટેજ મેળવી લૂંટારાનું પોલીસે પગેરૂ દબાવ્યું

સુરેન્દ્રનગરના સાયલા ખાતે સુદામડા રોડ પર આવેલ૪ સંતો, કોમ્પ્લેક્ષના પહેલાં માળે આવેલી આર.કે.આંગડીયા પેઢીમાં લૂંટારૂ બંદુક સાથે ત્રાટકી રૂ.૭ લાખની મત્તાની લૂંટ ચલાવી ફરાર થતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી લૂંટારૂનું પગેરૂ દબાવી ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળી તાલુકાના સધ્ધિસર રહેતા અને સાયલાની આર.કે.આંગડીયા પેઢીની ફેન્ચાઇઝી ધરાવતા ભગીરથસિંહ જગતસિંહ પરમારે આંગડીયા પેઢીની ઓફિસમાં ઘુસેલા ચાર અજાણ્યા શખ્સોએ રૂ.૬.૫૭ લાખની રોકડ, રૂ.૩૦ હજારની કિંમતનો સોનાનો ચેન અને રૂ.૭ હજારની કિંમતના ત્રણ મોબાઇલ મળી રૂ.૬.૯૪ લાખની મત્તાની લૂંટ ચલાવી સફેદ કારમાં ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સંતોષ કોમ્પ્લેક્ષના પહેલાં માળે આવેલી આર.કે.આંગડીયા પેઢીની ઓફિસમાં ભગીરથસિંહ પરમાર અને પેઢીના મહેતાજી કેતુલ અરવિંદભાઇ સાકરીયા બુકીંગ અને કટીંગ કરી રહ્યા હતા ત્યારે સાંજના સાડા ચાર વાગે એક બુકાનીધારી શખ્સ સહિત બે શખ્સ આંગડીયા પેઢીની ઓફિસમાં આવ્યા હતા તે પૈકીના એક શખ્સ પાસે બંદુક હતી. ત્યાર બાદ બીજા બે શખ્સ આંગડીયાની ઓફિસમાં આવી હિન્દી ભાષામાં હાથ ઉપર કરવા ધમકી દીધી હતી. ઓફિસમાંથી સેલો ટેપ લઇ બંનેના મોઢા પર, બંને હાથ અને પગ પર લગાવી બંધક બનાવી ભગીરથસિંહ પરમારના ગળામાંથી સોનાનો ચેનની લુંટ ચલાવ્યા બાદ ટેબલના ખાનામાંઓતી રૂ.૬.૫૭ લાખ રોકડા સાથેનો કાળો થેલો અને ત્રણ મોબાઇલ લૂંટી ચારેય શખ્સો સંતોષ કોમ્પ્લેક્ષમાંથી નીચે ઉતર્યા તે દરિમયાન મહેતાજી કેતુલભાઇએ કાચના દરવાજા તોડી નીચે જોયું ત્યારે નીચે પાર્ક કરેલી સફેદ કલર કાર એક શખ્સ લઇ ઉભો હતો. તેની કારમાં ચારેય શખ્સો બેસી જતા સાયલા સર્કલ તરફ ભાગી ગયા હતા.

કેતુલભાઇએ હાથ પગ લગાવેલી સેલો ટેપ કાઢી ભગીરથસિંહ પરમારની ટેપ કાઢી નાખી હતી અને પોતાના મિત્ર જતીનભાઇ સતાણી અને પૃથ્વીસિંહ પરમારને જાણ કરી આંગડીયા પેઢીની ઓફિસે બોલાવ્યા બાદ ફરિયાદ નોંધાવવા પોલીસ મથકે પહોચ્યા હતા.

સાયલા પોલીસને આંગડીયા પેઢીની ઓફિસમાં દિલધડક લૂંટ થયાની ઘટનાની જાણ થતાં હાઇવે પર નાકાબંધી કરાવી હતી અને ઘટના સ્થળના સીસીટીવી ફુટેજ મેળવી લૂંટારૂનું પગેરૂ દબાવ્યું હતું. પી.એસ.ઇ. એમ.ડી.ચૌધરી સહિતના સ્ટાફની તપાસ દરમિયાન આંગડીયા પેઢીમાંથી લૂંટી લીધેલા ત્રણ મોબાઇલ પૈકી એક મોબાઇલ વડોદ ગામ પાસેથી રેઢો મળી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટનો ભેદ ઉકેલવા તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.