Abtak Media Google News

જે વિભાગની કામગીરીના વિરોધમાં આંદોલન ચાલે છે તે વિભાગનાં જ પદાધિકારી આંદોલનમાં નજરે પડતા આશ્ચર્ય સર્જાયુ

ધોરાજીમાં ગંદકી અને આરોગ્ય મુદ્દે સમાજ સેવીઓનું ઉપવાસ આંદોલન પુરજોશમાં ચાલી રહ્યું છે આ આંદોલનમાં વિચીત્ર ધટના જોવા મળી હતી. જે સેનીટેશન વિભાગની કામગીરી સામે આ આંદોલન ચાલી રહ્યું છે. તે જ વિભાગનાં ચેરમેન આ આંદોલનમાં જોવા મળતા ભારે આશ્ચર્ય સર્જાયું છે.

ધોરાજીમાં આરોગ્ય અને ગંદકી તેમજ સફાઈના પ્રશ્ને છેલ્લા સાત દિવસ થી ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે.

જેમાં આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય કામગીરી થતી ન હોવાને કારણે શહેરમાં ડેંગ્યુ અને વાયરલ રોગચાળો વકરી રહ્યો હોવા ઉપરાંત શહેરમાં સફાઈ પરત્વે તંત્ર બેદરકારી સેવી રહ્યું હોવાની મુખ્ય રજુઆત છે.

ત્યારે સમગ્ર શહેરના જનહિત માટે ચાલતા ઉપવાસ આંદોલન માં ધોરાજી શહેરના વિવિધ રાજકીય તેમજ સામાજિક સંસ્થાઓનું ઉપવાસીઓને સમર્થન મળી રહ્યું છે. આવી સ્થિતિમાં એક આશ્ચર્ય સર્જાઈ તેવી ઘટના બનવા પામી હતી.

ઉપવાસ આંદોલન ની છાવણીમાં ધોરાજી નગરપાલિકા ના સેનિટેશન શાખાના ચેરમેન હનીફમિયા સૈયદ નજરે પડતા લોકોમાં તરેહ તરેહની ચર્ચા ઉઠવા પામી હતી. સમગ્ર આંદોલન સફાઈ નો અભાવ અને આરોગ્ય મામલે હોય ત્યારે શહેરની સફાઈની જવાબદારી પાલિકાના સેનિટેશન વિભાગની બનતી હોય છે. તેવામાં ખુદ સેનિટેશન વિભાગના ચેરમેન આંદોલનકારીઓ ની છાવણી ખાતે સમર્થન આપતા દેખા દેતા લોકોમાં ભારે આશ્ચર્ય થયું હતું. ધોરાજી માં સફાઈ અને આરોગ્ય મામલે ચાલતા આંદોલનમાં શહેરની વિવિધ સંસ્થા, મંડળો નું સમર્થન હોય અને કોંગ્રેસ અને ભાજપના અનેક નગરસેવકોએ ટેકો આપ્યો હોય તેમ છતાં હજુ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી શા માટે હાથ ધરવામાં આવતી નથી તે યક્ષ પ્રશ્ન છે.

જે વિભાગ સામેનો પ્રશ્ન હોય તે વિભાગના જવાબદાર પદાધિકારી ની ઉપવાસી છાવણીમાં હાજરી હોવી એ પ્રકારનું રાજકારણ સામાન્ય નગરજનોની સમજમાં આવતું નથી. જોકે રાજકારણ ના આવા ખેલમાં બાપડી પ્રજા પિલાઈ રહી છે તે વાસ્તવિકતા છે.

આ મામલે પાલિકાના સેનિટેશન વિભાગના ચેરમેનનો સંપર્ક કરતા તેમનો ફોન સતત નો રીપ્લાય થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.