Abtak Media Google News

સૂર્ય નમસ્કાર અને યોગ આપણી પ્રાચીન સંસ્કૃતિ છે. શરીરને ફિટ તથા તંદુરસ્ત રાખવા માટે સૂર્ય નમસ્કાર અને યોગ કરવાની સલાહ આપવામાં આવે છે. સદીઓ પહેલા આપણા સાધુ-સંતોએ આપણને સૂર્ય નમસ્કારની ભેટ આપી છે. સૂર્ય નમસ્કાર દરરોજ સવારે કરવાથી દિવસની શરૂઆત પણ સારી રહે છે. સૂર્ય નમસ્કારના સ્વાસ્થ્ય લાભ પણ છે. આ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં સૂર્ય નમસ્કાર મહાઅભિયાન હાથ ધરવામાં આવશે. આ સાથે વિજેતાઓને લાખોના રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

ગ્રામ્ય / શાળા / વોર્ડ કક્ષાથી શરૂ કરી રાજ્ય કક્ષાએ સ્પર્ધા યોજાશે: ૧૨ ડિસેમ્બર ૨૦૨૩ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન થઇ શકશે

યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યુ કે, સમગ્ર રાજ્યમાં ૨૦ હજારથી વધુ સ્થળોએ યોગ સ્પર્ધાનું આયોજન થશે અને અંદાજે ૨ કરોડથી વધુ રકમના ઇનામો યોગ સ્પર્ધકોને આપવામાં આવશે. આ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહા અભિયાન અંતર્ગત તા.૬ થી ૩૧ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ગ્રામ્ય / શાળા / વોર્ડ કક્ષાથી શરૂ કરી રાજ્ય કક્ષાએ સ્પર્ધા યોજાશે.

જેનું રજીસ્ટ્રેશન ઓનલાઇન લીંકના માધ્યમથી કરવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા તા.૦૬ થી ૧૨ ડિસેમ્બર ૨૦૨૩ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન થઇ શકશે. તા.૧૫ ડિસેમ્બરના રોજ ગ્રામ્ય તથા નપા / મનપા વોર્ડ કક્ષા સ્પર્ધા, તા.૧૯ ડિસેમ્બરના રોજ તાલુકા તથા ઝોન કક્ષા સ્પર્ધા, તા.૨૪ ડિસેમ્બરના રોજ જીલ્લા તથા મહાનગરપાલિકા કક્ષા સ્પર્ધા અને તા.૨૯ ડિસેમ્બરના રોજ રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાશે.

કેટેગરી વાઈઝ વિજેતાઓને રોકડ પુરસ્કાર અપાશે

સ્પર્ધાની કેટેગરી વય મુજબ ત્રણ ભાગમાં કરવામાં આવી છે. જેમાં ૦૯ થી ૧૮ વર્ષ, ૧૯ થી ૪૦ વર્ષ અને ૪૧ વર્ષથી ઉપરની વયના નાગરિકો ભાગ લઇ શકશે. જેમાં ગ્રામ્ય / શાળા / વોર્ડ કક્ષાએ કેટેગરી વાઇઝ વિજેતાઓને રોકડ રૂ.૧૦૧, તાલુકા / નગરપાલિકા / ઝોન કક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધક વય જુથ મુજબ એક ભાઇ અને એક બહેનને રૂા. ૧૦૦૦ તેમજ જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ વિજેતા થયેલા પ્રથમ ભાઇ અને પ્રથમ બહેનને રૂા. ૨૧,૦૦૦/- દ્રિતિય ભાઇ અને બહેનને રૂા. ૧૫,૦૦૦/- અને તૃતિય ભાઇ અને બહેનને રૂા. ૧૧,૦૦૦ રોકડ પુરષ્કાર આપવામાં આવશે. રાજ્ય કક્ષાએ વિજેતા થનાર પ્રથમ વિજેતા ભાઇ અને બહેનને રૂા. ૨,૫૦,૦૦૦/- , દ્રિતીય ભાઇ અને બહેનને રૂા. ૧,૭૫,૦૦૦/- અને તૃતિય ભાઇ અને બહેનને રૂા. ૧,૦૦,૦૦૦/- રોકડ પુરષ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત તમામ પાર્ટીશીપન્ટને ડિજિટલ સર્ટીફીકેટ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.