Abtak Media Google News

ટી-૨૦માં ડેબ્યુ કરશે શિવમ દુબે: સંજુ સેમસનને ૪ વર્ષ પછી અપાઈ તક, ચહલની વાપસી

સાઉથ આફ્રિકા સામેની ૩ ટેસ્ટ મેચની સીરીઝ ૩-૦થી જીત્યા બાદ બાંગ્લાદેશની ટીમ ભારત પ્રવાસે આવી રહી છે જેમાં બાંગ્લાદેશની ટીમ ભારત સામે ટી-૨૦ અને ટેસ્ટ સીરીઝ રમશે. ૩જી નવેમ્બરથી શરૂ થતી ટી-૨૦ સીરીઝમાં ટીમનાં જુના જોગીઓને આરામ આપવામાં આવ્યો છે. જયારે નવા ચહેરાઓને સિલેકશન કમિટી દ્વારા સિલેકટ કરી તેઓને અજમાવાશે જેમાં ભારતીય ટીમમાં ડેબ્યુટ કરતા ૨૬ વર્ષીય ઓલ રાઉન્ડર શિવમ દુબે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે ત્યારે ટી-૨૦નું સુકાનીપદ રોહિત શર્માનાં શીરે સોંપવામાં આવ્યું છે ત્યારબાદ શરૂ થતી ટેસ્ટ સીરીઝમાં ફરી વિરાટ ટીમ સાથે જોડાશે.

બાંગ્લાદેશ સામે રમાનારી ટી૨૦ શ્રેણી માટે ગુરૂવારે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સુકાની વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. કોહલીની ગેરહાજરીમાં ઉપસુકાની રોહિત શર્મા ટીમની કેપ્ટનશિપ સંભાળશે. કોહલી બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણીમાં રમશે અને તે ટીમની આગેવાની કરશે. ટી૨૦ ટીમમાં વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનને પણ રિશભ પંતની સાથે સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે મુંબઈના ઓલ-રાઉન્ડર શિવમ દૂબેને પણ તક મળી છે.

ટી૨૦ ટીમમાં રિસ્ટ સ્પિનર યુજવેન્દ્ર ચહલને સામેલ કરાયો છે પરંતુ તેના જોડીદાર ગણવામાં આવતા કુલદીપ યાદવને સ્થાન મળ્યું નથી. રાહુલ ચહર અને દીપક ચહર ટી૨૦ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ટેસ્ટ ટીમમાંથી પડતા મૂકવામાં આવેલા ઓપનર લોકેશ રાહુલને વિજય હઝારેમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શનને જોતા ટી૨૦ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. સંજૂ સેમસને વિજય હઝારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે રેકોર્ડ બ્રેકિંગ અણનમ ૨૧૨ રનની ઈનિંગ્સ રમી હતી. જેના કારણે તે ટીમમાં સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે. સેમસન છેલ્લે ૨૦૧૫માં ભારત માટે રમ્યો હતો. જ્યારે શિવમ દૂબેને ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યાના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. દૂબે છેલ્લા કેટલાક સમયથી ડોમેસ્ટિક ક્રિકેટમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી રહ્યો છે. હાર્દિક પંડ્યાએ તાજેતરમાં જ લોઅર બેકની ઈજાની સર્જરી કરાવી છે અને તેથી દૂબે સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. દૂબેને પ્રથમ વખત ભારતીય સિનિયર ટીમમાં સામેલ કરાયો છે.

ટેસ્ટ ટીમની વાત કરીએ તો તેમાં ફક્ત એક ફેરફાર કરવામાં આવ્યો છે તે સિવાય સાઉથ આફ્રિકાનો ૩-૦થી વ્હાઈટવોશ કરનારી ટીમને યથાવત રાખવામાં આવી છે.

કુલદીપ યાદવના વિકલ્પ તરીકે રાંચી ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં સામેલ કરવામાં આવેલા શાહબાઝ નદીમને ટીમમાં સ્થાન મળ્યું નથી. નદીમે રાંચી ખાતે પોતાની ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે જણાવ્યું હતું કે અગાઉ ટી૨૦ ટીમમાં આપણી પાસે હાર્દિક પંડ્યા હતા અને બાદમાં અમે વિજય શંકરને પણ તક આપી હતી. પરંતુ અમે હવે શિવન દૂબેને તક આપવાનો નિર્ણય લીધો છે. તે આક્રમક બેટિંગ કરી શકે છે. વેસ્ટ ઈન્ડિઝમાં ભારત-એ માટે રમેલી શ્રેણીમાં તેણે અદ્દભુત પ્રદર્શન કર્યું હતુ અને સાઉથ આફ્રિકા સામે વન-ડેમાં પણ તેણે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ૩ નવેમ્બરે દિલ્હીમાં પ્રથમ ટી૨૦ મેચ રમાશે અને ત્યારબાદ ૭ નવેમ્બરે રાજકોટમાં બીજી અને ૧૦મીએ નાગપુરમાં ત્રીજી ટી૨૦ મેચ રમાશે. ત્યારબાદ ૧૪ નવેમ્બરે ઈન્દોરમાં પ્રથમ ટેસ્ટ રમાશે અને કોલકાતામાં ૨૨મીએ બીજી ટેસ્ટનો પ્રારંભ થશે. આ ટેસ્ટ શ્રેણી આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે.

ભારતીય ટી૨૦ ટીમ: રોહિત શર્મા (સુકાની), શિખર ધવન, લોકેશ રાહુલ, સંજૂ સેમસન (વિકેટકીપર), શ્રેયસ ઐય્યર, મનિષ પાંડે, રિશભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, કૃણાલ પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, દીપક ચહર, ખલીલ અહેમદ, શિવમ દૂબે, શાર્દૂલ ઠાકુર.

ભારતીય ટેસ્ટ ટીમ: વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિદ્ધિમાન સહા (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ઈશાન્ત શર્મા, શુભમન ગિલ, રિશભ પંત (વિકેટકીપર).

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.