Abtak Media Google News

હિંમતનગરમાં મહેસુલ વિભાગને લગતી બાબતો અને વિકાસ કાર્યો અંગે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજતા મહેસુલ મંત્રી

સમાજ સુરક્ષા વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીને હુકમ વિતરણ માટેના કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લાની મુલાકાતે આવેલા મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટીતંત્રની સમીક્ષા બેઠક  હિંમતનગરના નવિન સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી.

મહેસુલ મંત્રી  કૌશિકભાઇ પટેલે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક યોજી મહેસુલી તંત્ર ઉપરાંત જિલ્લાના વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી હતી. તેમણે વિકામ કામો ઉત્તમ ગુણવત્તાયુક્ત થાય અને સમયસર પૂર્ણ થાય એ પ્રકારે આયોજન કરવા સૂચનાઓ આપી હતી. લોકોના પ્રશ્નોનો નિકાલ સમયસર થાય એવી કાર્યશૈલી વિકસાવવા મંત્રીએ આ બેઠકમાં ભાર મૂક્યો હતો.  તેમણે સાબરકાંઠા જિલ્લાના જનપ્રતિનિધિ દ્વારા થયેલી લોકહિતની રજૂઆતોની મંત્રી વિસ્તૃત સમીક્ષા કરી હતી.

તેમણે મહેસુલી અધિકારીઓ પાસેથી સરકારી જમીનો ઉપર થયેલા દબાણોનું લિસ્ટ કેવી રીતે બનાવી શકાય એ બાબતના પ્રતિભાવો પણ જાણ્યા હતા. આવા દબાણો શોધવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવા પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો.

કૌશિક પટેલે આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ વિકાસના કાર્યો, મગફળી ખરીદીની ઓનલાઇન રજીસ્ટ્રેશન પક્રિયામાં ખેડૂતોને મદદરૂપ થવુ અને તેમના ખરીદીનું પેમેન્ટ ઝડપથી મળતુ થાય, પ્રધાનમંત્રી કિસાન સન્માન અંતર્ગત ખેડૂતોને આવરી લેવા તેમજ કૃષિ સહાય યોજનાની  કામગીરી ઝડપી બનાવવા, વસતીના ધોરણે રેશનીંગ કાર્ડનું સીડીંગ થાય,સ્વચ્છતા અભિયાન, આઇઓઆરએ,આવાસ યોજના, પ્રાયોજના અંતર્ગત વિકાસ કામોની પણ સમીક્ષા કરી  ઉપયોગી સૂચનો કર્યા હતા.

બેઠકમાં મહેસૂલ મંત્રીએ મહેસૂલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઇન સર્વિસમાં લોકોને કોઇ મુશ્કેલી ન પડે તેની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. આ ઉપરાંત બેઠકમાં રીસરવેના વાંધા અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ થાય તે માટે વહીવટીતંત્રને જરૂરી સુચનાઓ આપી.

આ બેઠકમાં સાસંદ દિપસિંહ રાઠોડ, હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા સમાહર્તા સી.જે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્ર પટેલ, પોલીસ વડા ચૈતન્ય માંડલિક, અધિક કલેકટર, વી.એલ.પટેલ સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.