Abtak Media Google News

આ પ્રોજેક્ટ ગુન્હા રોકવા પોલીસને મદદરૂપ થશે: ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં ગુજરાતની  કાયદો વ્યવસ્થાની સ્થિતીના લીરા ઉડી ગયા હતા: મુખ્યમંત્રી

કેન્દ્રીય ગૃહરાજયમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું છે કે, સમાજમાં શાંતિ અને સુરક્ષાની પ્રતીતિ કરાવવા માટે કાયદો-વ્યવસ્થાનું સુચારુ પાલન અત્યંત જરૂરી છે. બદલાતા સમયમાં સાયબર ક્રાઈમ ક્ષેત્રે વૈશ્વિક પડકારો ઉભાં થયા છે ત્યારે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા ટેકનોલોજીનો મહતમ ઉપયોગ જરૂરી છે.

અમિત ભાઈ શાહ ગુજરાત પોલીસની અભિનવ પહેલરૂપ  ટેકનોલોજી યુક્ત વિવિધ પ્રોજેક્ટ્સના કાર્યારંભ અવસરે સંબોધન કરી રહ્યા હતા. ગુજરાતે વિશ્વાસ અને આશ્વસ્ત પ્રોજેક્ટ અંતર્ગત કરેલી પહેલ આ દિશામાં પરિણામલક્ષી પૂરવાર થશે.

ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ રોકવા તથા ગુન્હા ઉકેલવા માટે વિશ્વાસ અને આશ્વસ્ત પ્રોજેક્ટ આજથી કાર્યાન્વિત કર્યો છે. ૧૦૦ નંબર ડાયલ કરવાથી તથા રાજયના નવનિર્મિત એવા સાત જિલ્લાઓમાં ૧૧૨ નંબર ડાયલ કરવાથી ત્વરીત મદદ ઉપલબ્ધ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપાડ્યા હોય  ઈન્સ્યોરન્સના બહાને પૈસા ઉપાડયા હોય કે, ઓ.એલ.એક્સ પર પૈસા ગુમાવ્યા હોય તેવા સાયબર ગુન્હા સંદર્ભમાં આ પ્રોજેક્ટ ઉપયોગી થશે. અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાત દરેક ક્ષત્રે અગ્રેસર રહ્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ આ અભિગમની શરૂઆત કરી હતી અને ગુજરાતે આ પ્રોજેક્ટના અમલ દ્વારા એને મૂર્તિમંત સ્વરૂપ આપ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સી.સી.ટીવીના માધ્યમથી શહેરો-રાજયની એક-એક જગ્યા પર વોચ રાખીને તેનું પૃથ્થકરણ કરીને માહિતી કે પ્રવૃત્તિને ઈન્વેસ્ટિગેશન ઓફિસર સુધી પહોંચાડી શકાશે. આ વ્યવસ્થા બદલ રાજયના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને રાજ્યના પોલીસ વડાને અભિનંદન પાઠવ્યા હતા.

London Eye

ક્રાઈમ રેટ ઘટાડવામાં ગુજરાત પોલીસના પ્રયાસોને બિરદાવીને શાહે જણાવ્યું હતું કે, ગુજરાત દેશમાં સૌથી સુરક્ષિત રાજયની છબિ ધરાવે છે. બદલાતા સમયમાં સાયબર ક્રાઈમ ક્ષેત્રે વૈશ્વિક પડકારો ઉભા થયા છે ત્યારે આ ક્ષેત્રની ગુનિહાખોરી અટકાવવા આ પ્રોજેક્ટ ઉપયોગી તો થશે જ પરંતુ, સાયબર ગુનાથી પીડાતા લોકોને સાચા અર્થમાં વિશ્વસનીય રીતે આશ્વસ્ત કરશે. શાહે ઉમેર્યું કે, કાયદો વ્યવસ્થાની જાળવણીમાં ઉત્કૃષ્ઠ સીમાચિહ્નો પ્રસ્થાપિત કરનારી ભાજપના નેતૃત્વવાળી ગુજરાત સરકારે શાંતિ, સુશાસન માટે અનેક ડાયમેન્શન ઉમેર્યાં છે. ૧૯૮૦-૯૦ના દાયકામાં કોમી રમખાણાોના રાજય તરીકે ઓળખાતું ગુજરાત આજે વિકાસના રોલમોડેલ તરીકે પ્રસ્થાપિત થયું છે. તેના પાયામાં રાજય સરકારની પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિ અને દિર્ઘ દ્રષ્ટિપૂર્ણ આયોજન છે. અને ગુજરાતે શાંતિ, સુશાસનની કરેલી અનુભૂતિના મૂળમાં પોલીસની કામગીરીમાં રાજકીય હસ્તક્ષેપ નથી તે છે. દેશ આખામાં વિસ્તારવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કાર્યરત છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં વિકાસના નવા સીમાચિહ્નો સર  થયા છે અને દેશનું  વિકાસ રોલ મોડલ ગુજરાત બન્યું છે તેના પાયામાં  સુદ્રઢ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ રહેલી છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો  હતો. તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે, ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતીના લીરા ઉડી ગયા હતા. માફિયાઓ, ખંડણીખોરો અને અસામાજિક તત્વોની રંજાડ વધી ગઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.