Abtak Media Google News

કોઈપણ માણસે કરેલો પ્રમાણિક પુરૂષાર્થ ખાલી જતો નથી, એ તપસ્વીના તપ જેવો છે, ને તપ નિરર્થક નીવડતું નથી… સાચા શ્રમ-ઉધમ વડે જ સિધ્ધિના ગલગોટા ખીલે છે…

સારો વિચાર કરીને મેં પ્રથમ પગલું ભર્યુ નિષ્પાપ વર્તન આચરીને મેં બીજું પગલુ ભર્યું અને સદવચનો સાથે મેં ત્રીજું પગલુ ભર્યું ત્યાંજ હું સ્વર્ગમાં પહોચી ગયો: સ્વર્ગ બહુ દૂર નથી ઉભા ન રહો, ચાલવા માંડો સત્યની કેડી ચૂકી ન જવાય તો મંઝિલે પહોચી જ જવાશે !

લગ્નોત્સવમાં જેટલું મહત્વ સપ્તપદીનું, એટલું જ મહત્વ જીવન યાત્રામાં આ ચાર કદમનું છે. એનું અખંડ અનુસરણ જીવનયાત્રાની મંઝિલે પહોચાડી શકે છે. લગ્ન મંડપના પ્રત્યેક સ્થંભ અને લગ્નમંડપની વચ્ચેની શાસ્ત્રોકત ગતિવિધીઓ દામ્પત્ય જીવનના સુભગ સાફલ્યના સ્વસ્તિકો સમી હોવાનું આપણી વેદવાણીમાં નિર્દિષ્ટ છે. એમાં ભારતીય સંસ્કૃતિના તાણાવણા છે. અને એ ભારતીય સંસ્કૃતિ તથા ભારતીય સંસ્કાર તથા ભારતીય સભ્યતાનો અર્ક (ઈસેન્સ) પણ છે. મનુષ્યજીવનની શોભા એમાં જ છે. સૌન્દર્ય શણગાર પણ એમાં જ છે. ‘સત્યમ, શિવમ્ સુંદરમ’ના તમામ સત્વતત્વ એમાંજ નિહિત છે. કળિયુગમાં સત્યુગમાં સૂરજ ઉગાડવાની મુખ્ય શરતો કે એની સુવર્ણ ભૂમિકાપણ એમાં જ છે.

આપણો સમાજ અને આપણો દેશ પશ્ર્ચિમી સંસ્કૃતિ અને પશ્ર્ચિમી સંસ્કારના જબરા આક્રમણ સામે દૂષિત બનતો રહ્યો છે. અને કમજોર પણ બની રહ્યો છે. ‘દેખાદેખી’નો ધૂંધવાટ એને રોળીટોળી રહ્યો છે. આપણી નવી પેઢીને તેમજ ઉગતી પેઢીને પશ્ર્ચિમી સંસ્કૃતિના આક્રમણે એટલી હદે ભરડો લીધો છે કે આપણા દેશમાં આપણે જાણે આપણા પણું ખોઈ નાખવા લાગ્યા છીએ..!

આવી સ્થિતિમાં આપણી શહેરી પ્રજા અને ગ્રામ્ય પ્રજા એકબીજાને પરાઈ લાગવા લાગી છે.

શહેરો ‘ડેંગ્યુ’ અને અન્ય બિમારીઓ સર્જતી વાયરસ-જંતુઓનાં -કચરાના ઢગલા વચ્ચે ગાંઠિયા, પુરી, ભજિયા જેવી ગંદી-ગોબરા ચીજો વેચતી રેકડીઓ અને ગલ્લાને કારણે રોગના ઘર જેવા બની રહ્યા છે.

એમાંય રાજકોટને કયારેય સ્માર્ટ સીટી નહિ બનવા દેવા હોય એમ મ્યુ. કોર્પોરેશનના સત્તાવાળાઓ, કાંતો લાંચ અને ભ્રષ્ટાચારમાં ભાગીદાર બનવા માટે અનિષ્ટો-અનાચાર સામે આંખ આડા કાન કરતા રહ્યા છે. આગામી ચૂંટણીમાં આવા પ્રતિનિધિઓને ઘરભેગા કરવા પડે એટલા ધમંડી અને આંધળાભીંત આવા સત્તાધીશો અને કોર્પોરેટરો બન્યા છે. એક બાજુ કચરાના ઢગલા, એને ઉપાડી જવા આવતી ગાડીઓ અને એની વચ્ચે જ આવી બિમારી ફેલાવતી ખાણીપીણીની, ફ્રુટની અને જગ્યા રોકાણના ગુનાની લાયસન્સ વગરની પરવા વિના કોઈની ચોરાઉ હોય એવી રેકડીઓ, કેબીનો છડે ચોક ભલીભોળી પ્રજાને ડેંગ્યુની બિમારી સર્જતા જીવજંતુઓ પડીકામાં વિંટેલી ગોબરી ગંધારી અને ભેળસેળભરી ખાણીપીણીની ચીજો ખવડાવે છે.

અહી એસબીઆઈ જેવી બેંક છે. એના દરવાજે આ રેકડીઓનું કાયમી અનિષ્ટ છે. લેડીઝ હોસ્ટેલની હોસ્પિટલે જતી વિદ્યાર્થી દીકરીઓએ પસાર થવું પડે છે. અને અવમાનના ભોગવવી પડે છે. હોસ્પિટલના કવાર્ટર્સને પણ નરી આંખે આવો અનાચાર વેઠવો પડે છે. મોટી વસ્તી ધરાવતા વિસ્તારની પ્રજાએ આના સાક્ષી બનવું પડે છે. હોસ્પિટલની સામે ગોરખધંધા કરીને આ બધા તેમની રેકડીઓ, ગલ્લાના સાધનો-કબાટ આખી રાત અહી મૂકી જાય છે.

ફરિયાદો વચ્ચેય આ બધા રીઢા ગુનેગારોની જેમ પડયા પાથર્યા રહે છે. બેફામ મુશ્કેલીઓ અનુભવતા લોકોનો અને અભ્યાસીઓનો એવો મત છે કે, આવા રીઢા ગુનેગારો જેવા લોકોની રેકડીઓ-ગલ્લાઓ દર કરીને તેમનો દંડ કરાય અને રેકડીઓ ઉઠાવી લઈને સજા કરાય તો જ આ અનિષ્ટને કાયમ માટે દૂર કરી શકાય…

આખા રાજકોટની શેરીગલીઓની આવી સ્થિતિ છે જાતે સતત નિરીક્ષણ વિના રાજકોટને સ્માર્ટ સીટી બનાવવાનું શકય નહિ જ બને ! એક સમયે અલગ રાત્રી બજારનો પ્રયોગ થયો હતો.

અગ્રલેખમાં સમીક્ષા કરવા જેવી ગંભીર આ બાબત છે. આખા ગુજરાતનાં શહેરોને સ્પર્શતી, એટલેકે લાખો લોકોને સ્પર્શતી આ બાબત છે. વધતી જતી બિમારીઓને નાથવા માટેનીઆ બાબત છે.

ગામડાઓ સુધી પ્રસરે એવી આ બાબત છે. મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ તો ગુજરાતના તમામ ગામડાઓને સ્માર્ટ બનાવવાનો તેમની સરકારનો સંકલ્પ ઘોષિત કરીને એક અતિ મહત્વનાં પગલાની દીર્ધદ્રષ્ટિ દર્શાવી છે.

આરોગ્ય ખાતાની આબરૂનો આ સવાલ છે. મુખ્યમંત્રીની ઘોષણા સાથે જોડીએ તો આખા ગુજરાતની અને સરકારની આબરૂનો આ સવાલ છે. જો એમાં નિષ્ફળ જવાશે તો એમાં સરકારની કમજોરી પ્રતિબિંબિત થશે. ગુજરાતની ચૂંટણી અને મ્યુ. કોર્પોરેશનની ચૂંટણી વખતે મહત્વનો મુદ્દો બનવા જેવી એમાં રાજકીય જામગરી છે, એ ભૂલવા જેવું નથી.

રહેણાંક વિસ્તારોમાં ધંધાદારી પ્રવૃત્તિઓ થાય અને તે પણ આરોગ્યને નુકશાન થાય તથા અશાંતિ સર્જાય એવી ધંધાકીય પ્રવૃત્તિ થાય, પ્રદુષણ સર્જાય એવી પ્રવૃત્તિ થાય અને હવામાને પ્રદુષિત કરે એવી ધંધાદારી પ્રવૃત્તિઓથાય એ તો પ્રજામાં બળવો પેદા કરે એવી ગંભીર ગણાય…

ગુજરાત સરકાર અને મ્યુ. કોર્પો.ની આનાથી વધુ કમજોરી, અણઆવડત, તેમજ વહિવટી નિષ્ફળતા બીજી કઈ લેખાય ?

આપણે ઈચ્છીએ અને પ્રાર્થના કરીએ કે ગુજરાતની આબરૂ ખંડિત થતા પહેલા વ્યાપક જરૂરી પગલા લેવાય, એમાં રાજકોટ જ નહિ આખા ગુજરાતનું અને સરવાળે દેશનું ભલું છે !

એનાથી લગ્નોત્સવ, રાષ્ટ્રીય ઉત્સવ, નવા દેશભકત મનુષ્યને જન્મ, અને સ્વચ્છતા અભિયાન જેવા તમામ ઉત્સવોની સફળતા આપોઆપ સાંપડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.