Abtak Media Google News

દેશભરના કોંગ્રેસી આગેવાનો સોશ્યલ મિડિયા મારફતે ‘સ્પીક અપ’કાર્યક્રમ યોજશે: ગરીબ પરિવારોને રૂ. ૧૦,૦૦૦ ની આર્થિક સહાયની માંગ દ્વારા કોંગ્રેસનો કેન્દ્ર સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ

કોરોના વાયરસના સંક્રમણને રોકવા કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ લોકડાઉનના કારણે સ્થાનાતરીતો, ગરીબો, મઘ્યમ વર્ગ સહિતના સમાજના અનેક વર્ગોના લોકોને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડયો છે. આ તમામ વર્ગના લોકોની સમસ્યાને વાચા આપવા કોંગ્રેસ આજથી સોશ્યલ મીડીયાના માઘ્યમથી ઓનલાઇન ‘સ્પીક અપ’ કાર્યક્રમનું યોજનારું છે. આ કાર્યક્રમ અંતર્ગત દેશભરના કોંગ્રેસી આગેવાનો સવારે ૧૧ થી ર વાગ્યા સુધી લોકોની સમસ્યા ઓનલાઇન સાંભળીને તેને વાચા આપવાનો પ્રયાસ કરશે.

આ અંગેની વિગતો આપતા કોંગ્રેસના પ્રવકતા અજય માકને જણાવ્યું હતું કે લોકડાઉનના કારણે ગરીબો, સ્થાનાતરીતો, નાના વેપારી અને મઘ્યમ વર્ગના લોકોને અનેક પ્રકારે વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે. જેને વાચા આપવા કોંગ્રેસ દેશભરમાં સોશ્યલ મીડિયાના વિવિધ માઘ્યમો, ફેસબુક, ટવીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ-ટયુબ દ્વારા આ પીડિત લોકોની સમસ્યા સાંભળશે. દેશભરના રાજયોના કોંગ્રેસી આગેવાનો સવારે ૧૧ થી બપોરે ર વાગ્યા સુધી તેમના સોશ્યલ મીડીયાના વિવિધ પ્લેટફોર્મો પર ઓનલાઇન રહીને લોકોની સમસ્યાને વાચા આપશે.

માકને વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે દરેક ગરીબ પરિવારોને રૂા. ૧૦,૦૦૦ ની આર્થિક સહાય આપવા ઉપરાંત મનરેગા હેઠળ જેમને ર૦૦ દિવસની રોજગારી ઉપલબ્ધ કરાવવાની સ્થાનાતરીતો તેમના વતનમાં સલામતિ પૂર્વક પરત ફરી શકે તે માટે વાહન વ્યવહારની વ્યવસ્થા કરવા માટે માંગ કરી રહ્યું છે. ઉપરાંત ગરીબ પરિવારોને આગામી છ મહિના સુધી દર માસે રૂ. ૭,૫૦૦ ની આર્થિક મદદ કરવાની પણ માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે લોકસભા ચુંટણી પહેલા ‘ન્યાય’ યોજના જાહેર કરીને ગરીબ પરિવારોને સત્તામાં આવ્યા બાદ દર માસે રૂ. ૧૦ હજારની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. ‘ન્યાય’યોજનામાં કરવામાં આવેલી જોગવાઇની લોકડાઉનપીડિતો માટે આપવાની માંગ કરીને કોંગ્રેસે કેન્દ્રની મોદી સરકારને ફરીથી ભીંસમાં લેવાનો પ્રયત્ન કર્યો છે. ઓનલાઇન સ્પીક અપ ઇન્ડીયા ઝુંબેશ દ્વારા દેશભરમાં કોંગ્રેસી આગેવાનો લોકડાઉન પીડિતોની સમસ્યાને વાચા આપનારા છે જે પણ કેન્દ્ર સરકાર પર દબાણ લાવવાના પ્રયાસ સમાન હોવાનું રાજકીય પીડીતોનું માનવું છે. જેથી, કોંગ્રેસ ગરીબો, સ્થાનાતરીતોને લઇ રાજકારણ ગરમાવીને પોતાના રાજકીય સ્વાર્થની રોકડી કરશે તેવું મનાય રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.