Abtak Media Google News

આખા દેશમાં બેરોજગારી, કાં તો આવશ્યક ચીજ-વસ્તુઓની વર્તાતી અછત,ખરીદશકિતમાં અસાધારણ ઘટાડો, મોંઘવારીના ધમપછાડા; આર્થિક અને સામાજીક વ્યવહારોમાં રાતાંપાણીએ રોવા જેવી અતિ દયામણી પરિસ્થિતિ: વધતી ગરીબી તથા કારમી કંગાલિયત વચ્ચે ઘરકામ અને બાળમજુરી માટે ઘેર ઘેર તથા શેરીએ શેરીએ અને લતાઓમાં દોડધામ ! સરકારોમાં બેઠેલાઓનાં હાથ હેઠાં જેવો ઘાટ !… ઓછામાં પૂરૂ વરસાદ વેરણ ! ભલભલા લોકોને આગામી સમય માટે કરકસર કરવાની અપાતી સલાહ !

આપણા એક કોઠા ડાહ્યા વડીલે એવી ટકોર કરી છે કે, ‘સીતમ જો હદ વટાવે નહિ તો આંદોલન નથી થાતા, નેવિના કારણ જમાનામાં પરિવર્તન નથી થાતા !’

આપણે ત્યાં એક ફિલ્મ આવી હતી, જેનુંનામ હતુ; ‘સમાજ કો બદલ ડાલો’… આ બંને વાત આપણી હાલની અત્યંત દયાજનક પરિસ્થિતિને લાગુ પડે છે.

કોરોના વાયરસ અને તે પછી લગભગ એકધારા એકંદર આકરા લોકડાઉનને પગલે આપણા દેશની આમ પ્રજાની જીવનનિર્વાહની હાલત બેસુમાર કફોડી બની છે, આખા દેશમાં કારમી બેરોજગારી આવશ્યક ચીજ વસ્તુઓની જબરી અછત ખરીદશકિતમાં અસાધારણ ઘટાડો અને મોંઘવારીના ધમપછાડા તેમજ આર્થિક, સામાજિક વ્યવહારોમાં રાતાપાણીએ રોવું જ પડે એવી કલ્પનાતીત હાલત પેદા થઈ છે.

રોજ નવો દિવસ ઉગે છે અને સરકારમાં બેઠેલાઓ કોરોના-વાયરસ-મહામારી સંબંધી જાતજાતની ચિંતા તેમજ વ્યગ્રતા જાહેર કર્યા કરે છે.

બળતામાં ઘી હોમવા જેવી બાબત એ પણ છે કે, આપણા દેશમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે અને મૃત્યુનો આંકડો વધતો રહ્યો છે.

આપણા દેશમાં કોરોના-વાયરસે વર્તાવેલા કહેરને કારણે અને તે પછીનાં અનુસંગિક પગલાઓને કારણે આપણા દેશમાં ગરીબી હટાવનું ચકકર અવળું ચાલ્યું છે અને આમઆદમી વધુ ગરીબ તથા કમજોર બની રહ્યા છે ગરીબ લોકોની કંગાલિયત વધુ બગડી છે અને જો આ પ્રવાહ જ ચાલુ રહેશે તો આપણા દેશની દુર્દશા ચરમસીમાએ પહોચી જશે. અત્યારે જ ઘરકામ અને બાળમજુરી માટે ઘેર ઘેર તથા શેરીએ શેરીએ, તેમજ નજીકનાં તથા દૂરના લતાઓમાં બેજાર-બેરોજગાર સ્ત્રીઓ- પુરૂષોની દોડધામ મચી રહી છે. સરકારોમાં બેઠેલાઓનાં હાથ આ બેહાલી સંબંધમાં હેઠા પડયા છે.

ઓછામાં પૂરૂ વરસાદ વેરણ બન્યો છે અને આ વિમાસણ કયાં જઈને અટકશે એ કહી શકવાનું મુશ્કેલ બન્યું છે. આપણે ત્યાં ગરીબ-અમીર વચ્ચેની વિષમતા ઘણી વધારે જ છે એ જોતા આપણી ગરીબ પ્રજા ગમે તે વખતે વિશ્ર્વની સૌથી વધુ અને નિ:સહાય પ્રજા તરીકે વિશ્ર્વમાં ઉપસે તો એવી સંભાવનાને નકારી શકાશે નહિ.

કોરોનાએ સર્જેલો વિનાશ ભલે વૈશ્ર્વિક સ્તરનો રહ્યો છે તો પણ ભારતને આપણે ગરીબ દેશ તરીકે ઓળખાવીએ છીએ અને અહીંની પ્રજા ગરીબ છે એવું ઘણા વખતની આપણે સ્વીકારી રહ્યા છીએ તે જોતાં આપણી કોરોના પછીની હાલત એની ગરીબાઈમાં વધારો કરશે જ, એમ કહેવામાં અતિષયોકિત નહિ લેખાય !

આપણા નેતાઓની રાજકીય લેખાં જોખાંની માનસિકતા આપણા દેશની આવી હાલત માટે દોષિત ગણાશે.

ભારતને નવા કલેવરની તાતી જરૂરત પડવાની છે. એને માટે આપણા દેશે ઔદ્યોગિક ઉત્પાદકતા અને કૃષિઉત્પાદકતામાં વૃધ્ધિ લાવવી જ પડશે, અને આપણા ‘માનવ સંશાધન’ને વિકસાવવાનાં સંકલ્પો કરવા પડશે.આપણા પૂર્વજો ચોમાસાની મોસમ વખતે અસંખ્ય ‘વૃક્ષો’ ખડાં કરવાની અને વન-મહોત્સવ ઉજવવાની હિમાયત કરતા હતા.

આપણે ‘કોરોના’ને ‘ન્યુટ્રલાઈઝ’ કરવા માટે વન-જંગલને અને પર્યાવરણને ટોચની અગ્રતા આપવી પડશે. સ્કૂલો-યુનિવર્સિટીઓને પણ આખો દેશ ગાજે એવો સાદ કરવો પડશે.

અત્યારે તો જૂની કહેવત મુજબ, જીવન જરૂરી મોટાભાગની ચીજો સંબંધમાં આપણી હાલત ‘બાવા’ બની ગયા’ જેવી થઈ ગઈ છે.

આપણા દેશની ‘બેહાલી’ સામે અને ‘બરબાદી’ સામે આપણે સામૂહિક રીતે બાથ ભીડવી ઘટે છે. આપણે સમજી લેવું જ જોઈશે કે, જેણે શ્રધ્ધા નથી ગુમાવી એણે કાંઈજ મહત્વનું ગુમાવ્યું નથી… જેણે ‘શ્રધ્ધા’ ગુમાવી છે, એણે બધું જ ખોઈ નાખ્યું છે.

કોરોના પછીની બેસુમાર ગરીબી સામે, કારમી અછત સામે રાષ્ટ્રીયવ્યાપી આંદોલન આવી પડે એવી બેરોજગારી સામે, ખરીદશકિતમાં થયેલા અસાધારણ ઘટાડા સામે, રાતે પાણીએ રોવડાવે એવી મોંઘવારી સામે અને પારકાં કામ કરીને સંતાનોના પેટ ભરવા પડે એવી હાલત સામે આપણે નવી ચેતના સાથે બાથ ભર્યા વિના નહિ ચાલે…

વરસાદના પાણીનો સંગ્રહ કરવાનો અને ‘પાણી’ તેમજ ‘વાણી’નો સંયમપૂર્વક ઉપયોગ કરવાનો આપણે રાષ્ટ્રધર્મ બજાવવો જ ઘટે !

આપણા દેશનાં આવતીકાલનાં નાગરિક અને ઉમદા ભવિષ્ય અર્થે આખો દેશ આગ્રેપ્રયાણ કરે એમાં જ સૌનું ભલું લેખાશે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.