Abtak Media Google News

“દારૂ બંધીનો ગુન્હો જામીન લાયક છે તેનું ચાર્જશીટ ક્યારે થાય છે તે કોઈ જોતુ નથી

મેરી આવઝ સુનો-૨

શાહપુર પીઆઇ જયદેવ પોતાની રોજીંદી કામગીરી ઉપરાંત વિશેષમાં રથયાત્રા આવી રહી હોય તે અંગેની કામગીરી કર્યે જતો હતો.

બીજી બાજુ શહેર કોટડા પોલીસ મથકમાં બહારની એજન્સીએ દારૂ ની મોટી રેઇડ કરવાને કારણે સસ્પેન્ડ થયેલા પીઆઇ હવે સાવ નવરા પડયા હતા જેથી નવરો બેઠો નખ્ખોદ કાઢે’ તે કહેવત મુજબ તેણે મારવાડી બુટલેગર ભલે જેલમાં હોય પણ તેના પાગીયા સાથે મળીને એક ભયંકર ષડયંત્ર રચી રહેલા હતા. આ મારવાડી બુટલેગર જયારે પોલીસ રીમાન્ડમાં હતો ત્યારે જ પોલીસ કમીશ્ર્નરે નિયમ મુજબ તેનું પાસાનું ડીટેઇન વોરંટ કાઢેલુ અને તેનો અમલ પણ થયેલો. પરંતુ બુટલેગરે લુચ્ચાઇપુર્વક આ દારૂ ના કેસમાં જામીન અરજી પણ કરી નહી અને જામીન પણ રજુ કર્યા નહી અને જેલમાં જ રહેલો.

શકુની ષડયંત્ર આને કહેવાય

શહેર કોટડાના સસ્પેન્ડેડ પીઆઇએ કાવત્રાના ભાગ રૂ પે આરોપીનો જેલમાં સંપર્ક ચાલુ રાખેલો અને તેણે બુટલેગરને સલાહ આપી કે જામીન લેવા જ નહી જો પાસામાં છુટકારો થાય તો જ જામીન લેવા. આ જામીન નહી લેવાનું કારણએ હતુ કે સેસન્સ ટ્રાયલ કેસો ખુન વિગેરે ગુન્હાના ના કેસોમાં જો ૯૦ દિવસમાં ચાર્જસીટ કરવામાં ન આવે તો અદાલત આરોપીને ડીફોલ્ડ જામીન ઉપર છોડતા હોય છે તેમ આ જામીન લાયક ગુન્હામાં પણ જો ૬૦ દિવસમાં પોલીસ ચાર્જશીટ રજુ ન કરે તો આરોપીને તે ગુન્હામાં ડીફોલ્ડ બેઇલ મળે છે. આ ડીફોલ્ડ બેઇલ હુકમમાં અદાલત ધારે તેવુ સ્ટ્રીકચર કેટીકા પણ કરી શકે છે. આ શહેર કોટડાના બુટલેગર મારવાડીએ ધાર્યુ હોત તો ૬૦ દિવસમાં રેગ્યુલર જામીન મળી ગયા હોય અને સામાન્ય રીતે પાસામાં ગયેલા આરોપીઓ પાસા જેલવાસ દરમ્યાન અદાલતી કેસોના જામીન ની વ્યવસ્થા કરી જ લેતા હોય છે. પરંતુ આ રેઇડને કારણે ભોગ બનેલ પોલીસ કર્મી અને ગુનેગારે કાવત્રુ કરી અદાલતમાં જુઠી રજૂઆત કરી અદાલતને ગેર માર્ગે દોરી દારૂ ના કેસમાં ડીફોલ્ડ જામીન હુકમ કરાવ્યો.

આ બાજુ જયદેવ કાયદાકિય રીતે ૫૮માં દિવસે દારૂ ના કેસનું ચાર્જશીટ કરી કોર્ટમાં રજુ કર્યુ પરંતુ તે પહેલા ડીફોલ્ડ જામીન હુકમ થઇ ચુકયો હતા.

બાબાત એમ હતી કે જયદેવ શહેર કોટડા પોલીસ મથકમાં દારૂ ની રેઇડ સાંજના સમયે કરેલી અને ઇગ્લીશ દારૂ નો વિશાળ જથ્થો રૂ પિયા છવ્વીસ લાખના મુદ્દામાલનું પંચનામુ ચાલુ હતુ ત્યાં જ રાત્રીના બાર વાગી ગયેલા અને તારીખ પણ ફરી ગયેલી અને વહેલી સવારે ચાર વાગ્યે પંચનામુ પુરુ થયુ ત્યારે આરોપી બુટલેગર મારવાડીની ધરપકડ કરેલી પરંતુ આરોપી અને સસ્પેન્ડ પોલીસ કર્મીના કાવત્રાના ભાગ રૂ પે અદાલતમાં સરકાર તરફે કોઇને રજુઆત માટે બોલાવ્યા નહી કે રજુઆત પણ થઇ નહી અને જે ડીફોલ્ડ જામીન હુકમ થયો તે ખરેખર તમામ દૃષ્ટિએ કાયદાકીય અને સમયની દૃષ્ટિએ પણ ખામી યુકત થયો.

તે પછી તો પેલા કુરુક્ષેત્રના યુધ્ધ માફક જયદેવને અભિમન્યુની જેમ અનેક દુષ્ટોએ ઘેરી લઇ જેમ જયદ્દથ કર્ણ, દુર્યોર્ધન અને દુ:શાસનની મદદથી વધ કર્યો તેમ પોલીસ દળના જયદ્રથ, કર્ણ, દુર્યોધન, દુ:શાસનએ એકઠા થઇ જયદેવનો તેજોવધ કર્યો. કાયદાનો અને સત્યનો કચ્ચર ઘાણ થયો અને દુષ્ટોના કાવત્રાના આયોજન મુજબ જ ડીફોલ્ડ બેઇલનો દેકારો બોલાવ્યો. જયદેવની આટલી લાંબી સર્વિસમાં કયારેય આવા ભાગ-૬ના જામીન લાયક ગુન્હાના ડીફોલ્ડ બેઇલ થયાના કે તે અંગે દેકારા થયા ના કે કોઇ પગલા લેવાયાનું સાંભળ્યુ પણ ન હતું. હા સીબીઆઇએ એન્કાઉટરના ખૂન જેવા ગંભીર ગુન્હામાં ૯૦ દિવસમાં ચાર્જશીટ જાણતા હોવા છતાં નહી કર્યાનું જાણ્યુ હતુ!  પરંતુ તે જે હોય તે પોલીસ કમીશ્ર્નરે આ બાબતની ઇન્કવાયરી કંટ્રોલરૂ મ ડીસીપીને સોંપી સાથે જ આંતર રાજય બુટલેગરે તેની હેસીયત મુજબ આ ઇન્કવાયરી અધીકારીને સાધી લીધા. જયદેવે ઇન્કવાયરી અધિકારી સમક્ષ તમામ દૃષ્ટિએ રજુઆત કરીકે “સાહેબ ચાર્જશીટ ૬૦ દિવસ બાદ નહી પણ કાયદા મુજબ અને સુીપ્રમકોર્ટના રૂ લીંગ મુજબ જયુડીશીયલ કસ્ટડીના ૫૭માં દિવસે થયેલુ છે. આ મુદ્દારૂ પે તેણે બે રજૂઆત કરી. એક તો આરોપીને ગુન્હો બન્યો તેના બીજા દિવસે અટક કર્યો હતો. (૨) બીજુ આરોપીની ધરપકડના પ્રથમ ચોવિસ કલાક પોલીસ કસ્ટડીના કહેવાય છે. જયુડીશીયલ કસ્ટડી ચોવિસ કલાક પછી શરૂ  થાય છે. જયારે નિયમ મુજબ ચાર્જશીટ ૬૦ દિવસમાં કરવાનુ હોય છે તે દૃષ્ટિએ અમે તો ૫૮ મા દિવસે ચાર્જશીટ કરેલ છે. આના આધાર રૂ પે જયદેવે સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયાનું રૂ લીંગ ૧૯૮૬ (૦) -જી.એલ.એચ.ઇ.એલ-એસ.સી ૪૬૩૬ સંગતી નારાયણ વી/એસ સ્ટેટ ઓફ આંધ્રનુું રજુ કર્યુ ‘સબસે બડા રૂ પિયા’, પ્રાથમિક ઇન્કવાયરી અધિકારીએ પોતે તો પોતાની કોઇ બુધ્ધી દોડવી નહિ પણ જયદેવે રજુ કરેલા આધારભૂત પુરાવાને પણ ધ્યાને લીધા નહી તેમણે મળેલ. સેવાના ભારમાં જયદેવને એમ કહયે રાખ્યુ કે તમે સાચા છો તમે સાચા છો પણ પાછળથી તેણે જયદેવને ડીફોલ્ડ બેઇલ માટે જવાબદાર ગણતો રિપોર્ટ કર્યો અને હીટલરી દીમાગ ધરાવતા પોલીસ કમીશ્ર્નરે સીઘ્ધુ જ જયદેવને ખાતાકિય તપાસનું ચાર્જશીટ આપી દીધુ. જયદેવને હવે નિવૃત થવાને છ એક મહિના બાકી હતા અને તે દરમ્યાન તેને જીંદગીનું બીજુ પ્રમોશન ડીવાય એસ.પી.કે. એસી.પી. તરીકેનું આવી રહ્યુ હતું. તેથી જયદેવને થયુ કે સાલુ આખી જીંદગી ખાતામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હુકમો મુજબ કામગીરી કરી અને હવે પોતાના જ એજ ખાતાના અધીકારીઓ નિવૃતીને આરે રહેલા પોતાના જ અધિકારીને સમૃધ્ધ બુટલેગરના હાથા બની ગેરકાયદેસર રીતે જીંદગીભર ભુલાય નહી તેવો અન્યાય કરી રહ્યાં છે. વ્યકિત ગમે તે હોદ્દો ધારણ કરે પણ તે એક સામાન્ય માણસ છે

આથી જયદેવ પોલીસ કમીશ્ર્નરને મળ્યો અને સત્ય તથા વાસ્તવિક હકીકતની રજૂઆત કરી ખાતાકીય તપાસ ડ્રોપ કરવા વિનંતી કરી પરંતુ તેણે કહ્યુ તમે ડીપી જલ્દીથી ચલાવી લ્યો હું ન્યાય કરીશ. પરંતુ આ પણ એક લુચ્ચાઇ કે ખંચાઇ હતી. જયદેવે પ્રિસાઇડીંગ અધિકારીને રાજય સરકારના જ પરિપત્ર મુજબ જલ્દીથી ડીપી ચલાવી લેવા વિનંતી કરી. પરંતુ બુટલેગરના કાવત્રા મુજબ ડીપી એવા પ્રીસાઇડીંગ અધિકારીને ચલાવવા આપેલુ કે તે જલ્દી ચાલવે જ નહી. જયદેવે વારંવાર વિનંતી કરતા બે ત્રણ મહિને  ડીપી ચાલ્યુ જયદેવે જાતે જ પોતાનો બચાવ કર્યો અને આખરી બચાવનામુ સોંપી દીધુ. પરંતુ પ્રસાઇડીંગ અધિકારીને જજમેન્ટ લખવાનો (સમીક્ષા)સમય મળતો ન હતો! જયદેવ ખુબ જ રજૂઆત કરતા તેમણે એવો લેખીત પત્ર મોકલ્યો કે તમે રજુ કરેલુ સુપ્રિમ કોર્ટનું જજમેન્ટ કે આરોપીને અટક કર્યા ના પ્રથમ ચોવિસ કલાક જયુડીશીયલ કસ્ટડીના ગણાતા નથી તેની ઝેરોક્ષ નકલ રજૂ કરેલ છે પરંતુ પ્રમાણીત નકલ રજુ કરેલ નથી ! સમગ્ર દેશોમાં આ રીતે રૂ લીંગોની નકલ જ રજુ કરવામાં આવે છે. કયાંય પ્રમાણીત રૂ લીંગ રજૂ કરવામાં આવતા નથી. તે હજુ પણ વાસ્તવિકતા છે. પરંતુ જજમેન્ટ (સમિક્ષા) લખવામાં વિલંબ કરવા જ આ ગતકડું કાઢ્યુ હતું. તેમ છતા જયદેવ આ સુપ્રિમ કોટના રૂ લિંગને એક નોટરી પાસે સર્ટીફાઇડ કરાવી પ્રીસાઇડીંગ અધિકારીને મોકલ્યુ.

જયદેવ મનમાં વિચારતો હતો કે ત્રાસવાદીઓના એન્કાઉન્ટર (સોહરાબુદ્દીન કે તુલસી પ્રજાપતી) જેવા ગંભીર અને સેસન્સ ટ્રાયલ અને સ્પેશ્યલ અદાલતો દ્વારા ચલાવાતા કેસોમાં સીબીઆઇ જેવી સક્ષમ એજન્સી કે જેને આ તપાસ સિવાય કાંઇ કરવાનું જ હોતુ નથી તે પણ ૯૦ દિવસ બાદ ચાર્જશીટ ન કરે અને આરોપીઓને ડીફોલ્ડ બેઇલ મળેલ તે અંગે કોઇ તપાસ અધિકારીને કાંઇ પુછતુ પણ નથી, જયારે એક મામુલી દારૂ બંધીનો ગુન્હો અને જેનો આરોપી હજુ પાસામાં જેલમાં જ હતો. જેણે બદઇરાદે અને અદાલતને ગેરમાર્ગે દોરીને ખોટી રીતે ડીફોલ્ડ બેઇલ લીધા તેમાં રેઇડ કરનાર અને તપાસ કરનાર અધિકારીને જ ગુન્હાના પીંજરામાં ઉભા કરી દેવા પ્રમાણે “ચોર કોટવાલને દંડે તે ન્યાયે ખાતાએ  “અંધેરી નગરી નાન્યાય મુજબ જયદેવ સાથે વ્યવહાર કર્યો જે ખુબ જ દુ:ખદ હતો.

હવે જયદેવનું મન જ ખાતામાંથી ઉઠી ગયુ હતુ તેથી તે વિચારતો હતો કે પોલીસ સ્ટેશનની સતત બાર કે સોળ કલાકની વેઠ રૂ પ નોકરી કરવાનો હવે કોઇ અર્થ નથી. આથી જયદેવ જીંદગીના છેલ્લા તબબકે રાજકોટના એક પ્રખર રાષ્ટ્રવાદી સંસ્થાના નેતા કે જેમનું આ અમાદાવાદના પોલીસ કમીશ્ર્નર ઉપર ભુળકાળનું ઘણુ અહેસાન હતું તેમને મળ્યો. આ રાષ્ટ્રવાદી નેતા એ જયદેવની રૂ બરૂ માં જ પોલીસ કમીશ્ર્નરને ફોન કરી ભલામણ કરી કે જયદેવને શાહપૂર પોલીસ મથકમાંથી ગમે તે બ્રાંચમાં નીમણુંક આપી દો. આ દરમ્યાન જયદેવે રાજયના પોલીસ વડાને પણ ગાંધીનગર ખાતે અરજી કરી નોકરીની આખરમાં રાજકોટ ખાતે કોઇ પણ જગ્યાએ બદલી કરી આપવા વિનંતી કરી. જયદેવ અમદાવાદ ખાતે એકાદ મહિનો રાહ જોઇ પણ કોઇ હુકમ થયો નહી, કેમકે પોલીસ કમીશ્ર્નર હવે આમ તો નિવૃત થઇ ગયા હતા પણ કેન્દ્ર સરકારના એકસ્ટેન્શન હુકમ મુજબ છ છ મહિનાની મુદ્દત વધાર્યે જતા હતા.

હમ વતનીનો ન્યાય !

જયદેવને હવે ચિંતા એ હતી કે એક બાજુ ખાતાકિય તપાસમાં પ્રીસાઇડીંગ અધિકારી વગર કારણે વિલંબ કર્યે જતા હતા. બીજીબાજુ પ્રમોશન માટેનું ડી.પી.સી તો ગાંધીનગર બેસી ગયું હતું જે પ્રમોશન યાદીમાં જયદેવનું સૌપ્રથમ નામ હતું. હવે ગમે ત્યારે આ પ્રમોશન માટેના છેલ્લા કલીયરન્સ પુછવાનો સમય નજીક આવી રહ્યો હતો. તેથી જયદેવ ખુબ મુંઝાયો હતો. આ દરમ્યાન પોલીસ કમિશ્ર્નરના જ અંગત વર્તુળોમાંથી જાણવા મળ્યુ કે પોલીસ કમીશ્ર્નરે પોતાના એકસ્ટેન્શન માટે રાજયની રાષ્ટ્રવાદી સરકાર પાસેથી તો રાજકોટના પેલા રાષ્ટ્રવાદી સંસ્થાના અગ્રગણીની ભલામણ કરાવી દીલ્હી ખાતે કેન્દ્ર સરકારની મંજૂરીમાં હુકમ મોકલ્યો હતો. પણ કેન્દ્રમાં રાષ્ટ્રિય પાર્ટીની સરકાર હતી. તેમની ભલામણ માટે આ પોલીસ કમિશ્ર્નરે શાહપૂર વિસ્તારમાં જ ઓફિસ ધરાવતા એક રાષ્ટ્રીય પાર્ટીના સક્ષમ પદાધિકારી કે જે મુળ ભાવનગરના હતા તેમના મારફતે કેન્દ્રની રાષ્ટ્રીય પાર્ટીની સરકારમાંથી તેમની ફરજના એકસ્ટેન્શનનો હુકમ મેળવ્યો હતો. આથી જયદેવ શાહપૂર પોલીસ મથકમાં જ આવેલ રાષ્ટ્રીય પાર્ટીના નેતાની કચેરીએ તેમને મળ્યો. તેઓ હમવતની જયદેવને મળીને ખુબ ખુશ થયા. તેમણે કહ્યુ કે તમારા જેવા નિષ્ઠાવાન અધિકારીની તો ખાતાએ આવા નિર્ણાયક અને નિવૃતીના આખરી તબ્બકે ઇચ્છીત અને સન્માનજનક જગ્યાએ બદલી કરી આપવી જોઇએ. કાંઇ વાંધો નહી તમે હવે નિ:શ્ર્ચિંત રહો. કાલ સાંજના ચાર વાગ્યા સુધીમાં જો તમારી બદલીનો હુકમ ન આવે તો જ મારો સંપર્ક કરવો.

અને થયુ પણ તેમજ બીજે જ દિવસે બપોરે અગિયાર વાગ્યે પોલીસ કમીશ્ર્નરે જયદેવની નિમણુંક શાહપૂર મથકમાંથી ટ્રાફિક શાખામાં કરી દીધી. જો કે જયદેવને જીવનભર ટ્રાફિકની કામગીરી અણગમતી લોગેલી. પરંતુ શાહપૂર જેવા પોલીસ મથકમાંથી છુટવાનો હાશકારો થયો. જયદેવને ટ્રાફિક બ્રાંચમાં ગીતામંદિર બસ સ્ટેન્ડ અને કાંકરીયા વિસ્તાર મળ્યો પરંતુ ટુંક સમયમાં જ ટ્રાફિક શાખાના એ.સી.પી. નીવૃત થતા સમગ્ર અમદાવાદ શહેરની ટ્રાફિક શાખાના એ.સી.પીનો ચાર્જ જયદેવ પાસે આવ્યો.આ દરમ્યાન અમદાવાદ શહેરના જોઇન્ટ પોલીસ કમીશ્ર્નરોની પણ બદલીઓ થયેલી. એક દિવસ પોલીસ કમીશ્ર્નરની નવરંગપૂરા પોલીસ સ્ટેશનની વિજીટ દરમ્યાન ચાર્જશીટ કરવા અંગેનો મુદ્દો ઉચ્ચ પોલીસ અધિકારીઓ વચ્ચે ચર્ચાતા તેમાં આ જયદેવનો શહેર કોટડાના દારૂ બંધીના ગુન્હાના ચાર્જશીટનો મુદ્દો આવતા એક જોઇન્ટ પોલીસ કમિશ્ર્નર કે જેમની સાથે ભૂતકાળમાં જયદેવે નોકરી કરેલી તેમણે જયદેવ વિશે ખૂબ જ સારો અભિપ્રાય આપ્યો કે જયદેવ નિષ્ઠાવાન અને પ્રમાણીક અધિકારી છે. તેમનું પ્રમોશન આવી રહયુ છે તો આ બાબત પોલીસ ખાતાના મોરલનો પ્રશ્ર્ન ગણાય તેમ કહેતા પોલીસ કમીશ્ર્નરે તેમને કહ્યું કે તમે જયદેવને કહેજો મને મળે. આ સંદેશો જયદેવને મળતા તે ફરીથી પોલીસ કમિશ્ર્નરને મળ્યો અને તમામ વાસ્તવિકતા હકીકત રજુ કરી. પરંતુ પોલીસ કમિશ્ર્નરના મનમાં શું ચાલતુ હતુ તે જાણી શકાયું નહિ. પેલી સનાતન અને સત્ય હકિકત છે કે વ્યક્તિ ગમે તેટલો મોટો હોદ્દો ધારણ કરે પરંતુ એક માનવિય વૃતિ અને ખોટી જીદ્દ અને માનવ સહજ માન્યતા ઓ તો તેમાં હોય જ છે.

જયદેવે સુપ્રિમ કોટનું પોલીસ કસ્ટડીના ચોવિસ કલાક જયુડીશીયલ કસ્ટડી ન ગણાય તે બતાવ્યુ અને રજૂઆત કરી કે આ રૂ લીંગ મુદ્દે તેઓ હજુ પણ ડી.પી.ને પડતુ (ડ્રોપ) મુકી શકે છે અને તે અંગે રીપોર્ટ પણ આપ્યો. પરંતુ અગાઉ જણાવ્યા પ્રમાણે કોમી માનસિકતા અને જીદ્દને કારણે માનવતા નેવે મુકી, સુપ્રિમ કોર્ટનાં રૂ લીંગને અવણીને ડીપીની સમીક્ષા (જજમેન્ટ) જ લઇ આવવા જણાવ્યું.આવુ વલણ ધારણ કરવાનું કારણ એવુ જાણવા મળેલુ કે આ પોલીસ કમિશ્ર્નર તેમની શરૂ આતની નોકરીમાં ભાવનગર જીલ્લા પોલીસ વડા હતા ત્યારે ત્યાં એક હીંસાકાંડમાં તેમની નીષ્ફળતા અંગે ખુબ જ પરેશાન થયેલા અને હીણપતની લાગણી અનુભવેલ તેનું કારણ જયદેવના અટકધારી અમુક લોકોએ (જયદેવના ગામથી ૬૦ કિ.મી. દૂર) બહુચર્ચિત અને હિંસક ગુન્હા કરેલા તેથી તેમની આંખે પૂર્વગ્રહનું પડ ચડેલુ હતુ જેથી તેમને સત્ય સામે જ દેખાતુ હોવા છતાં અણદેખ્યુ કર્યે રાખતા હતા. ખાતાની ૩૩ વર્ષ સુધી નિષ્ઠાપુર્વક ફરજ બજાવનારને અન્યાય કરી એક સામાન્ય માણસની જેમ પોતાની  ખોટો અહંકાર સંતોષતા હતા! તેમનો બદ્ઇરાદો એવો હતો કે જો ગૃહખાતા માંથી છેલ્લા કલીયરન્સનું પુછાણ આવે તો પેન્ડીંગ ડીપી દર્શાવી જયદેવને અન્યાયી રીતે પ્રમોશનથી વંચિત રાખવો હતો.પરંતુ આ કાર્યવાહી દરમ્યાન જયદેવ બીજી પણ સમાંતરે કાર્યવાહી કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.