Abtak Media Google News

રોગ પ્રતિકારક શક્તિ વધારવા યોગનો કોઈ વિકલ્પ નથી: ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન યોગા શરૂ કરાયા

આગામી ૨૧મી જુને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવી રહ્યો છે ત્યારે હાલ કોરોના મહામારીને પગલે લોકો મોટી સંખ્યામાં એકત્રીત નહીં થતા ‘યોગા એટ હોમ, યોગા વિથ ફેમીલી’ થીમ સાથે યોગાસન કરશે. આ વર્ષે ડિજીટલ પ્લેટફોર્મ પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

ભારતીય સંસ્કૃતિએ સમગ્ર વિશ્વને જીવનના સર્વાંગી વિકાસનું અમૂલ્ય જ્ઞાન આપ્યું છે. જે “યોગ સ્વરૂપે સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે. જેના થકી કોઈ પણ વ્યક્તિ પોતાના શરીરને સ્વસ્થ અને મન ને શાંત કરીને પોતાની આંતર ચેતનાને વિકાસના નવા આયામ આપી શકે છે.

આજે સમગ્ર વિશ્વ કોરોના નામની મહામારી સામે લડી રહ્યું છે. આ અને આવા અનેક રોગથી શરીરને સ્વસ્થ રાખવાનો માર્ગ યોગ સ્વરૂપે આપણને મળ્યો છે. યોગ એ માત્ર શારીરિક વ્યાયામ નહિ પણ જીવનનો સર્વાંગી વિકાસ છે. દરેક રોગોનું સમાધાન યોગથી શક્ય છે. ત્યારે કોરોનાની મહામારીને નાથવા માટે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે યોગ અસરકારક માધ્યમ છે. આ યોગના જ્ઞાનને વિશ્વમાં વહેતુ કરવાનું કાર્ય મહર્ષિ પતંજલિએ કર્યું. તેમણે યોગના તમામ પાસાઓની વિસ્તૃત વિગતોને ગ્રંથબધ્ધ કરી સમગ્ર વિશ્વને યોગશાસ્ત્રની ભેટ આપી છે.આજના યુગ માં યોગનું ચિકિત્સા વિજ્ઞાન જન સામાન્ય સુધી પહોચે અને લોકો યોગ કરતા થાય એ ભગીરથ કાર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કર્યું છે.

યોગની મહત્તા સમગ્ર વિશ્વને સમજાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૧ જુનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્રમાં મુક્યો હતો. જેનો સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોએ ઉત્સાહભેર સ્વીકાર કર્યો. આમ ૨૦૧૫થી સમગ્ર વિશ્વમાં ૨૧ જૂને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ છે,”યોગા એટ હોમ, યોગા વિથ ફેમિલી અર્થાત પરિવાર સાથે ઘરમાં રહીને જ યોગ કરો. કોરોના વાયરસના સંક્રમણના વર્તમાન સમયમાં યોગાસન દ્વારા શરીરની ઇમ્યુનિટી વધારી શકાય છે. આજે પણ વ્યસ્ત દિનચર્યા વચ્ચે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વહેલી સવારે ભુજંગાસન, વક્રાસન, ત્રિકોણાસન, કપાલભાતિ, સેતુ બંધાસન, તાડાસન કરવા પાછળ સમય ફાળવી જ લે છે.

ભારતમાં ૨૦૧૫ થી દર વર્ષે મોટી સંખ્યા લોકો ૨૧ જૂને સમૂહ યોગાસન કરવા એકત્રિત થતા હતા. પણ હાલ કોરોના મહામારીને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ નહિ શકે ત્યારે લોકો ઘેર બેઠા યોગાસન કરી શકે માટે વડાપ્રધાન દ્વારા આ વર્ષે ઘરે જ પરિવાર સાથે રહીને ઓનલાઈન યોગાસન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે ૨૧ જૂન ના રોજ સવારે ૦૭:૦૦ વાગ્યે ડિજિટલ પ્લેટફોર્મ પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષની યોગ દિવસની થીમને ગુજરાતે અપનાવીને ઓનલાઇન યોગના લેકચર શરૂ કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.