Abtak Media Google News

વાંકાનેર, ભાવનગર, કચ્છ, અમરેલી અને અમદાવાદના શખ્સો પાસેથી ૫૦થી વધુ હથિયારો કબ્જે

વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના ફાર્મ હાઉસમાંથી વિદેશી બનાવટના હથિયારનો મસમોટો જથ્થો પકડાતા રાજકીય ખળભળાટ

લૂંટ , ચોરી અને મારામારીના ગુનામાં સંડોવાયેલા કોંગી અગ્રણી દ્વારા ચાલતા સ્કેન્ડલનો પર્દાફાશ

અષાઢી બીજની રથયાત્રાને આડે ગણતરીના દિવસો છે. ત્યારે ગુજરાત એટીએસની ટીમે રાજય વ્યાપી ચાલતા ઘાતક હથિયાર વેચાણ અને સપ્લાયના નેટવર્કનો પર્દાફાશ કરી વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી છે. ૫૦ જેટલા વિદેશી બનાવટના હથિયાર સાથે પકડાયેલા કોંગ્રેસ આગેવાન પિતા-પુત્રએ અમદાવાદ, કચ્છ, ભાવનગર સહિતના શહેરોમાં વેચાણ કર્યાનું બહાર આવતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.

અષાઢી બીજ નિમિતે નીકળતી રથયાત્રાને ધ્યાને રાખી રાજયમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એટીએસ દ્વારા સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતુ તે દરમિયાન અમદાવાદના એક શખ્સને એટીએસની ટીમે વિદેશી બનાવટના હથિયાર સાથે ધરપકડ કરી કરાયેલી પૂછપરછમાં તેને વાંકાનેર નજીક આવેલા વઘાસીયા ગામના વતની ગુલમહંમદ ઉમર બ્લોચ પાસેથી ખરીદ કર્યાની આપેલી હતી.

એટીએસના વડા હિમાન્શુ શુકલાના માર્ગ દર્શન હેઠળ એટીએસની ટીમ દ્વારા વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગુલમહંમદ ઉમર બ્લોચના વાંકીયા નજીક આવેલા ફાર્મ હાઉસ ખાતે દરોડો પાડી વિદેશી બનાવટના ઘાતક હથિયારનો મોટો જથ્થો મળી આવતા પોલીસ સ્ટાફ ચોંકી ઉઠયો હતો.

ગુલમહંમદ બ્લોચ અને તેનો પુત્ર મોહસીન સમગ્ર સૌરાષ્ટ્રમાં હથિયાર વેચાણ અને સપ્લાયનું નેટવર્ક ધરાવતા હોવાની સ્ફોટક વિગતો બહાર આવી છે. એટીએસની ટીમે કચ્છ, ભાવનગર અને અમરેલી સહિતના શહેરોમાં હથિયાર અંગે દરોડા પાડી ગુલમહંમદ બ્લોચ પાસેથી ખરીદ કરેલા વિદેશી બનાવટના ઘાતક હથિયાર ખરીદનાર શખ્સોની ધરપકડ કરી ૫૦થી વધુ હથિયાર કબ્જે કર્યા છે.

ઘાતક હથિયારનો આટલો મોટો જથ્થો કયાંથી આવ્યો અને શા માટે સમગ્ર સૌરાષ્ટ્રમાં પહોચતો કરવામાં આવ્યો તે અંગેની જીવણવટભરી એટીએસ દ્વારા પૂછપરછ હાથધરવામાં આવી છે. ઘાતક હથિયારના મુળ સુધી પહોચવા એટીએસની ટીમ દ્વારા સમગ્ર તપાસને રાજય વ્યાપી બનાવી ગુપ્ત રીતે ઠેર ઠેર દરોડાનો દોર શરૂ કરતા અસામાજીક તત્વોમાં ફફડાટ મચી ગયો છે.

વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામના ગુલમહંમદ બ્લોચ આ પહેલાં ચોરી, લૂંટ અને મારામારી જેવા અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. ગુલમહંમદ બ્લોચને દેશદ્રોહીઓ સાથે ધરોબો હોવાની શંકા સાથે એટીએસની ટીમ દ્વારા સઘન તપાસ સાથે પૂછપરછ કરી રહી છે.કચ્છ આંતર રાષ્ટ્રીય સરહદી જિલ્લો હોવાથી અતિસંવેદનસીલ ગણવામાં આવી રહ્યો છે. અને તાજેતરમાં જ જખૌ પાસેના સીરક્રીક વિસ્તારમાંથી ચરસનો જથ્થો મળી આવતા સુરક્ષા એજન્સી દ્વારા ચરસનું પગેરૂ મેળવવામાં વ્યસ્ત બની તે દરમિયાન નાપાક શખ્સો દ્વારા ઘાતક હથિયાર ઘુસડવાનું ષડયંત્ર હોવાની શંકા સાથે કચ્છના એક શખ્સની એટીએસની ટીમ દ્વારા અટકાયત કરવામાં આવી છે. કચ્છના શખ્સ મુખ્ય સુત્રધાર હોવાની અને તે ગુલમહંમદ બ્લોચની મદદથી સમગ્ર રાજયમાં હથિયાર પહોચતા કર્યાની શંકા વ્યક્ત થઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.