Abtak Media Google News

સોનગઢમાં અઢી ઈંચ, મીઝારમાં બે ઈંચ, સુબીર, સાગબારા, ડોલવાણ અને લાઠીમાં એક ઈંચ વરસાદ

આ વર્ષે જુન માસમાં જ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. વહેલા વરસાદ અને આગોતરી વાવણીનાં કારણે આ વર્ષે ધનનાં ઢગલા ખડકાય તેવા સુખદ સંજોગો હાલ વર્તાય રહ્યા છે ત્યારે રાજયમાં શુક્રવારે પણ અવિરત મેઘમહેર જારી રહેવા પામી હતી. ગઈકાલે રાજયનાં ૨૯ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. હળવા ઝાપટાથી લઈ અઢી ઈંચ સુધી વરસાદ વરસી જતા જગતાતમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે. આગામી બે દિવસ હજી રાજયભરમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે સંભાવના વ્યકત કરી છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયનાં ૨૯ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાનાં સોનગઢ તાલુકામાં ૬૨ મીમી એટલે કે અઢી ઈંચ જેટલો વરસી ગયો છે. આ ઉપરાંત મીઝારમાં ૪૯ મીમી, સુબીરમાં ૨૬ મીમી, સાગબારામાં ૨૦ મીમી, ડોલવાણ ૨૦ મીમી, લાઠીમાં ૧૮ મીમી, દેદીયાપાડામાં ૧૫ મીમી, કુકરમુંડામાં ૧૫ મીમી વરસાદ વરસ્યો હતો જયારે સુરત, કપરાડા, ડાંગ, બોટાદ, વ્યારા, ધરમપુર, ગારીયાધાર, ઉછલ, ભાલોદ, વાંસડા, ટીલકવાડા, મહુવા, માંડવી, માંગરોળ, ચીખલી, ખેરગામ, વલસાડ, વાપી, બારડોલી, ઓલપાડ અને ગણદેવીમાં હળવા ઝાપટાથી લઈ અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આજે સવારથી અનેક સ્થળોએ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવારે કુંકરમુંડામાં વરસાદનું જોરદાર ઝાપટુ વરસી ગયું હતું. આગામી ૪૮ કલાક હજી હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

હજુ જુન માસ પણ પૂરો થયો નથી ત્યાં મેઘરાજાએ રાજ્યમાં મોસમનો કુલ ૧૪.૨૪ ટકા જેગલો વરસાદ વરસાવી દીધો છે. કચ્છમાં ૨૫.૧૭ ટકા વરસાદ પડયો છે તો ઉત્તર ગુજરાતમાં ૧૦.૫૦ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૪ ટકા વરસાદ પડયો છે તો સૌરાષ્ટ્રમાં ૨૨.૦૨ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધારે રહેતુ હોય છે. આ વર્ષે જાણે ઉંધી પેટર્ન ચાલી રહી હોય તેમ આજ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં માત્ર ૮.૩૪ ટકા જેટલો વરસાદ પડયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.