Abtak Media Google News

પશુપાલકોને ઘેરબેઠા પશુ સારવારની સુવિધા મળી રહે તે માટે જામનગર જિલ્લાના ત્રણ તાલુકાના ગામો માટે હરતા-ફરતા પશુ દવાખાનાનું લોકાર્પણ રાજયમંત્રી હકુભા જાડેજાના હસ્તે થયું હતું.

ગુજરાત સરકાર સર્વે જીવ પ્રત્યે સંવેદના ધરાવે છે. અગાઉ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી દ્વારા ગુજરાતમાં પશુ આરોગ્ય માટે કરૃણા એમ્બ્યુલન્સ કાર્યરત કરી સંવેદનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરૃં પાડ્યું હતું. આ કરૃણાના ઝરણાથી શરૃ થયેલ યાત્રા આજે એક સરિતાનું રૃપ લઈ ચૂકી છે. ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીએ રાજ્યના ગ્રામીણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા નિ:શુલ્ક પશુ સારવાર મળી રહે તેવા શુભ આશયથી મોબાઈલ પશુ દવાખાનાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જે અન્વયે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના નથુવડલા, કાલાવડ તાલુકાના આણંદપર અને જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં કુલ ત્રણ મોબાઈલ પશુ દવાખાનાની ફાળવણી કરવામાં આવી છે. જેનો લોકાર્પણ સમારોહ જામનગરના જિલ્લા પંચાયતમાં યોજાયો હતો.

આ પ્રસંગે રાજયના અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાએ જણાવ્યું હતું કે, માણસને બચાવવા જેમ ૧૦૮ એમ્બ્યુલન્સ છે તેમ હવે પશુઓની સારવાર માટે રાજય સરકારે ૧૯૬ર મોબાઈલ વાન શરૃ કરી છે. જેનાથી આપણા પશુપાલકોને ઘેરબેઠા જ બીમાર પશુોના રોગોના નિદાન-સારવાર અને ઓપરેશન કરવાની સુવિધા આપવામાં આવશે. મનુષ્ય યોનિમાં જન્મમાત્ર મનુષ્યો માટે નહીં પણ સર્વે જીવોના કલ્યાણ માટે મળતો હોય છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી દ્વારા લેવાયેલ આ નિર્ણયથી રાજયના અનેક પશુઓની તકલીફો દૂર થશે. આ સગવડથી અનેક પશુઓનું જીવન બચી શકશે અને પશુપાલકોને ઘરે મળતી આ સુવિધાથી પશુપાલન પ્રવૃત્તિને વધુ ગુણવત્તાસભર અને વેગવાન બનાવી શકાશે. પ્રથમ તબક્કામાં મળેલ આ ત્રણ વાન બાદ હજુ પણ બીજા ૯ મોબાઈલ પશુ દવાખાના જામનગર જિલ્લાને પ્રાપ્ત થશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું.

રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન માધાણી, ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિના અધ્યક્ષ સુમિત્રાબેન સાવલીયાએ આ મોબાઈલ પશુ દવાખાનાને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી તેમજ મોબાઈલ પશુ દવાખાનાની ગાડીની ચાવી ડ્રાઈવરને આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ધ્રોલ તાલુકાના નથુવડલા અને આજુબાજુના મજોઠ, સોયલ, રોજીયા, નાના વાગુદડ, મોટા વાગુદડ, હમાપર, માણેકપર, હાટાટોડા, હજામચોરા એમ કુલ ૧૦ ગામોના, કાલાવડ તાલુકાના આણંદપર તથા આજુબાજુના ખડધોરાજી, ચારણ પીપળીયા, રાજડા, જસ્થલી, ખીમાણી સણોસરા, ચાપરા, કોઠાભડુકીયા, મોટા ભડુકીયા, લબુકીયા ભડુકીયા એમ કુલ ૧૦ ગામ તથા જામજોધપુર તાલુકાના તરસાઈ તથા આજુબાજુના જામસખપર, વાંસજાળીયા, સતાપર, ઉદેપર, વરવાળા, મહીકી, પાટણ, પરડવા, અમરાપર એમ કુલ ૧૦ ગામના પશુધનને આ મોબાઈલ પશુ દવાખાનાનો લાભ મળશે. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, નાયબ પશુપાલન નિયામક ડો. ભગીરથ પટેલ, જી.વી.કે.ના ઘટેસીયા સહિતના અધિકારી-કર્મચારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.