Abtak Media Google News

ગત માસની સરખામણીમાં ચાલુ વર્ષે કુલ નિકાસમાં ઘટાડો પરંતુ મસાલાની નિકાસ ૨૬૬૪ કરોડે પહોંચી

વૈશ્ર્વિક સ્તર પર હાલ જે મહામારી કોરોના પોતાનો કહેર વરસાવી રહી છે ત્યારે અન્ય દેશોની સરખામણીમાં ભારત અવ્વલ ક્રમે આવ્યું છે. આયાતમાં ઘટાડો કરી ભારત નિકાસ તરફ પણ અગ્રેસર બન્યું છે જો બીજી તરફ ફોરેન રીઝર્વમાં પણ ઘણોખરો વધારો થયો છે. વડાપ્રધાન મોદીનાં ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીને પહોંચવા માટે સરકાર નિકાસ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે ત્યારે આ સ્થિતિમાં ભારતનાં મરીમસાલાએ મેદાન માર્યું હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે. વાત કરવામાં આવે તો જુન માસમાં મસાલાની નિકાસમાં અધધ ૨૩ ટકાનો ઉછાળો નોંધાયો છે.

ગત વર્ષ ૨૦૧૯માં મસાલાની નિકાસ ૨૧૯૦ કરોડે પહોંચી હતી જે ચાલુ વર્ષ ૨૦૨૦માં નિકાસ ૨૬૬૪ કરોડ ‚પિયાએ પહોંચી છે જેમાં એક જ એટલે કે જુન માસમાં ૨૩ ટકાનો વધારો નોંધાયો છે. સ્થાનિક માંગમાં વધારો થતાની સાથે જ નિકાસમાં પણ મસાલાએ એક અલગ સ્થાન પ્રાપ્ત કર્યું છે. વાત કરવામાં આવે તો મસાલામાં જે નિકાસ થઈ રહી છે તેમાં મરી, એલચી, આદુ, હળદર, ધાણા, જીરું, વરીયાળી, મેથી, જાઈફળ અને ફુદીનાથી બનતી વસ્તુઓનાં નિકાસમાં અનેકગણો વધારો થયો છે. ભારતનાં મસાલા વિદેશમાં યુ.એસ., યુ.કે., જર્મની, ફ્રાંસ, ઈટાલી, કેનેડા ઓસ્ટ્રેલિયા, યુએઈ, ઈરાન, સિંગાપોર, ચાઈના અને બાંગ્લાદેશમાં વધુ હોવાનું પણ સામે આવ્યું છે. દેશની કુલ નિકાસ જુન ૨૦૨૦માં ૨૧.૯૧ બિલીયન ડોલર રહેવા પામ્યો હતો જે ગત વર્ષનાં જુન-૨૦૧૯માં ૨૫.૦૧ બિલીયન ડોલર રહ્યો હતો. આંકડાકિય માહિતી મુજબ જો વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૯નાં જુન માસમાં દેશની કુલ નિકાસ ૧,૭૩,૦૦૦ કરોડને પાર પહોંચ્યો હતો જે ચાલુ વર્ષનાં જુન માસમાં નિકાસ ૧,૬૫,૮૯૮ કરોડને પાર પહોંચ્યો છે. આ આંકડા મુજબ નિકાસમાં કુલ ૪.૪૮ ટકાનો ઘટાડો પણ નોંધાયો છે.

વડાપ્રધાન મોદીનાં જણાવ્યા મુજબ જે રીતે ભારતીય મસાલાની બજારમાં જે તેજી જોવા મળી છે તેનાથી લોકો વધુને વધુ આકર્ષિત થયા છે. આ તકે વડાપ્રધાન મોદીએ આયુષ મંત્રાલયનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, જે રીતે લોકોની રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય તે દિશામાં જે પગલાઓ આયુષ મંત્રાલય દ્વારા લેવામાં આવ્યા છે તેનાથી માંગમાં અનેકગણો વધારો પણ થયો છે. બીજી તરફ ભારતીય મસાલાની માંગ વિશ્ર્વભરમાં જોવા મળી રહી છે ત્યારે હાલની આર્થિક સ્થિતિને જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે, આવનારા સમયમાં ભારત દેશ આયાત નહીં પરંતુ નિકાસ તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરશે અને દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે મજબુતી પણ આપશે. હાલ દેશનું ફોરેન રીઝર્વ અડધા ટ્રિલીયન ડોલરને પાર પહોંચ્યું છે તેનાથી ભારતની આર્થિક સ્થિતિમાં અનેકગણો સુધારો જોવા મળ્યો છે જે દેશ માટે આવનારા સમયમાં સુવર્ણકાળ સમાન સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.