Abtak Media Google News

યુગ પરિવર્તન સાથે ભૌતિકવાદ આધ્યાત્મિકતાને દબાવી બેઠો હોવાનું ચિત્ર ઉપસે છે એનાં પરિણામે બેસુમાર ખાનાખરાબી આજના વિશ્ર્વે ભોગવવી પડી છે.  આપણો દેશ એમાંથી બાકાત નથી રહી શકયો હવે તો તે ત્રાહિમામ પોકારી ચૂકયો છે અને સવાલો ઉઠાવે છે કે આપણા દેશે ઉથલપાથલો અને નવાજૂનીઓ સર્જી આપે એવી કસુંબલ ક્રાંતિ પ્રતિ દોટ માટે કયાં સુધી રાહ જોવાની છે? હવે લગીરે વિલંબ આપણી સવા અબજ જેટલી વસતિને પાલવે તેમ નથી શું બાકી રાખ્યું છે સહન કરવાનું આપણા નેતાઓ તથા રાજકર્તાઓએ? સ્વચ્છ ફૂટપાથોય એમને નિરાંતે સૂવા માટે રહી નથી, ધૂળ જેવું ધાન પણ પેટ ભરવા પૂરતું રહેવા દેવાયું નથી, અર્ધનગ્ન રખડે છે ગરીબોના લાડકવાયાઓ અને છાસવારે ઠેસ, ઠેબાં, ગડથોલિયાં ખાતી ઘર ચલાવતી રાંકની રાણીઓ… ! આપણા દેશના કોરોનાગ્રસ્ત કરોડો ગરીબો આખી જીંદગીમાં કયારેય શ્રીમંતાઈનું મોં નહિ નિહાળી શકે ! તો પછી સમૂળી ક્રાંતિ માટે, જબરી ઉથલપાથલો માટે સનસનીખેજ નવાજૂનીઓ માટે કયાં સુધી રાહ જોવાની છે આ દેશે અને એની પ્રજાને? આપણા દેશના ધર્માલયોને અને ધર્માત્માઓને તથા રાજકર્તાઓને

સવાલ પુછે છે આ દેશની ધરતી?

ગુજરાતનાં કવિ સમ્રાટો પૈકીનાં એક શ્રી સુંદરમના હૃદયની વેદના સમા કોયાભગતને તેમણે એક કહેતા દર્શાવ્યા છે કે, ‘મરવાતો સર્જાયા છીએ, ચાલો મરી જઈએ રે, રૂદિયાની બળતરા કોને રે કહીએ રે…? આમ તો અનેક કામનાઓ છે કોયા ભગતને, પરંતુ એ પૂરેપૂરી પંગુ અને પાંગળી છે ! આપણાદેશમાં કરોડો ગરીબોની અત્યારે જે હાલત છે તેવી જ !… આપણા દેશનાં રાજકારણનાં રંગરાગની સમીક્ષા કરીએ, અર્થકારણની સમીક્ષા કરીએ, સામાજીક સ્થિતિની સમીક્ષા કરીએ અને હવે તો કોરોનાએ સર્જેલી કપરી સ્થિતિની સમીક્ષા કરીએ તો જાણે કે જયાં ત્યાં બધેજ, ધનપતિઓ સિવાય, આવું જ બધુ પ્રવર્તે છે.અત્યારે મનુષ્યની જીવન જરૂરતની ચીજ વસ્તુઓ મોંઘામાં મોંઘી છે, સસ્તામાં સસ્તો જાણે કે માણસ છે !

એક ટીકાકારે સાચું જ કહ્યું છે કે, મોંઘો તો માનવી બનવો જોઈતો હતો અને સસ્તી તો માનવીની જીવન જરૂ રતની ચીજ વસ્તુઓ બનવી જોઈતી હતી.

કેટલાક ગૌ પ્રેમીઓ તો જયાં ત્યાં હડહડ થતી અને નર્યો કચરો ખાઈને પેટ ભરવા મથતી ગયો પણ ગરીબ માણસોની જેમ તેના ગરીબડાં વાછડાંઓ સાથે અર્ધી-આખી ભૂખે મરે છે. આપણી સંસ્કૃતિતો ગૌમાતાને શ્રેષ્ઠ ધન તરીકે નવાજે છે અને પૂજે પણ છે ! આપણા દેશમાં પશુપાલન અને ખેતી સહત્વા અર્થોપાર્જકો રહ્યા છે એમાં ગૌમાતા મોખરે છે.

આપણો દેશ તો ગૌમાતાનો અનેક રીતે ઋણી છે. ગૌમાતાની ઉપેક્ષા પણ આપણા દેશની દૂર્દશા માટે દોષિત છે. આપણા દેશની બેહાલી અને બરબાદી પરાકાષ્ટાએ પહોચી હોવાનો ઉકળાટ અત્યારે સાર્વત્રિક બન્યો છે.

સવા અબજની વસ્તીનો દેશ કોનોના, અર્થતંત્ર, સામાજિક અને સાંસ્કૃતિક દૂર્દશા તેમજ મતિભ્રષ્ટતા-પાપાચારથી ઘેરાયેલો રહ્યો છે. વિલંબવિના એની વ્હારે ચઢવાનું અનિવાર્ય બન્યું છે. એટલે જ એવો પ્રશ્ર્ન એક અવાજે ઉઠાવાઈ રહ્યો છે કે, આપણા દેશે જબરી ઉથલપાથલો, અને સનસનીખેજ નવાજૂનીઓ સર્જી આપે એવી કસુંબલ ક્રાંતિ પ્રતિની દોટ માટે હવે કયાં સુધી રાહ જોવી છે?

હવે એમાં લગીરે વિલંબ આ દેશની પ્રજાને પાલવે તેમ નથી. પ્રજા પૂછે છે કે, શું બાકી રાખ્યું છે. પ્રજાએ સહન કરવામાં? આપણા નેતાઓ તથા રાજકર્તાઓ કયાં સુધી આ દેશની ભોળી ભલી પ્રજાને પીડવા માગે છે? સ્વચ્છ ફૂટપોથોય એમને નિરાંતે સૂવા-આળોટવા માટે નથી ધૂળ જેવું ધાન પણ પેટની બળતરાને ઠારવા માટે નથી. અર્ધનગ્ન રખડે છે. બિચારા ગરીબોનાં લાડકવાયાઓ અને છાસવારે ઠેસ ઠેબા ગડથોલિયા ખાતીખાતી ઘર ચલાવતી રાંકની રાણીઓ…!

એવી ટકોર થાય છે કે, શું આપણા દેશના કોરોનાગ્રસ્ત કરોડો ગરીબો એમની આખી જીંદગીમાં કયારેય શ્રીમંતાઈનું મો નહિ નિહાળી નહિ શકે ? આપણે આ પરિસ્થિતિ સુધરવાની પ્રાર્થના કરીએ ! આપણા સમયની પાર જોઈ શકતા મહામુત્સદી ચાણકયે એવો મત આપ્યો છે કે, ગૌ માતા અને સાચા હૃદયની અને સાચા ધ્યેય ધરાવતી પ્રાર્થના મહાશકિતની ગરજ સારે છે એ રખે કોઈ ભૂલે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.