Abtak Media Google News

તૂટેલા રસ્તાઓ રીપેર કરવા રાજ્ય સરકાર ગ્રાન્ટ આપશે: ૧૫ સપ્ટેમ્બર બાદ રસ્તા રીપેરીંગની કામગીરી શરૂ કરી દેવાશે: મ્યુ.કમિશનર ઉદિત અગ્રવાલનો સંકેત

રાજકોટમાં જુલાઈ અને ઓગષ્ટ માસમાં પડેલા ભારે વરસાદથી શહેરના રાજમાર્ગોને અંદાજે રૂા.૨૦ કરોડનું નુકશાન થયું હોવાનો કોર્પોરેશનના પ્રાથમિક સર્વેમાં બહાર આવ્યું છે. આગામી ૧૫મી સપ્ટેમ્બર બાદ એટલ કે, ચોમાસાની સીઝન સત્તાવાર રીતે પૂર્ણ થતાંની સાથે જ રસ્તા રીપેરીંગ, પેચવર્ક અને ડામરકામ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવશે તેવા નિર્દેશ મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે આપ્યા છે.

દર વર્ષે ચોમાસાની સીઝનમાં સામાન્ય વરસાદમાં પણ રાજકોટના રાજમાર્ગોની હાલત બિસ્માર થઈ જતી હોય છે. ગેરંટી દર વર્ષે શાસકો અને વહીવટી પાંખ દ્વારા એવી ડંફાસો હાંકવામાં આવે છે કે, હવે ગેરંટીવાળા રોડ બનાવવામાં આવી રહ્યાં છે. જે ચોમાસાની સીઝનમાં ભારે વરસાદમાં પણ નહીં તૂટે. જો કે, પ્રથમ વરસાદના એક ઝાપટામાં રોડ ભાંગવાનું શરૂ થઈ જતું હોય છે. જુલાઈ માસમાં પડેલા વરસાદ બાદ ઓગષ્ટ માસમાં શહેરમાં રેકોર્ડબ્રેક વરસાદ વરસી જતાં રોડ-રસ્તાની હાલત ગાડા માર્ગ જેવી થઈ ગઈ છે. ખાડામાં રસ્તો છે કે, રસ્તામાં ખાડો તે કહેવું મુશ્કેલ બન્યું છે. વરસાદથી શહેરમાં અંદાજે રૂા.૨૦ કરોડના રસ્તાઓ તૂટી ગયા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તાજેતરમાં રાજ્યભરની મહાનગરપાલિકાઓને વરસાદમાં તૂટેલા રસ્તાઓના નુકશાનીનો સર્વે કરવા આદેશ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત મહાપાલિકાના પ્રાથમિક સર્વેમાં શહેરમાં રોડ-રસ્તાને અંદાજે ૨૦ કરોડનું નુકશાન થયું હોવાનું બહાર આવ્યું છે. વરસાદથી તૂટેલા રસ્તા રીપેર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવશે તેવો વિશ્ર્વાસ મ્યુનિ.કમિશનર દ્વારા વ્યકત કરવામાં આવ્યો છે.

સાથો સાથ એવું પણ જણાવ્યું છે કે, નવા રસ્તાઓને ઓછુ નુકશાન થયું છે. અગાઉના જૂના રસ્તાઓ વધુ તૂટ્યા છે. આગામી ૧૫મી સપ્ટેમ્બર બાદ રસ્તા રીપેરીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. પેચવર્ક અને ડામરકામ પણ શરૂ કરાશે. ટૂંકમાં નવરાત્રી અને દિવાળીના તહેવાર પહેલા રાજકોટના રાજમાર્ગો ફરી એક વખત ડામરથી મઢી દેવામાં આવશે. હાલ જે રીતે રોડ-રસ્તાની હાલત છે તેનાથી વાહન ચાલકો અને શહેરીજનો રીતસર ત્રાહિમામ પોકારી ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.