Abtak Media Google News

વિધાનસભા સત્ર માટે કામકાજ સલાહકાર સમિતિની બેઠક સંપન્ન પ્રથમ દિવસે વહીવટી તંત્રએ કરેલી કોરોના કામગીરીનું વિધેયક લવાશે

આગામી તા.૨૧મીથી શરૂ થનારા ચોમાસુ સત્રના આયોજન માટે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલ, સંસદીય મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના કામકાજ સલાહકાર સમિતિના સભ્યોની ઉપસ્થિતીમાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાઇ હતી.

કામકાજ સલાહકાર સમિતિની બેઠક બાદ મીડિયાના મિત્રોને વિગતો આપતા મંત્રી જાડેજાએ જણાવ્યુ છે કે, કોરોનાના સંક્રમણની પરિસ્થિતીમાં બંધારણીય દ્ષ્ટિએ લોકસભાનું સત્ર ચાલુ છે. અન્ય રાજ્યોમાં પણ વિધાનસભાના સત્રો યોજાઇ રહ્યા છે. એટલે ગુજરાત વિધાનસભાનું આ સત્ર પણ મળશે. તા. ૨૧મીથી પાંચ દિવસ ચાલનારા આ ઐતિહાસિક સત્રમાં છ બેઠકો યોજાશે. સામાન્ય રીતે ચોમાસુ સત્ર બે થી ત્રણ દિવસનું હોય છે. પરંતુ કોરોના સંદર્ભની કામગીરી તથા અન્ય જનહિતલક્ષી કામો માટેના ૨૦ જેટલા વિધેયકોને કારણે આ સત્ર પાંચ દિવસનું મળશે.

તેમણે ઉમેર્યુ કે,કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સમગ્ર વહીવટી તંત્ર ખડે પગે ફિલ્ડમાં કાર્યરત છે. એવા સંજોગોમાં પ્રશ્નોતરીકાળ ન યોજાવાનો પણ આ બેઠકમાં નિર્ણય લેવાયો છે. પરંતુ ધારાસભ્યો પોતાના વિસ્તારનો કોઇપણ અગત્યનો કે તાકિદની બાબત હશે તો એ ટુંકી મુદતના પ્રશ્ન તરીકે રજુ કરી શકશે એવો પણ નિર્ણય આ બેઠકમાં લેવાયો છે.

તેમણે ઉમેર્યુ કે, આ સત્ર દરમિયાન રાજ્યમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટી તંત્રએ ખભે ખભો મિલાવીને જે અદભુત કામગીરી કરી છે. જેના પરિણામે સંક્રમણ રોકવામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર રહ્યુ છે. આ સંક્રમણને રોકવા માટે તબીબો-ખાનગી તબીબો પેરા મેડિકલ સ્ટાફ, સફાઇ કર્મીઓ સહિત સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થાઓએ જે જહેમત ઉઠાવી છે એના પરિણામે આ સફળતા મળી છે. કોરોનાનું સંક્રમણ રોકવા માટે કાર્યરત એવા કોરોના વોરિયર્સને પ્રોત્સાહિત કરવા તથા સરકારે કરેલી કામગીરી અંગે નાગરિકોને માહિતી આપવા માટે સત્રના પ્રથમ દિવસે અઢી કલાકની ચર્ચા માટે સરકારી સંકલ્પ લાવવાનો પણ નિર્ણય આ બેઠકમાં કરાયો છે.

મંત્રી જાડેજાએ ઉમેર્યુ કે, ગુજરાત જેવા સમુદ્ધ રાજયમાં સામાન્ય નાગરિકોને કોઇ અસામાજિક તત્વો હેરાન ન કરે એ માટે ગુંડા નાબૂદી ધારો, પાસાના કડક અમલ માટે કાયદામાં કડક જોગવાઇ કરતો સુધારો, મહેસૂલી સુધારાઓ, ભૂમાફિયા-લેન્ડ ગ્રેબિંગ એક્ટ જેવા મહત્વના વિધેયકો પણ આ સત્રમાં પસાર કરવામાં આવનાર છે. ખેડુતોને ૩૩ ટકાથી વધુ નુકસાન થયુ હશે તેવા ખેડુતોને સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સહાય ચૂકવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.