Abtak Media Google News

VCEની હડતાલ વચ્ચે પણ મગફળી ખરીદીનાં રજીસ્ટ્રેશનની કામગીરી પૂરજોશમાં

તમામ ગામોમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સરપંચ ઉપર આધારીત, જ્યાં જાગૃત સરપંચ છે ત્યાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ અન્ય જગ્યાએ બંધ

રજીસ્ટ્રેશનમાં રાજકોટ જિલ્લો રહ્યો મોખરે, ગતરોજ સુધીમાં ૩૯૯૧૩ ખેડૂતોનું થયું રજીસ્ટ્રેશન

વીસીઈની હડતાલ વચ્ચે પણ મગફળી ખરીદીના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે જોકે વીસીઈની હડતાલથી આ કામગીરી ઠપ્પ થઈ હોવાનો ડોળ ઉભો થઈ રહ્યો છે ત્યારે ‘અબતક’ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રનું વાસ્તવિક ચિત્ર રજુ કરવામાં આવ્યું છે જેમાં અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં ૧,૧૯,૨૧૭ ખેડુતોનું રજીસ્ટ્રેશન થઈ ચુકયું છે. આ રજીસ્ટ્રેશન કોને કર્યું તે પ્રશ્ર્નનો જવાબ જાણીએ તો અમુક ગામડાઓમાં વીસીઈએ છાનીછુપી રીતે કામ કર્યું છે તો અમુક ગામડાઓમાં સરપંચ જાગૃત હોય તેઓએ તુરંત વૈકલ્પિક વ્યવસ્થાઓ ગોઠવી ખેડુતોને મુશ્કેલી ન વેઠવી પડે તે માટે તમામ તકેદારી રાખી છે.

ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ન કરવા સમગ્ર રાજયમાં વીસીઈ મંડળએ એલાન આપ્યું હોય ઓફિશીયલ રીતે તો વીસીઈ દ્વારા આ હડતાલ પાડવામાં આવી રહી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી જે-જે વીસીઈ જે-તે ગામડાઓમાં ફરજ બજાવતા હોય ત્યાં ધરોબો ધરાવતા થઈ ગયા હોય અંદરખાને છાનીછૂપી રીતે તેઓ દ્વારા ખેડુતોને મુશ્કેલી ન પડે તે માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરી કરવામાં આવી રહી છે. વધુમાં અમુક ગામોમાં વીસીઈ દ્વારા ખરેખર હડતાલ પાડવામાં આવી છે ત્યાં જાગૃત સરપંચોએ વીસીઈના આઈ.ડી. પાસવર્ડ લઈને અન્ય ઓપરેટરોને બેસાડીને કામગીરી કરી છે.

વીસીઈની હડતાલ દરમિયાન અધુરામાં પુરુ રાજકોટ જિલ્લામાં તો તલાટી કમ મંત્રીઓએ પણ હડતાલ જાહેર કરી દેતા ખેડુતોમાં રજીસ્ટ્રેશન નહીં થાય તેઓ ભય વ્યાપી ગયો છે પરંતુ હકિકતે રાજકોટ જિલ્લામાં સબ સલામત હે જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સમગ્ર રાજયમાં રાજકોટ જિલ્લો હડતાલના વિવાદો વચ્ચે પણ રજીસ્ટ્રેશનમાં મોખરે રહ્યું છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં ૩૯,૯૧૩ ખેડુતોનું રજીસ્ટ્રેશન થઈ ચુકયું છે જે ખરેખર સરાહનીય છે. વધુમાં સુરેન્દ્રનગર, ભાવનગર, પોરબંદર, બોટાદ જેવા જિલ્લાઓ રજીસ્ટ્રેશનમાં તળીયે રહ્યા છે આ જિલ્લાઓમાં રજીસ્ટ્રેશનની અસરકારક કામગીરી થઈ નથી. સમગ્ર રાજયમાં રજીસ્ટ્રેશન બાબતે રાજકોટ જિલ્લો મોડેલ રહ્યો છે.

વધુમાં સરકાર દ્વારા પણ હાલની સ્થિતિ જાણીને ગ્રામપંચાયતોને ખેડુતોના રજીસ્ટ્રેશન માટે ગ્રામસેવકો સહિતનાની મદદ લેવાના આદેશો આપવામાં આવ્યા છે જોકે જાગૃત સરપંચોએ અગાઉથી જ આ વ્યવસ્થા ગોઠવી નાખી હોય સ્થાનિક ખેડુતોને કોઈ તકલીફ પડવા દીધી નથી. ઉલ્લેખનીય છે કે, જાગૃત સરપંચો એવી પણ માંગ ઉઠાવી રહ્યા છે કે, આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં ખાનગી કાફે કે કોમ્પ્યુટરના કામ સાથે સંકળાયેલા વેપારીઓને પણ રજીસ્ટ્રેશનની છુટ આપવામાં આવે તો ખેડુતોએ સરકારી કર્મચારીઓ ઉપર નિર્ધારીત રહેવું ન પડે.

Screenshot 1 3

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.