Abtak Media Google News

જાગો ‘રૂપાણી’ જાગો…

અંદરો અંદરની ખેંચતાણ, લાગવગશાહી અને રાજકારણે યુનિવર્સિટીની પ્રતિષ્ઠાની ઘોર ખોદી નાખી

એક સમયે શૂન્યમાંથી સર્જન થઈને વિખ્યાત બનેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ફરી શૂન્ય તરફ પ્રયાણ

શિક્ષણ ક્ષેત્રમાં રહીને પોતાના અંગત સ્વાર્થ માટે નિર્ણયો લેતા વહિવટદારો ‘સતયુગ’ના રાક્ષસથી પણ બદતર

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની તસ્વીર ઉપર લાગેલા આ ધબ્બા તેની પ્રતિષ્ઠા ઉપર લાગેલા દાગ દર્શાવે  છે

એક સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના છાત્રની વેલ્યુ પણ ન હતી જો વિદ્યાર્થી ભૂલથી પણ કહી દયે કે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે તો તેને નોકરી ઉપર કે ઉચ્ચ અભ્યાસ માટે પસંદ કરવા સામેવાળા ખચકાતા હતા આવી કપરી પરિસ્થિતિ વચ્ચે યુનિવર્સિટીને દિપચંદભાઈ ગારડી જેવા દાતાઓનાં આર્શિવાદ મળ્યા અને પીવીસી માવાણી જેવા દિર્ઘદ્રષ્ટી ધરાવતા સુકાનીનું સુકાન મળ્યું ને યુનિવર્સિટીએ સમગ્ર રાજયમાં પોતાનો દબદબો બનાવી એક આગવી પ્રતિષ્ઠાનું નિર્માણ કર્યું બસ સફળતાની ટોચ ઉપર પહોચ્યા બાદ થોડા જ સમયમાં આ યુનિવર્સિટીને ભ્રષ્ટ વહિવટદારોનું ગ્રહણ લાગી જતા સાપ સીડીની રમતની જેમ યુનિવર્સિટીની આબરૂ સડસડાટ નીચે પટકાઈ ગઈ. પણ હવે સમય આવ્યો છે કે હજુ વહીવટદારોનો જમીર નહી જાગે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નખોદ વળી જશે અને લાખો વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની જશે

એક સમય હતો જયારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેના આદર્શો અને કાર્ય પધ્ધતિનો જોટો મળે તેમ ન હતો. ખરાબ દિવસો આવ્યા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ખૂબ સારા દિવસો પણ જોયા હતો. વર્ષો સુધીની મહેનતને પરિણામે યુનિવર્સિટીએ એ ગ્રેડ પણ હાંસલ કર્યો હતો. પરંતુ વહિવટમાં ભ્રષ્ટાચાર અને સ્વાર્થનો પ્રવેશ થઈ જતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નખોદ વળવાનું શરૂ થઈ ગયું હતુ આજે યુનિવર્સિટીનું તંત્ર ખાડે ગયું છે. વારંવાર લાંછનરૂપ ઘટનાઓ યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને ખરડી રહી છે.

સત્તાધીશોએ અંદરો અંદરની ખેંચતાણ, લાગવગશાહી અને રાજકારણ રમવાનું શરૂ કરી દેતા આજે લાખો વિદ્યાર્થીઓનાં ભાવી ઉપર જોખમ ઉભુ થઈ ગયું છે. જો હજુ સતાધીશોની આંખ નહી ઉઘડે તો પરિણામ ખરાબ આવશે તે નકકી છે.

વહિવટમાં લોલમલોલ થતા એ ગ્રેડ ઉપરથી હાથ ધોવા પડયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નેક દ્વારા વર્ષ ૨૦૧૪માં એ ગ્રેડ એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષોની તપસ્યા બાદ યુનિવર્સિટી એ ગ્રેડ મેળવવામાં સફળ રહી હતી. ઉપરાંત એક સમયે યુનિવર્સિટી માટે ‘એ પ્લસ’ ગ્રેડ મેળવવાની દીશામાં દ્વાર પણ ખૂલી ગયા હતા પણ વહિવટમાં ચાલતા લોકમલોલને કારણે ‘એ પ્લસ’ ગ્રેડનું સ્વપ્ન રોળાયું હતુ અને ‘એ ગ્રેડ’માંથી પણ હાથ ધોવા પડયા હતા. ભૂતકાળની આ ઘટના પરથી હજુ વહીવટકતાઓની આંખ ઉઘડી નથી.

ચોથીજાગીરનું જન્મસ્થળ એવુ પત્રકારત્વ ભવન કાંડ કર્યા બાદ ઢાંક પીછોડામાં માહેર !!

ચોથી જાગીર એવા પત્રકારોનો જયા જન્મ થાય છે એટલે કે તેમનું નિર્માણ કરવામાં આવે છે. તે પત્રકારત્વ ભવન જ કાંડ કરવામાં અગ્રેસર રહ્યું છે અને કાંડ કર્યા બાદ તેના ઢાંકપીછોડામાં આ ભવન માહેર રહ્યું છે. અગાઉ પ્રોફેસરનો મુદો ગાજયા બાદ આ ભવનમાં હવે માર્કસનો મુદો ઉછળ્યો છે. જેમા એક વિદ્યાર્થીનીને યુજીસીનાં રેગ્યુલેશનનું ઉલંઘન કરીને પીએચડીમાં પ્રવેશ આપી દેવામાં આવ્યો છે. ૭૦ ટકા મેરીટ ટેસ્ટના અને ૩૦ ટકા ડીઆરસીનાં માર્ક ગણી પ્રવેશનો નિયમ હોવા છતાં વધુ માર્કસ આપી દેવાયા હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીનીને ૬૬ માર્કસ મળ્યા છે. આ માર્કસ નિયમ વિરૂધ્ધ અપાયા હોવાનું ધ્યાને આવતા આ અંગે હેડ ડો. નિતાબેન ઉદાણીએ એવું કહ્યું કે માર્કિંગ સ્કીમની ગણતરીમાં સમજફેર અથવા વિદ્યાર્થીઓને માર્કસના ક્રમમાં ફેરફાર થયો હશે !

એક બાપ પોતાની દિકરીને પીએચડી કરવાની છૂટ આપતા ડરે છે !!

પીએચડીના ગાઈડમાં હવસના કીડા જાગ્યા હોવાની અનેક ઘટનાઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને ધૂળધાણી કરી નાખી છે આવા ગાઈડે માત્ર યુનિવર્સિટીને નહી તમામ ગૂરૂઓને લાંછન લગાડી દીધું છે. આવી ઘટના ઘટયા બાદ વહિવટકર્તાઓમાં થોડી પણ શરમ હોયતો તેઓ ઉંચુ જોઈને ચાલવામાં પણ ખચવાટ અનુભવે. પણ જાણે કોઈને કઈ પડી જ ન હોય તેમ ઘટનાઓ ઘટે છે અને પછી ભીનું સંકેલાય છે. આ પ્રક્રિયાનું પૂનરાવર્તન થયા કરે છે.

પેપરોમાં ભૂલ રહી જવું તો સામાન્ય બન્યું !!

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છબરડા વારંવાર થતા રહે છે તેમાં પણ પેપરોમાં ભૂલ રહી જવી તે વાત તો જાણે સામાન્ય થઈ ગઈ હોય તેમ વહીવટકર્તાઓ તેને ગણકારતા નથી તાજેતરમાં જ ગત તા.૧૬ના રોજ લેવાયેલ પત્રકારત્વ વિષય ઉપર લેવાયેલી પીએચડીની પરિક્ષામાં અનેક ક્ષતીઓ રહી ગઈ હતી પેપર સબમીશન સમયે ૫૭ માર્ક અને પરિણામ જાહેર થયે ૨૮ માર્ક થઈ ગયા હતા.

મુખ્યમંત્રીના હોમટાઉનની અગ્રણ્ય શૈક્ષણીક સંસ્થાની પ્રતિષ્ઠા જાળવવા મેહુલભાઈએ આગળ આવવું પડશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમટાઉનની અગ્રણ્ય શૈક્ષણીક સંસ્થા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઉપર લાગેલા દાગ આડકતરી રીતે મુખ્યમંત્રીની છબીને પણ અસર કરી રહ્યા છે ત્યારે તેમના ભત્રીજા મેહુલ રૂપાણી સિન્ડીકેટ સભ્ય હોય તેઓ એકમાત્ર આશાનું કીરણ છે. હવે તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ફરી પહેલાની જેમ ટોચ ઉપર લઈ જવા તેમજ વિવાદોથી બાકાત રાખવા આગળ આવવું જ પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.