Abtak Media Google News

મતદારોએ ફરજીયાતપણે હાથને સેનેટાઇઝ કર્યા બાદ ગ્લોવ્ઝ અને માસ્ક પહેરીને જ મતદાન કરવું પડશે : તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

વિકાસ કમિશનર દ્વારા તમામ જિલ્લાઓને સ્ટેશનરી, સેનેટાઇઝર, થર્મલ ગન, ગ્લોવ્ઝ વગેરે સામગ્રી પુરી પાડવાની કવાયત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે થોડો સમય બાકી રહ્યો હોય તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચલાવવામાં આવી રહી છે. કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને તમામ તકેદારીઓ રાખવા તંત્રએ આયોજન ઘડી કાઢ્યું છે. જેમાં દરેક મતદારોને એક હાથનું સિંગલયુઝ ગ્લોવ્ઝ આપવામાં આવશે. મતદારોએ ફરજીયાતપણે હાથને સેનેટાઇઝ કર્યા બાદ ગ્લોવ્ઝ અને માસ્ક પહેરીને જ મતદાન કરવું પડશે. સુપ્રીમે ફેબ્રુઆરી સુધીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની માર્ગદર્શિકા જાહેર કરી છે. જેથી જાન્યુઆરીના અરસામાં જિલ્લા પંચાયત, મહાપાલિકા અને નગરપાલિકાઓની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ થનાર છે. જો કે આ તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ટર્મ પૂર્ણ થઈ ગઈ છે. જેથી વહીવટદાર સાશન પણ શરૂ થઈ ગયું છે. કોરોનાને કારણે આ ચૂંટણી પાછળ ઠેલવાઇ ગઇ હતી. પણ હજુ સ્થિતિ સુધરી ન હોય તંત્ર માટે આ ચૂંટણી મોટો પડકાર બનનાર છે. ચૂંટણી તંત્ર દ્વારા મતદારોની સુરક્ષા જળવાઈ રહે તેની ખાસ તકેદારી રાખવા આયોજન હાથ ધરાયુ છે. જેમાં વોટિંગ મશીનમાં દરેક મતદારો સ્વીચ દબાવી મતદાન કરતા હોય કોરોનાનું સંક્રમણ ફેલાવવાનું જોખમ રહેલું છે.જેથી ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદારોને એકહાથનું સિંગલયુઝ હેન્ડ ગ્લોવ્ઝ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ હેન્ડ ગ્લોઝ તંત્ર દ્વારા જ મતદારોને મતદાન મથકે આપવામા આવશે.

આ સાથે મતદારોએ ફરજીયાત પણે મતદાન મથકમાં પ્રવેશ્યા પૂર્વે હાથ સેનેટાઇઝ કરવા પડશે. માસ્ક પણ પહેરી રાખવું પડશે અને ત્યાંથી આપવામાં આવનાર હેન્ડ ગ્લોવ્ઝ ફરજિયાતપણે પહેરવા પડશે. હાલ ચૂંટણી તંત્ર સાથે સંકલન કરી વિકાસ કમિશનર દ્વારા તમામ જિલ્લાઓને સ્ટેશનરી, સેનેટાઇઝર,થર્મલ ગન વગેરે સામગ્રી પહોંચાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મહાપાલિકા ના ૧૧ લાખ મતદારોના મતદાન માટે ૧૦ હજાર કર્મીઓ તૈનાત કરવામાં આવશે.

શહેરના અંદાજે ૧૦૦૦ મતદાન મથકો ઉપર સરકારી કર્મચારીઓને ચૂંટણીની સતાવાર જાહેરાત બાદ રેન્ડમા ઇઝેશન અને તાલીમ સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.