Abtak Media Google News

ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ ૨૦૨૦ અંતર્ગત વેબિનાર યોજાયો; ડો. ધીરજ કાકડીયા, સરિતાબેન દલાલ, ડો. અવિનાશ મિશ્રા, ડો. ભૂમિ અંધારીયાએ માર્ગદર્શન આપ્યુંં

વિજ્ઞાન વગરના જીવનની કલ્પના પણ ન થઇ શકે. જીવમાત્રના જીવન સાથે વિજ્ઞાન એક અથવા બીજી રીતે જાડાયેલું છે. સમયે-સમયે થઇ રહેલ નીતનવી શોધ અને સંશોધનોથી માનવજીવન વધુને વધુ સરળ બની રહ્યું છે. માટે જ માનવ જીવનને સરળ અને સુવિધાસભર બનાવવામાં વૈજ્ઞાનિકોનો ફાળો બહુમૂલ્ય છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં ગુજરાત વિભાગના વડા, પીઆઇબી અને આરઓબીના એડિશનલ ડાયરેક્ટર જનરલ ડો. ધીરજ કાકડિયાએ ’આત્મનિર્ભર ભારત અને વિશ્વ કલ્યાણ માટે વિજ્ઞાન’ એ વિષય પર યોજાયેલ વેબીનારને સંબોધતાં આ વાત જણાવી હતી. વધુમાં ડો. કાકડિયાએ જણાવ્યું કે એક નાનામાં નાનો આવિષ્કાર પણ મોટી ક્રાંતિ સર્જી શકે છે. ત્યારે વિશ્વ કલ્યાણની ભાવના માટે વિજ્ઞાનનો ઉપયોગ કરવો તે જ વિજ્ઞાનનો સાચો ઉપયોગ છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો, રીજનલ આઉટરીચ બ્યુરો, અમદાવાદ, ફિલ્ડ આઉચરીચ બ્યુરો-જુનાગઢ તેમજ સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમીકલ્સ રીસર્ચ ઇન્સ્ટીટ્યૂટ, ભાવનગર દ્વારા ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ ૨૦૨૦ અંગે જાણકારી આપતાં વેબીનારનું આયોજન કરવામાં આવ્યું. વેબીનારમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં ગુજરાત વિભાગના વડા એડિશનલ ડાયરેક્ટર જનરલ ડો. ધીરજ કાકડિયા, રીજનલ આઉટરીચ બ્યુરોના નિદેશક સરિતાબેન દલાલ, સીએસએમસીઆરઆઇ-ભાવનગરના વૈજ્ઞાનિક ડો. અવિનાશ મિશ્રા તેમજ ડો. ભૂમિ અંધારિયા વિશેષજ્ઞ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.  આ કાર્યક્રમ યુવા પેઢીને અને ભારતને વિજ્ઞાન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટેનો છે. મહોત્સવમાં વિભિન્ન સેમીનાર, ડીબેટ, સંવાદ, વ્યાખ્યાનો, સ્પર્ધાઓ, પ્રયોગો, પ્રદર્શન વગેરેના માધ્યમથી વિજ્ઞાન અને નવા શોધ-સંશોધનોથી લોકોને પરિચિત કરવામાં આવશે. આ વિજ્ઞાન મહોત્સવમાં ભાગ લેવા માટે સાયન્સ ઇન્ડિયા ફેસ્ટ વેબસાઇટ (https://www. scienceindiafest.org) પર જઇ રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. જેની અંતિમ તારીખ ૧૮ ડિસેમ્બર છે.

સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમીકલ્સ રીસર્ચ ઇન્સ્ટીટ્યૂટ, ભાવનગર ખાતે થઇ રહેલ શોધ અને સંશોધનો અંગે જાણકારી આપતાં વૈજ્ઞાનિક ડો. ભૂમિ અંધારિયાએ જણાવ્યું હતું કે આ સંસ્થાનમાં પાછલા ઘણા વર્ષોથી થઇ રહેલી નવી શોધ દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આગળ વધારી રહી છે. જેમાં સમુદ્રી શેવાળની ખેતી, પીવા લાયક પાણી, ઘરવપરાશ તેમજ ઇન્ડસ્ટ્રીઝ માટે ઉપયોગી સોલ્ટ પર વિશેષ કામ કરવામાં આવ્યું છે. જેમાં સંસ્થાનને મળેલી સફળતાથી સંસ્થાનને અનેક પુરસ્કાર પણ મળ્યાં છે.

આ વેબીનાર તેમજ વિજ્ઞાન મહોત્સવના હેતુને સ્પષ્ટ કરતાં રીજનલ આઉટરીચ બ્યુરોના નિદેશક  સરિતાબેન દલાલે જણાવ્યું  કે દેશના પ્રત્યેક વ્યક્તિમાં વિજ્ઞાન પ્રત્યેની રૂચી વધે અને આપણા દેશમાં વૈજ્ઞાનિકો દ્વારા થતી નવી શોધની જાણકારી મળે અને તેમના કાર્યોને બીરદાવવાની સાથે સમગ્ર દેશમાં વિજ્ઞાન પ્રત્યેનો એક લગાવ ઉભો થાય તે માટેનું આ એક આયોજન છે. વેબીનારનું સંચાલન ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.