Abtak Media Google News

પોલીસ ઈન્ટ્રોગેશન ‘ડિજિટલી’ શક્ય જ નથી: પંજાબ હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

કોઈપણ ગુનાની તપાસમાં પોલીસ ઈન્ટ્રોગેશન અતિમહત્વપૂર્ણ પાસુ હોય છે. કોઈપણ ગુનાનો ભેદ ઉકેલવા ઈન્ટ્રોગેશન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું હોય છે. ઘણીવાર ગુનાની કબુલાત કોઈપણ કાળે નહીં આપનારા રીઢા ગુનેગારો પણ ‘ધોકાવાળી’ના ભયે ગુનાની કબુલાત આપી દેતા હોય છે. પુછપરછ દરમિયાન આરોપીની  બોડી લેંગવેજ પરથી પોલીસ કર્મીઓ અંદાજ મેળવી લેતા હોય છે કે આરોપીની કબુલાતમાં કેટલી વાસ્તવિકતા છે. ઉપરાંત ઈન્ટ્રોગેશન દરમિયાન કોઈપણ આરોપીના મનમાં પોલીસનો ભય હોવાથી મહદઅંશે ગુનાનો ભેદ ઉકેલાતો હોય છે પરંતુ ઈન્ટ્રોગેશન ફિઝીકલની જગ્યાએ ડિજિટલી થાય તો ગુનેગારોમાં ઈન્ટ્રોગેશનનો પણ ભય રહેશે નહીં. જે અનુસંધાને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય કરતા કહ્યું છે કે, ઈન્ટ્રોગેશન એ પોલીસનો અબાધિત અધિકાર છે જે ડિજિટલી કોઈપણ ભોગે શકય જ નથી.

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે નોંઘ્યું છે કે ઈન્ટ્રોગેશન એ પોલીસનો અબાધિત અધિકાર છે જે પોલીસ તંત્ર પાસેથી છીનવી શકાય નહીં ઉપરાંત વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી કરવામાં આવેલ ઈન્ટ્રોગેશન નકકર બની શકે નહીં. હાઈકોર્ટે બે પીટીશન મામલે ચુકાદો આપતા કહ્યું હતું કે, પોલીસ ઈન્ટ્રોગેશન ફિઝીકલી થવું જરૂરી છે જેથી ગુનાનો ભેદ ઉકેલવામાં સરળતા રહે તેમજ આરોપીની કબુલાતમાં વાસ્તવિકતા આવવાની શકયતા પણ પ્રબળ બની રહે. ઉલ્લેખનીય બાબત છે કે, હાઈકોર્ટમાં ગેંગસ્ટર લોરેન્સ બિસનોઈએ આ અંગે કુલ ૨ અરજીઓ દાખલ કરી હતી જેમાં ઈન્ટ્રોગેશન વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી જેમાં ગેંગસ્ટર બિસનોઈએ કહ્યું હતું કે, વિડીયો કોન્ફરન્સીંગથી જો ઈન્ટ્રોગેશન કરવામાં આવે તો મારું જીવન સુરક્ષિત રહેશે. મહત્વપૂર્ણ બાબત છે કે, ગેંગસ્ટર લોરેન્સ બિસનોઈ થોકબંધ ગુનાઓમાં મુખ્ય આરોપી રહી ચુકયો છે. ઘણાખરા મામલાઓમાં હજુ બિસનોઈની પુછપરછ પણ બાકી છે તેમજ વર્ષ ૨૦૧૮માં સુપ્રસિઘ્ધ અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકીના ગુનામાં પણ મુખ્ય આરોપી બિસનોઈ ઠર્યો હતો.

ચંદીગઢ પોલીસ બિસનોઈની કુલ બે મામલામાં પુછપરછ કરવા ઈચ્છુક છે જેમાં આમ્સ એકટ તેમજ ગેરકાયદેસર ફાયરીંગની ઘટનાનો સમાવેશ થાય છે. બિસનોઈ વિરુઘ્ધ કેન્દ્રશાસિત પ્રદેશો સહિત હરિયાણા અને પંજાબમાં ખુન સહિતના ગુનાઓ નોંધાયેલા છે. ૨૧ જુલાઈના રોજ સીરસા જિલ્લા ખાતે ખેલાયેલા ખુની ખેલમાં મુખ્ય આરોપી બિસનોઈ ઠર્યો હતો જે મામલામાં હાલ તે જેતપુર સેન્ટ્રલ જેલ ખાતે સજા ભોગવી રહ્યો છે. તે દરમિયાન અન્ય બે ગુનાઓમાં બિસનોઈની શંકાસ્પદ ભૂમિકા સામે આવી હોવાથી ચંદીગઢ પોલીસે સેન્ટ્રલ જેલ ખાતેથી કબજો લેવા તજવીજ હાથધરી હતી તે દરમિયાન બિસનોઈએ હાઈકોર્ટ સમક્ષ અરજી મુકી વિડીયો કોન્ફરન્સ માધ્યમથી તેની પુછપરછ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

હાઈકોર્ટની ન્યાયાધીશ ગુરૂવિન્દરસિંગ ગીલની ખંડપીઠે કુલ ૧૧ પેજનો નિર્ણય મંગળવારે જાહેર કરતા બિસનોઈની બંને અરજીઓ ખારીજ કરી હતી. હાઈકોર્ટેેનોંઘ્યું હતું કે, વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી સચોટ પોલીસ ઈન્ટ્રોગેશન કરવું હાલના તબકકે શકય લાગતું નથી. વિડીયો કોન્ફરન્સીંગ દરમિયાન આરોપીનું વર્તનનું પણ યોગ્ય રીતે અવલોકન કરી શકાય નહીં. ઘણા કિસ્સામાં પોલીસ ઈન્ટ્રોગેશન દરમિયાન આરોપીની વર્તણુક પરથી કબુલાતની સચોટતાનો તાગ મેળવી લેતી હોય છે. તેમજ ઈન્ટ્રોગેશન દરમિયાન આરોપીને પોલીસનો ભય હોવાથી મોટાભાગના કિસ્સામાં આરોપી સચોટ કબુલાત આપતો હોય છે. કોર્ટે નોંધયું હતું કે, ઈન્ટ્રોગેશન દરમિયાન પોલીસ આરોપીઓની વર્તણુક જેમ કે, આંખનો જબકારો, પગનું હલન-ચલન સહિતની બાબતોનું પણ અવલોકન કરતી હોય છે. વિડીયો કોન્ફરન્સીંગથી થતા ઈન્ટ્રોગેશનની અસરકારકતા રહેશે નહીં તેવું જસ્ટીસ ગીલે નોંઘ્યું હતું.

કોર્ટે નોંધયું હતું કે, ઈન્ટ્રોગેશન એ પોલીસનો અબાધિત અધિકાર છે જે કોઈપણ સંજોગોમાં છીનવી શકાય નહીં. ઉપરાંત વિડીયો કોન્ફરન્સીંગથી વધુ અસરકારક ફિઝીકલ ઈન્ટ્રોગેશન રહેતું હોય છે. પોલીસ ખાતરી આપે છે કે, ઈન્ટ્રોગેશન દરમિયાન તેને કોઈપણ જાતની ખરોચ પણ આવશે નહીં. જોધપુર જેલ ખાતેથી તેને ચંદીગઢ સુધી બુલેટપ્રુફ અથવા હથિયારધારી જવાનોથી સજજ વાહનમાં વિડીયોગ્રાફીની સાથે ચંદીગઢ લાવવામાં આવશે જેથી બિસનોઈની જાનને કોઈપણ જાતનો ખતરો રહેશે નહીં. કોર્ટે વધુમાં નોંઘ્યું હતું કે, પોલીસ કસ્ટડી દરમિયાન કોઈપણ આરોપીને ખરોચ આવતી નથી અને જો આવી ઘટના બને છે તો તેના સંપૂર્ણ જવાબદારી પોલીસ અધિકારીની રહે છે. પંજાબ હાઈકોર્ટના આ ચુકાદાએ પોલીસ ખાતા માટે ખુબ જ આવકારદાયક પગલુ લીધું છે. પોલીસ ઘણાખરા ગુનાઓમાં ઈન્ટ્રોગેશન મારફત ગુનાનો ભેદ ખોલી શકવા સક્ષમ હોય છે જેથી ઈન્ટ્રોગેશનને વર્ચ્યુઅલ કરી અસરકારકતાને નબળી પાડી શકાય નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.