Abtak Media Google News

‘કોરોના સાથે બર્ડ ફ્લુનો સતત વધતો ખતરો’

સુરતના બારડોલી તેમજ વડોદરાના સાવલી તાલુકામાં પક્ષીઓના મોટ બાદ ભોપાલની લેબોરેટરીમાં મોકલાયેલા સેમ્પલ પોઝીટીવ આવતા ચિંતાના વાદળો

કોરોના મહામારી વચ્ચે બર્ડ ફલૂના કારણે ચિંતામાં વધારો થયો છે. ગુજરાતમાં પ્રારંભિક તબક્કે એકલદોકલ કેસ જોવા મળ્યા બાદ હવે બર્ડ ફલૂ કુલ ત્રણ જિલ્લામાં ફેલાયો હોવાના આંકડા મળી ગયા છે. જૂનાગઢમાં પ્રથમ કેસ જોવા મળ્યો હતો, ત્યારબાદ હવે સુરત અને વડોદરામાં પણ બર્ડ ફલૂના કેસ જોવા મળતા ચિંતામાં વધારો થયો છે.

વિગતો મુજબ ગત તારીખ ૬ જાન્યુઆરીના રોજ સુરતના બારડોલી તાલુકામાં ૪ કાગડાઓના મોત થયા હતા જેથી ભોપાલ ખાતેની લેબોરેટરીના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા આ સેમ્પલના ટેસ્ટિંગ બાદ કાગડાઓ બર્ડ ફલૂનો શિકાર થયા હોવાનું જાણવા મળ્યું છે આવી જ રીતે વડોદરાના સાવલી તાલુકાના વસંતપુરા ગામમાં પણ ૨૫ કાગડાના મોતથી સેમ્પલ એકત્ર કરાયા હતા, ૫ કાગડાઓના સેમ્પલ લેવાયા હતા. આ સેમ્પલ પણ પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત વડોદરાના કરજણ તાલુકામાં પણ ૫૭ કબૂતરના મોત બાદ તેમના સેમ્પલ મોકલવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગત તારીખ ૮ જાન્યુઆરીના રોજ જૂનાગઢમાંથી એક પક્ષીનું સેમ્પલ પોઝિટિવ આવ્યું હતું ત્યારબાદ હવે બર્ડ ફલૂ સુરત અને વડોદરા જિલ્લામાં પણ પગપેસારો કરી ગયો હોવાનું ફલિત થાય છે. કોરોના મહામારીના કારણે લોકોમાં થોડો ભય છે આવી સ્થિતિમાં હવે બર્ડ ફલૂના કારણે પણ લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

અલબત્ત કેન્દ્ર અને રાજ્ય સરકાર બર્ડ ફ્લુને લઇ આગમચેતીના પગલા ભરી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા બર્ડ ફલૂ મામલે રાજ્ય સરકારને સતર્ક રહેવા જણાવાયું હતું. ત્યારબાદ જ્યાં શંકાસ્પદ મોતની ઘટના અને ત્યાંથી ત્યાંથી સેમ્પલ એકત્ર કરવામાં આવી રહ્યા છે ફ્લૂ વાયરસ પક્ષીમાંથી માનવમાં ન લાગે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે ફાર્મમાં ચેકિંગ થઈ રહ્યું છે.

દ્વારકામાં ગોમતીજીના કિનારે પક્ષીઓ ઉમટ્યા

દ્વારકામાં ગોમતીજી નદીમાં શિયાળાની ઋતુમાં બગલા સહિતના પક્ષીઓ આવી ચડ્યા છે. પાણી શુદ્ધ હોવાથી પક્ષીઓ અહીંના કિનારે આકર્ષાયા છે. દ્વારકાની પવિત્ર ગોમતીજીમાં શિયાળાની ત્રૂંતુંમાં પાણી ચોખું કાચ જેવું હોવાથી બગલા સહિતના પક્ષી ખોરાકી માટે ચડી આવ્યા છે યાત્રિકો તેમજ સ્થાનિકો પવિત્ર ગોમતીજીમાં રહેલ અસંખ્ય માછલીઓને ચારો નાખી પૂણ્ય કરે છે ત્યારે ગોમતી નદીમાં બગલા સહિતના સંખ્યા બંધ પક્ષીઓ ખોરાક માટે આવી ચડ્યા છે એક બાજુ બર્ડ ફ્લુનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં અહીં પક્ષીઓ આવતા તંત્રમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.