Abtak Media Google News

મમતા પર હુમલો નહોતો થયો, તે માત્ર અકસ્માત હતો: ચૂંટણી પંચ: મમતાના વ્હીલચેર ઉપર રોડ શો બાદ મામલો વધુ ગરમાયો

પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી અને ટીએમસી વડા મમતા બેનરજી પર નંદીગ્રામમાં તેઓ પ્રચાર દરમિયાન ઘાયલ થઇ ગયા હતા અને હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. આ સિૃથતિ વચ્ચે મમતાએ હવે વ્હીલચેર પર જ પોતાના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. મમતાએ વ્હીલચેર પર બેસીને પાંચ કિમી સુધી લાંબો રોડ શો પણ કર્યો હતો. જે દરમિયાન તેમણે કહ્યું હતું કે પુરી તાકત અને નિડરતાથી લડીશું, ઝુકીશું નહીં.

મમતા બેનરજીએ કહ્યું હતું કે, મેં મારી જિંદગીમાં અનેક હુમલાનો સામનો કર્યો છે. જો લોકો મારા માટે વોટ કરશે તો હું તેમને બદલામાં લોકશાહી આપીશ. પોતાની થયેલી ઇજાના સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે ઘાયલ વાઘ વધુ ખતરનાક હોય છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળમાં વધુને વધુ બેઠક જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. દરમિયાન ભાજપે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીને નંદીગ્રામ ખાતે થી ચૂંટણી લડવા ચેલેન્જ કરી હતી, જ્યારે સામાપક્ષે બંગાળના વાઘણ તરીકે ઓળખાતા મમતા બેનરજીએ આ ચેલેન્જને પણ સ્વીકારી લીધી હતી અને જોરશોરથી ચૂંટણીપ્રચાર શરૂ કરી દીધો છે.

બીજી તરફ ટીએમસી નેતાઓએ ચૂંટણી પંચની મુલાકાત કરી હતી અને મમતા પર જે હુમલો થયો તેની નિષ્પક્ષ તપાસ કરવાની માગણી કરી હતી. જોકે આ દરમિયાન ચૂંટણી પંચે દાવો કર્યો છે કે મમતા ઘવાયા તે એક અકસ્માત હતો, તેના પર કોઇએ હુમલો નથી કર્યો. સાથે જ ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે અને મિદનાપુરના ડીએમ અને એસપી સામે એક્શન લીધી છે. ડીએમ વિભુ ગોયલની બદલી કરી દેવામાં આવી છે જ્યારે એસપી પ્રવીણ પ્રકાશને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચે મુખ્ય સચિવને કહ્યું છે કે સીએમ મમતા ઘવાયા તે ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને તેની રિપોર્ટ 31મી માર્ચ સુધી સોપવાનો આદેશ પણ આપ્યો છે.

મમતા નંદીગ્રામથી જ ચૂંટણી લડી રહ્યા છે અને ત્યાંના આંદોલનમાં પણ તેઓ સક્રિય રહી ચુક્યા છે, તેમની સામે ભાજપે ટીએમસીના જ પૂર્વ નેતા શુવેંદુ અધિકારીને ટિકિટ આપી છે. તેથી અહીં ખરાખરીનો જંગ જોવા મળશે.

મમતાએ રોડ શોમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા, તેમણે કહ્યું હતું કે એક ઘાયલ વાઘ વધુ ખતરનાક સાબિત થઇ શકે છે. મમતાએ નંદીગ્રામમાં 2007માં પોલીસના ગોળીબારમાં જે 14 ગ્રામજનો માર્યા ગયા હતા તેમને શ્રદ્ધાંજલી પાઠવવા માટે એક મોટો રોડ શો કર્યો હતો.

મમતા બેનરજી નંદીગ્રામમાં પોતાનું ઉમેદવારી પત્ર ફરતી વેળાએ એક ઘટનામાં ઘાયલ થઇ ગયા હતા. તેમને પગ, છાતીમાં ઇજા પહોંચી હતી. જે બાદ તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ટીએમસીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ દ્વારા આ હુમલો મમતાનો જીવ લેવા માટે કરાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.