Abtak Media Google News

સંસ્થાઓના માધ્યમથી વધુ ને વધુ લોકો વેકસીન લેવા પ્રેરાય તેવા પ્રયાસો પર ભાર મુકતા મેયર ડો. પ્રદિપ ડવ

કોરોનાનો રામબાણ ઇલાજ એટલે વેકસીન અને માસ્ક: મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ

રાજકોટ શહેરમાં કોરોના સામેની લડતને અસરકારક બનાવી કોરોનાને હરાવવાના ઉદેશ સાથે કોરોના સામેની વેક્સીન વધુ ને વધુ લોકો લ્યે તેવા પ્રયાસોના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આજે તા.26-3-2021ના રોજ સાંજે માન. મેયર ડો. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને શહેરની વિવિધ સંસ્થાઓના હોદેદારો સાથે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. ચેતન નંદાણી, ઉપરાંત તમામ વોર્ડના વોર્ડ પ્રભારી તરીકે જવાબદારી નિભાવી રહેલા વરિષ્ઠ અધિકારીઓ, અને રોટરી ક્લબ, ખોડલધામ, વાત્સલ્ય ટ્રસ્ટ, સોની સમાજ, શાપર વેરાવળ ઔદ્યોગિક એસોસિએશન, પુરૂષાર્થ યુવક મંડળ, ફૂટબોલ એસોસિએશન, બિલ્ડર એસોસિએશન, શિક્ષકો, બ્રહ્માકુમારીઝ, સ્વામીનારાયણ ગુરૂકુળ, લોહાણા યુવક મંડળ, ક્લબ યુવી, વગેરે સંસ્થાઓના હોદેદારો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતાં.

આ બેઠકમાં  મેયર ડો. પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં છેલ્લા એક વર્ષથી દિવસરાત જોયા વગર રાજકોટ મહાપાલિકાએ અને શહેરની વિવિધ સેવાભાવી સંસ્થાઓએ પોતપોતાની જવાબદારી નિભાવી છે. હજુ પણ કોરોનાની સ્થિતિ છે અને તેમાંથી બહાર આવવા હવે વેક્સીન લેવા વધુ ને વધુ લોકોને પ્રેરિત કરવા એ જ ઉપાય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેક્સીનેશન માટે જે આયોજન કરેલું છે તેમાં મહત્તમ નાગરિકોને આવરી લેવા હાથ ધરવામાં આવેલા આ અભિયાનમાં સહયોગ આપવા તત્પરતા દાખવનાર તમામ સેવાભાવી સંસ્થાઓ અને રાજકોટ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર માનું છુ.  મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે ઉપસ્થિતોને સંબોધન કરતા એમ જણાવ્યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારી સામે સૌએ અભૂતપૂર્વ લડત ચલાવી છે ત્યારે હવે કોરોનાને હરાવવા માટેના રામબાણ ઈલાજ છે વેક્સીન અને માસ્ક. વધુ ને વધુ લોકો વેક્સીન લઈ લ્યે અને નાગરિકો ફરજિયાતપણે માસ્ક પણ પહેરી રાખે તો કોરોનાને હરાવી શકાશે. આ બેઠકમાં ઉપસ્થિત સંસ્થાઓના હોદેદારો અને પ્રતિનિધિઓએ પોતપોતાના ગ્રુપ સંકળાયેલા સદસ્યો તેમજ શહેરના અન્ય જનસમૂદાયને પણ કોરોના વેક્સીન લઈ લેવા માટેના આ જનઆંદોલનમાં પૂર્ણ સહયોગ પ્રદાન કરશે તેવી ખાતરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.