Abtak Media Google News

સુરતમાં કોરોનાનો કહેર વધવાની સાથે હવે બાળકોમાં પણ વધુ જોવા મળી રહ્યો છે. શહેરના મોટાવરાછા વિસ્તારના એક 13 વર્ષના બાળકનુ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન કરૂણ મોત થયુ હતુ. અત્યારસુધીમાં કોરોનાથી સૌથી નાની વયના બાળકનું મોત સુરતમાં નોંધાયું છે.

મોટાવરાછા ખાતે ડી-માર્ટ પાસે આવેલી ભવાની હાઇટ્સમાં રહેતા અને એમ્બ્રોઇડરી મશીનનું કારખાનું ચલાવતા ભાવેશભાઈ કોરાટના 13 વર્ષનો પુત્ર ધ્રુવ રવિવાર સુધી સ્વસ્થ હતો. તેને કોરોનાનાં જે સામાન્ય લક્ષણો છે એવાં કોઈ નહોતાં અને તેણે કોઈ તકલીફ થઈ રહી હોવાનું પણ કહ્યું ન હતું. રવિવારે બપોર બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને હોસ્પિટલે લઈ જવાયો હતો. તેનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવાયો, જે પોઝિટિવ આવ્યો અને તબિયત વધુ બગડતાં સાચી ચાઇલ્ડ હોસ્પિટલમાં શિફ્ટ કરાયો હતો, જ્યાં પાંચ કલાકની સારવાર બાદ રાત્રે 1 વાગ્યે તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

બાળકને જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તે ખૂબ સિરિયસ હતો, તેને તરત જ વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યો. ખૂબ જ ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. તેને બચાવવા માટે હોસ્પિટલના સિનિયર ડોક્ટરોએ ખૂબ પ્રયત્નો કર્યા હતા. તેમ સાચી હોસ્પિટલના ડો. હિમાંશુ તળવીએ જણાવ્યું હતું.

બાળકો માટે પણ હવે કોરોના વધુ ઘાતક સાબિત થઈ રહ્યો છે. સાચી હોસ્પિટલમાં અન્ય એક 10 વર્ષના બાળકને પણ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. આ બાળકનો રેપિડ એન્ટિજન ટેસ્ટ અને પછી આરટી-પીસીઆર ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષ દરમિયાન અનેક લોકોને ભરખી જનાર કોરોનાએ અત્યાર સુધી બાળકો ઉપર દયા રાખી હતી પરંતુ અત્યારે હાહાકાર મચાવી રહેલો બીજો સ્ટ્રેન બાળકો માટે પણ જીવનો જોખમ બની ગયો હોય તેવી રીતે પોતાની ઝપટે પણ લઈ રહ્યો છે આ દરમિયાન સુરતમાં કોરોનાએ અત્યંત બિહામણું સ્વરૂપ ધારણ કરી લીધું હોય તેવી રીતે 13 વર્ષના બાળકનો પાંચ કલાકમાં જ ભોગ લઈ લેતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ બાળકને શ્ર્વાસ લેવામાં તકલીફ સિવાય બીજા કોઈ જ લક્ષણો જોવા મળ્યા નહોતા આમ છતાં પાંચ કલાકમાં જ તે જંગ હારી ગયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.