Abtak Media Google News

કોરોનાનો અજગરી ભરડો: વોરિયર્સ જ કોરોનાની ઝપટમાં! 

ડીસીપી ઝોન -2 મનોહરસિંહ જાડેજા સહિત શહેરના 90 તેમજ જિલ્લાના 35 આધિકારી- કર્મચારી સંક્રમિત

 

કોરોના સંક્રમણ ખૂબ ઝડપે વધી રહ્યું છે. કોરોનાની પ્રથમ લહેરથી પણ વધુ ઝડપે બીજી લહેરનો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે કોરોના સંક્રમણની પરિસ્થિતિમાં ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે પડમાં રહેનારા પોલીસકર્મીઓ પણ કોરોના કહેરથી બચી શક્યા નથી. રાજકોટ શહેર અને જિલ્લામાં અનેક પોલીસકર્મીઓ હાલ સુધીમાં કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. રાજ્યભરમાં કોરોનાને કારણે અનેક પોલીસકર્મીઓએ જીવ પણ ગુમાવ્યો છે. હાલ રાજકોટ શહેરમાં આશરે 90 જેટલા પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત છે જ્યારે રાજકોટ જિલ્લામાં આશરે 35 જેટલા પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. રાજકોટ શહેર નાયબ પોલીસ કમિશ્નર ઝોન-2(ડિસીપી ઝોન-2) પણ કોરોના સંક્રમિત થયા છે.

હાલ પોલીસકર્મીઓ ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે પોતાના કર્તવ્યનું પાલન કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ હોય કે, સરકારી કોવિડ સેન્ટર કે પછી અન્ય કોઈ ફરજનું સ્થળ હોય, તમામ સ્થળોએ પોલીસકર્મીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે. રાત્રીના સમયમાં પોલીસકર્મીઓ જ્યારે રાત્રી કરફ્યુનું પાલન કરાવતા હોય ત્યારે જાણે પોલીસકર્મીઓ એવું કહેતા હોય કે, પતમે રહો ઘરમાં, અમે રહીશું પડમાંથ તેવી રીતે તેઓ પોતાની ફરજ બજાવતા હોય છે. જ્યારે સૌ કોઈ કોરોનાથી ભયભીત થઈ ચુક્યા છે ત્યારે પોલીસકર્મીઓ નીડરતા સાથે ફરજ બજાવી રહ્યા છે.

પોલીસ મથકમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા સૂચના અપાઈ: મનોજ અગ્રવાલ

Manoj Ips

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ રાજકોટ શહેરના આશરે 90 જેટલા પોલીસકર્મીઓ સંક્રમિત થયા છે જેઓ હાલ સારવાર હેઠળ છે. જેમને સરકારી કવાટર્સમાં આઇસોલેટ કરવાની તમામ વ્યવસ્થાઓ કરાઈ છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત જણાય તેમની પણ વ્યવસ્થા કરાઈ છે. પોલીસ મથકમાં યુ.વી. મશીનો મૂકીને વ્યક્તિથી માંડી તમામ ચીજ વસ્તુઓને પણ સેનિટાઈઝ કરાઈ રહી છે. તમામ પોલીસ મથકમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા સૂચના પણ આપી દેવામાં આવી છે.

ડીસીપી ઝોન-2 પણ કોરોના સંક્રમિત

Manoharsinh

ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા દરરોજ રાત્રે પોતે જ રાત્રી કરફ્યુનું પાલન કરવા મેદાને ઉતરતા હોય છે. ઘણા ખરા લોકોને તેઓ સમજણ પુરી પાડીને રાત્રી કરફ્યુનું પાલન કરવા સૂચના આપતા હોય છે તો બિન જરૂરી ઘરની બહાર લટાર મારતા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દાખલો પણ બેસાડતા હોય છે પરંતુ હાલ તેઓ પણ કોરોના સંક્રમિત થયા છે.

જિલ્લાના 35 પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત: બલરામ મિણા

Balram Mina

રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મિણાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ રાજકોટ જિલ્લામાં કુલ 35 પોલીસ કર્મીઓ કોરોના સંક્રમિત થયા છે.જેઓ હાલ સારવાર હેઠળ છે. મોટાભાગના પોલીસ કર્મીઓ હોમ આઇસોલેશસનમાં સારવાર લઇ રહ્યા છે. પોલીસકર્મીઓ સરકારી ક્વાર્ટર્સમાં અથવા તો ગામડાઓમાં તેમની અનુકૂળતા અનુસાર હાલ આઇસોલેટ થયા છે. અન્ય કોઈ પોલીસકર્મી સંક્રમિત ન થાય તેના માટે તમામ પોલીસ સ્ટેશનોમાં સેનિટાઈર મશીનો પણ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. જો કોઈ પોલીસ મથકમાં પોલીસકર્મી પોઝિટિવ નોંધાય તો તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફનું ટેસ્ટિંગ હાથ ધરવામાં આવે છે. જેથી કોરોનાની ચેનને તોડી શકાય. તેવી જ રીતે ગઇકાલે વિછીયા પોલીસ સ્ટેશન ખાતે પ્રથમ પાંચ પોલીસ કર્મીઓ પોઝિટિવ નોંધાયા હતા જે બાદ અન્ય કર્મચારીઓનું ટેસ્ટિંગ કરાતા વધુ બે પોલીસકર્મીઓ સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું હતું. હાલ જે પોલીસ સ્ટેશનમાં કર્મીઓ સંક્રમિત નોંધાય તો કર્મચારીઓની અછતને ખાળવા અન્ય પોલીસ સ્ટેશનમાંથી ટૂંકા સમય માટે પોલીસ કર્મીઓને શિફ્ટ કરી દેવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.