Abtak Media Google News

કોરોના સામે માનવજીવન બચાવવા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, હેરાલ્ડ ગ્રુપ મેદાને 

હાલ કોરોનાની મહામારીમાં “પ્રાણવાયુ”નો પુરવઠો ઘટતાં દર્દીઓના જીવ જઈ રહ્યા છે. વકરતા વાયરસે તંત્રને દોડતું કરી દીધું છે તો આવા કપરાકાળમાં સરકારની સહાયે સમાજ શ્રેષ્ઠીઓ, ઔદ્યોગિક એકમો તેમજ અનેક સંસ્થાઓ આગળ આવી છે. ટચુકડા એવા વાયરસએ ભયંકર પરીસ્થિતિ સર્જી દીધી છે. વણસતી જઈ રહેલી સ્થિતિને હવે જાણે કાબૂમાં લેવી એકલા તંત્રના હાથમાં રહ્યું ન હોય તેવા અનેક રાજ્યો-શહેરોમાં ચિત્રો જોવા મળી રહ્યા છે. ત્યારે આવી સ્થિતિમાં પોતાની માનવ ફરજ નિભાવી સરકાર ઉપરાંત દર્દીઓની વ્હારે ઘણા ઓદ્યોગિક એકમો આવ્યા છે. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો પણ સમાવેશ છે. રિલાયન્સ દ્વારા દરરોજ 700 ટન જેટલો ઓક્સિજનના પુરવઠાનું ઉત્પાદન કરી જરૂરિયાતમંદ રાજ્યો જેવા કે ગુજરાત, મહારાષ્ટ્રને ફાળવવામાં આવે છે. રિલાયન્સ દ્વારા ઉત્પાદિત થતા આ પુરવઠાને જરૂરિયાત મંદ જિલ્લા શહેરો તેમજ હોસ્પિટલોમાં પહોંચાડવાની કામગીરી હેરાલ્ડ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદિત થતા જથ્થાનો ફેક્ટરીથી જરૂરિયાતમંદ રાજ્યો, શહેરો સુધી પુરવઠો પહોંચાડવાની કામગીરી અંગે માહિતી આપતા હેરાલ્ડ ગ્રુપના નારણભાઈ પટેલે જણાવ્યું  કે છેલ્લા એક અઠવાડિયાના સમયથી ઓક્સિજનના પુરવઠાની સપ્લાયની આખી ચેઈન વધુ સુદ્રઢ બની ગઈ છે. પુરવઠાનું સમગ્ર સંચાલન સીધું જ ગાંધીનગર ખાતેના રાજ્યકક્ષાના કંટ્રોલરૂમ ખાતેથી થતું હોવાના કારણે વિતરણની આખી પ્રક્રિયામાં પારદર્શકતા આવી છે. આ સંચાલન હાલ આઈએએસ ઓફિસર એ.બી. પંચાલ સાંભળી રહ્યા છે. ઓક્સિજન મર્યાદિત માત્રામાં ઉત્પાદિત થઇ રહ્યો છે પરંતુ સપ્લાયના કારણે ઓક્સિજનનો પુરવઠો નથી મળી શકતો એવું કંઈ છે નહિ. રિલાયન્સની ફેકટરીમાં જેટલો પુરવઠો ઉત્પાદિત થાય છે એટલો જથ્થો જરૂરિયાતમંદ રાજ્યો સુધી પહોંચી જ જાય છે.

હાલ કોરોના વાયરસની બીજી લહેરે દેશભરમાં હાહાકાર મચાવી દીધો છે. દરરોજના કેસ 3 લાખને પાર થઇ ગયા છે. જેને સરકારની ચિંતા વધારી દીધી છે. ત્યારે પરીસ્થીતીને કાબુમાં લેવા સરકાર-સામાજિક સંસ્થાઓ-ઔધોગિક એકમો મેદાને ઉતર્યા છે. આ અંગે હેરાલ્ડ ગ્રુપના નારણભાઈ પટેલે કહ્યું  કે આ માટે સરકારની સાથે અમે પણ સતત પ્રયત્નશીલ છીએ.  રિલાયન્સ દ્વારા હાલ દરરોજ સરેરાશ 700 ટન જેટલો ઓક્સિજનનો પૂરવઠો ઉત્પાદિત થાય છે. જે આગામી સમયમાં એક હજાર ટનની ક્ષમતાએ પહોંચાડાશે તેવા પ્રયત્ન કરાઈ રહ્યા છે. અત્યારે હાલ પોતાના એકમમાં ફેક્ટરી ઓક્સિજનની જરૂર છે તેને પણ મર્યાદિત કરી રિલાયન્સ દ્વારા મેડિકલ ઓક્સિજનની જરૂરિયાતને પ્રાધાન્યતા આપી પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે.

Whatsapp Image 2021 04 23 At 18.52.44

 

 

“પ્રાણવાયુ”ના  પ્રતિ કયુબીક મીટરના જથ્થાબંધ ભાવ રૂ.15 થી 17થી વધુ વધશે નહીં

ઉલ્લેખનીય છે કે હાલ કોરોનાગ્રસ્ત દર્દીઓના પ્રાણવાયુએ ઝપ્રાણ” હરતાં માનવ જીવન પર મોટું જોખમ ઊભું થયું છે. આવી કપરી પરિસ્થિતિનો પણ લાભ ખાટવા લાલચી ગીધડાઓ મેદાને ઉતર્યા છે અને ઓક્સિજનની કાળાબજારી કરી રહ્યા છે. તો બીજી તરફ ઓક્સિજનના ભાવ પણ વધ્યા છે. છેલ્લા 15 દિવસના ગાળામાં ઓક્સિજનના પ્રતિ ક્યુબીક મિટરના ભાવ રૂ. 20 થી રૂ. 25 સુધી વધી ગયા હોવાનું સામે આવ્યું છે ત્યારે પ્રાણવાયુના જથ્થાબંધ ભાવ વિશે નારણભાઇ પટેલે માહિતી આપતા કહ્યું કે ઓક્સિજનના પ્રતિ ક્યુબીક મીટરના ભાવ રૂપિયા 15 થી રૂપિયા 17થી વધુ વધશે નહીં. અમે માનવ ફરજ સમજી ભાવ વધારીશું નહિ. પરંતુ કામદારોની વધુ જરૂરિયાત તેમજ આંતર માળખાકીય સુવિધાને લઇ ઓક્સિજનના પ્રતી ક્યુબીક મીટરના ભાવ છૂટક બજારમાં વધી શકે છે પરંતુ માનવતાને ધ્યાને રાખી અમારા દ્વારા જથ્થાબંધ ભાવ વધારાશે નહિ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.