Abtak Media Google News

એક તરફ બેડ નથી, બીજી તરફ હોમ આઇસોલેટ દર્દીઓને ઑક્સિજન અને રેમડેસીવીર નથી મળી રહ્યા 

હોમ આઇસોલેટ દર્દીઓ માટે ઓક્સિજનનો મેળ કરવા દોડધામ યથાવત રહી છે. ઠેક ઠેકાણે દર્દીઓના સગાઓ ઓક્સિજન માટે રઝળપાટ કરી રહ્યા છે. રાજકોટ જિલ્લા કલેક્ટરે છેક 15 કિમિ દૂર શાપર વેરાવળ ખાતે ઓક્સિજનના બાટલા રિફીલિંગ કરવાની વ્યવસ્થા ગોઠવી છે. પણ આ વ્યવસ્થા ગોઠવ્યાના કલાકોમાં જ અંધાધૂંધી સર્જાતા રિફીલિંગ બંધ કરી દેવાયું હતું. હજુ આ સ્થળની બહાર મસમોટી કતારો જામેલી છે.

રાજકોટ ખાતે કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં વધારાને કારણે ઓકસીજનની માંગ અને વપરાશમાં વધારો થયો છે. આ માંગના વધારાને કારણે કોવીડ-19 ના પોઝિટીવ દર્દીઓ કે જે હોમ આઇસોલેશનમાં રહીને સારવાર મેળવી રહ્યા છે. તેઓને ઓકસીજનના સીલીન્ડર મેળવવામાં કોઇપણ મુશ્કેલી ન પડે તે માટે રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યામોહને ખાસ હુકમ કરી રાજકોટ જીલ્લાના શાપર વેરાવળ ખાતે આવેલ જયદીપ ઓકસીજન એજન્સીને રાજકોટ જીલ્લાના હોમ આઇસોલેશન વાળા કોવીડ-19 ના દર્દીઓ માટે અનામત રાખવાનું ઠરાવ્યું છે.

આથી રાજકોટ જીલ્લામાં હોમ આઇસોલેશનમાં રહીને કોવીડ-19 ની સારવાર લેતા ઓકસીજનની જરુરીયાતવાળા દર્દીને જરુરી પડયે જયદીપ ઓકસીજન એજન્સી, કેપ્ટન ગેઇટ, શાપર વેરાવળ ખાતેથી મેળવવા અને સદર યુનીટે ઓકસીજનો જથ્થો પુરો પાડવા હુકમ કરેલ છે.

જો કે કલેક્ટર દ્વારા જે વ્યવસ્થા ગોઠવવામાં આવી તે અસમર્થ હોવાનું સાબિત થયું છે. અહીં કલાકોમાં જ અંધાધૂંધી સર્જાઈ હતી. જેને પગલે રિફીલિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. કલાકોથી કતારમાં રહેલા લોકોને ખાલી હાથે જ પરત ફરવું પડ્યું હતું. આમ રાજકોટમાં એક તરફ ખાલી બેડ નથી. જેને પગલે દર્દીઓને હોમ આઇસોલેટ થવાનો વારો આવ્યો છે. બીજી તરફ આ દર્દીઓને ઓક્સિજન કે રેમડેસીવીર જેવી કોઈ સુવિધા મળતી નથી. દર્દીઓના સગાઓ ઓક્સિજનના બાટલા અને રેમડેસીવીર ઇન્જેક્શનનો મેળ કરવા માટે વલખાં મારી રહ્યા છે. આમ રાજકોટની પરિસ્થિતિ અતિ ભયાનક છે. પોતાના સ્વજનને બચાવવા લોકો લાચારી અનુભવી રહ્યા છે.

ઓક્સીજનની વર્તાઇ રહેલી તંગી વચ્ચે રાજ્યમાં 11 નવા ઓક્સિજન પ્લાન્ટ નાખવાની કવાયત આરંભાઇ છે. દરમિયાન અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં છ ટનની ટેન્ક ઇન્સ્ટોલ કરવામા આવી છે. અગાઉ કોવિડની ગંભીર સ્થિતિ નહોતી તે વખતે પાંચ ટનની ક્ષમતાની ટેન્ક દૈનિક ધોરણે ભરાતી હતી. પરંતુ કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની બૂમ વધતા ટેન્ક દિવસમાં ત્રણથી ચાર વાર ભરવાની ફરજ પડે છે. જો કે છ ટનની ટેન્કને કારણે સમયનો બચાવ થશે ઉપરાંત દર્દીને ઓક્સિજનનો જથ્થો વિના અવરોધે અને પૂરતા પ્રેશર સાથે મળી રહેશે. રાજય સરકારના આયોજન પ્રમાણે અમદાવાદ સિવિલમાં 2 હજાર લિટર પ્રતિ મિનિટનો પ્લાન્ટ. જયારે સોલા સિવિલમાં 1200 લીટર પ્રતિ મિનિટનો પ્લાન્ટની કવાયત હાથ ધરાઇ છે.વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં 1200 લિટર પ્રતિ મિનિટના પ્લાન્ટની કવાયત હાથ ધરાઇ છે. આ ઉપરાંત પાટણ, જૂનાગઢ, બોટાદ, લુણાવાડા અને મહેસાણમાં ઓક્સિજન પ્લાન્ટ નાખવા પણ તૈયારીઓ હાથ ધરાઇ છે.

વધુમાં આ ઓક્સિજનની તંગી દૂર કરવા હવે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ પ્લાન્ટ સ્થાપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. હાલ રાજકોટની પરિસ્થિતિ ખૂબ ભયાનક બની રહી છે. અહીં દર્દીઓ માટે ઓક્સિજનનો મેળ કરવા રોજ દોડધામ કરવી પડે છે. અનેક દર્દીઓ ઓક્સિજનની ઘટને પરીણામે મોતના મુખમાં જઈ રહ્યા છે. ત્યારે ઓક્સીજનની ઓચિંતી વધેલી માંગ પૂર્ણ કરવા તંત્ર માટે પણ પડકારરૂપ બન્યું છે.

 

ઓક્સિજનના ખાલી બાટલાની પણ તીવ્ર અછત

આ મહામારીમાં દર્દીઓને ઓક્સિજનની જરૂર પડતી હોય અનેક સેવાભાવી સંસ્થાઓએ શરૂઆતના તબક્કામાં ઓક્સિજનના બાટલા ડિપોઝીટ ઉપર આપીને વિનામૂલ્યે તેનું વિતરણ શરૂ કર્યું હતું. ત્યારે અનેક દર્દીઓ માટે તેના સગાએ આ વિતરણનો લાભ લીધો હતો. પણ તેઓ દ્વારા ખાલી બાટલાઓ પરત આપવામાં આવ્યા નથી. જેને પગલે હવે સંસ્થાઓ પણ સેવાકાર્ય ન કરવા લાચાર બની ગઈ છે.

 

ઓક્સિજનના બાટલાનો બિનજરૂરી સ્ટોક કરનાર સામે કાર્યવાહી જરૂરી

ધનિકો તેમજ લાગવગવાળા લોકો પોતાના તથા પોતાના પરિવારો માટે બિનજરૂરી ઓક્સિજનના બાટલાનો સ્ટોક કરી રહ્યા છે. પરિવારમાં કોઈને હાલ ઓક્સિજનની જરૂર ન હોવા છતાં ઓક્સિજનના બાટલા અને તેની કીટનો ઘરે સંગ્રહ કરી રહ્યા છે. બિનજરૂરી સંગ્રહને કારણે મોત સામે ઝઝૂમી રહેલા લોકોને તે સુવિધા મળતી નથી. માટે સંગ્રહખોરો સામે ત્વરિત કાર્યવાહી કરવી અત્યારે જરૂરી બની ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.