Abtak Media Google News

મારૂ ગામ કોરોના મુકત અભિયાન અંતર્ગત  જિલ્લાના  491 ગામનાં લોકોને સુવિધા મળી રહે તેવા પ્રયાસો કરવાની કટિબધ્ધતા દર્શાવતા જિલ્લા પ્રભારી મંત્રી

કોરોનાં મહામારી સામેનો જંગ અધિકારીઓ-પદાધિકારીઓ સૈાએ સાથે મળીને લડવાનો છે. કોરોનાં વોરીયર્સ ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ સૈા માનવીય અભિગમથી કાર્યરત છે. સિવિલ હોસ્પીટલ ખાતે નવા 73 ડોક્ટર્સના ઓર્ડર કરાયા છે. જૂનાગઢ સિવિલમાં દર્દિઓનું 200 જેટલુ વેઇટીંગ રહેતુ જે ઘટીને 90 અને તેનાથી પણ ઓછુ થયુ છે. ઉપરાંત સિવિલમાં ગંભીર સ્થિતીમાં આવતા મહત્તમ દર્દિઓએ રસી લીધી હોતી નથી. મારૂ ગામ કોરોના મૂકત અભિયાન અંતર્ગત જિલ્લાના 491 ગામમાં 7090 બેડની વ્યવસ્થા સાથે સમાજ, વાડી, પ્રાથમીક શાળામાં આઇસોલેશન સેન્ટર કાર્યરત કરવામાં આવી રહયા છે. જેથી ગ્રામ્ય વિસ્તારના દર્દિઓને સ્થાનિકે સુવિધા મળી રહેશે તેમ જિલ્લા પ્રભારી મંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યું હતું.

જૂનાગઢ ખાતે આજે જિલ્લા પ્રભારી મંત્રી જયેશ રાદડીયા અને પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ પ્રથમ કૃષિ યુનિ. ખાતે પદાધિકારીઓ અને ત્યારબાદ કલેકટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ અને ડોક્ટર્સ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં તેમણે અધિકારીઓ-પદાધીકારીઓ પાસેથી જિલ્લાની સ્થિતિની સમિક્ષા કરી કોરોનાને હરાવવા માનવતાનાં કાર્યમાં અધીકારીઓ-પદાધીકારીઓને ખભે ખભા મીલાવી જંગ લડવા જણાવ્યુ હતુ.

ટેસ્ટીંગ કીટ, રેમડેસીવર ઈન્જેક્શન અને દવા તથા ઓક્સીઝન બાબતે પદાધીકારીઓએ રજુઆતો અને સુચનો કર્યા હતા. આ સંદર્ભે મંત્રી જયેશભાઇ રાદડીયાએ કહ્યુ હતુ કે રાજ્ય સરકાર તથા સ્થાનીક સ્તરે શક્ય હશે એ તમામ પ્રયાસો કરાશે. જેથી દવા ટેસ્ટીંગ કીટ અને ઇન્જેક્શન તથા ઓક્સીઝન પુરતા પ્રમાણમાં મળી શકે. તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચો-આગેવાનો તાલુકા જિલ્લા પંચાયતનાં સદસ્યોને  નેતૃત્વ લઇ કોરોનામાં રાખવાની કાળજી રસીકરણ તેમજ મારૂ ગામ કોરોના મુક્ત ગામનાં અભિગમને સાર્થક કરવા અનુરોધ કર્યો હતો.

જૂનાગઢ સિવીલમાં નવા 73 ડોક્ટર્સના ઓર્ડર થયા હોવાનું સિવીલ સર્જન ડો. સુશીલકુમારે જણાવ્યુ હતુ  આ સંદર્ભે મંત્રીએ વેઇટીંગમાં આવનાર તમામ દર્દીઓ માટે ડોમની વ્યવસ્થા કરી સારવાર આપવા  સ્પષ્ટ સુચનાઓ આપી હતી. આ તકે જિલ્લા કલેકટર ડો. સૈારભ પારઘીએ જણાવ્યુ હતુ કે, વેઈટીંગમાં 20 ઓકિસઝન બેડ સાથે 40 બેડની વ્યવસ્થા કરી છે. તે વ્યવસ્થા 100 બેડની થાય તેવા અમારા પ્રયાસો છે. જ્યાં દર્દિને તમામ સારવાર મળી રહેશે. સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય દેવાભાઇ માલમ, મેયર ધિરૂભાઇ ગોહેલ, જિલ્લા સહકારી બેંકનાં મેનેજીંગ ડિરેક્ટર દિનેશભાઇ ખટારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટભાઇ પટેલ, તાલુકા પંચાયતનાં પ્રમુખોડ, જિલ્લા પંચાયતનાં સદસ્યો, અને જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલ બેઠકમાં મંત્રી જયેશભાઇ રાદડીયા અને જવાહરભાઇ ચાવડાએ વધુમાં કહ્યુ કે, દિવસ રાત એક કરીને આપણે લોકોની મૂશ્કેલીનું નિરાકરણ કરવુ છે. અને તેમાં કોઇપણ પ્રકારની કચાશ કે કમી રખાશે નહિં. કોરોના કામગીરીમાં સરકાર આરોગ્ય વિભાગ અને સમગ્ર તંત્ર,  સમાજ સેવી સંસ્થાઓ ખુબ કામ કરે છે. આ સામૂહિક પ્રયાસો થકી આપણે કોરોનાને ચોકકસ હરાવશુ તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

અધિકારઓ સાથે યોજાએલ બેઠકમાં કલેકટર ડો. સૌરભ પારઘી, મ્યુ. કમિશ્નર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી, મ્યુ. કમિશ્નર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ વડા રવી તેજા વાસમશેટૃી, સિવિલ સર્જન ડો. સુશીલ કુમાર, ડો. લાખણોત્રા. ડો. ચેતન મહેતા સહિત વરિષ્ઠ અધીકારઓ ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.