Abtak Media Google News

મહારાષ્ટ્ર સરકારે આપેલા મરાઠા અનામતને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આરક્ષણની સુનાવણી કરનારા 5 ન્યાયાધીશોની બંધારણીય બેંચે કહ્યું છે કે, ‘આરક્ષણની મર્યાદા 50%થી વધુ વધારી શકાતી નથી. આ સાથે 50% મર્યાદાનું ઉલ્લંઘન કરવું એ સમાનતાના અધિકારના ભંગ છે.’ આ સાથે કોર્ટે 1992ના ઇન્દિરા સાહની કેસમાં આપેલા ચૂકાદાની સમીક્ષા કરવાની પણ ના પાડી દીધી છે. આ સાથે, કોર્ટે 2018ના મહારાષ્ટ્ર સરકારના કાયદાને પણ ફગાવી દીધો છે.

Advertisement

2018માં મહારાષ્ટ્ર સરકારે 50% મર્યાદાથી વધુ મરાઠા સમુદાયને નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા લીધેલા નિર્ણય સામે અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. ચુકાદો આપતી વખતે જસ્ટીસ ભૂષણએ કહ્યું કે, ‘તેમને ઇન્દિરા સાહની કેસ પર પુનર્વિચારણા કરવા માટેનું કોઈ કારણ સમજાતું નથી. અને આ સાથે રાજ્ય સરકાર દ્વારા અનામતની 50% મર્યાદા તોડી શકાતી નથી.’

સમાનતાના હકની વિરુદ્ધમાં જઈ 50%ની મર્યાદા તોડી

આ કેસની સુનાવણી કરતી વખતે જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે, ‘મરાઠા આરક્ષણ અધિનિયમ 50% મર્યાદા તોડે છે અને તે સમાનતાના હકની વિરુદ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા દલીલો આપવામાં આવી હતી કે મરાઠા સમુદાય સામાજિક અને આર્થિક રીતે પછાત છે, તે બાબત સમજાવવામાં અને સાબિત કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ છે.’

1992માં ઈન્દિરા સાહની કેસમાં કોર્ટનો નિર્ણય શું હતો

1992 માં, 9 ન્યાયાધીશોની બંધારણીય બેંચે અનામતની મર્યાદા 50% સુધીની નક્કી કરી હતી. આ વર્ષે માર્ચમાં, 5 ન્યાયાધીશોની બંધારણીય બેંચે આ મર્યાદાથી વધુ કેટલાક રાજ્યોમાં કેમ આરક્ષણો આપી શકાય છે તે અંગે સુનાવણી કરવા સંમત થયા હતા. જો કે કોર્ટે હવે ઇન્દિરા સાહની કેસના ચૂકાદાની સમીક્ષા કરવાની ના પાડી દીધી છે. 5 ન્યાયાધીશોની બેંચમાં અશોક ભૂષણ ઉપરાંત ન્યાયાધીશ એલ. નાગેશ્વર રાવ, એસ. અબ્દુલ નઝીર, હેમંત ગુપ્તા અને એસ. રવિન્દ્ર ભટ સામેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.