Abtak Media Google News

મંત્રી કુવરજીભાઇ બાવળીયા અને પૂર્વ ધારાસભ્ય ભરતભાઇ બોઘરા વચ્ચે ચાલતા ગજગ્રાહ વધુ વિવાદ સર્જે તેવી ઘટના જસદણમાં બની છે. ‘ભાઇ-ભાઇ’ વોટસએપ ગૃપમાં ભાજપના અગ્રણીઓ અંગે થયેલી ટીપણી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. વોટસએપ ગૃપમાં સાંસદ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને જિલ્લા ભાજપ મહામંત્રી વિરૂધ્ધ થયેલી ટીપણીના આગામી સમયમાં રાજકીય ઘેરા પ્રત્યાઘાત પડે તેમ સુત્રો જણાવી રહ્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણ તાલુકાના કમળાપુર ગામના વતની અને રાજકોટના નાના મવા રોડ પર આવેલા નહેરૂનગર સોસાયટીમાં રહેતા જિલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઇ ગોવિંદભાઇ રામાણીએ કામળાપુર ગામના હરેશ ધીરૂભાઇ સાકરીયા સામે જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવી બદ ઇરાદે સોશ્યલ મિડીયામાં પોસ્ટ વાયરલ કર બદનામ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.

સાંસદ, ભાજપ પ્રદેશના ઉપાધ્યક્ષ અને જિલ્લા ભાજપ મહામંત્રીના નામ સાથે સોશ્યલ મિડીયામાં અભદ્ર ભાષામાં મેસેજ વાયરલ થતા પોલીસમાં નોંધાયો ગુનો

જસદણ ભાજપ અગ્રણીઓ દ્વારા ‘ભાઇ-ભાઇ’ વોટસએપ ગૃપ બનાવવામાં આવ્યું છે. આ વોટસએપ ગૃપમાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા અને જિલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઇ રામાણી સહિતના અગ્રણીઓ સહિત ભાજપના મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયેલા છ.

‘ભાઇ-ભાઇ વોટસએપ ગૃપમાં મુકેશભાઇ કાણોતરાએ અલગ અલગ ત્રણ મેસેજ વાયરલ કર્યા હતા. જે મેસેજમાં ‘કમળાપુરનો વિકાશ ગાંડો થયો છે, રાજકોટના સાંસદ મોહનભાઇ અને પ્રદેશ ભાજપ અગ્રણી બોઘરા કમળાપુર આવવાના હોય તેને શેરીએ શેરીએ વિકાસ બતાવો અને કમળાપુરને આર્દશ ગામ તરીકે મોહનભાઇએ દત્તક લીધુ હોય તેઓ રાજકીય રોટલા સેકવા પહોચી જાય છે.’, કમળાપુરનો વિકાસ ગાંડો થયો છે, સાંસદ કુંડારીયા અને બોઘરા અંગે અભદ્ર ટીપણી જેવા શબ્દો લખી મનસુખ રામાણી ને કોણે મહામંત્રી બનાવ્યા અને તેઓએ હોદા પરથી રાજીનામું આપી દેવું જોઇએ’, મારે ભાજપ પક્ષ સામે કોઇ વિરોધ નથી પરંતુ ભરત બોઘરા અને મનસુખ રામાણીનો વિરોધ છે. ભરત બોઘરાને કોઇ ઓળખતું ન હતું. તેવા સોશ્યલ મિડીયામાં મેસેજ વાયરલ કરી રાજકીય પ્રતિષ્ઠાને હાની પહોચાડી હોવાનું જણાવી હરેશ ધીરૂ સાકરીયાએ મુકેશ કાણોતરાને મોકલયા હોવાનું અને મુકેશે ભાઇ-ભાઇ ગૃપમાં મેસેજ વાયરલ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે મનસુખભાઇ રામાણીની ફરિયાદ પરથી હરેશ સાકરીયા સામે ગુનો નોંધી પી.આઇ. કે.જે.રાણા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.