Abtak Media Google News

સાબરકાંઠા, હિતેશ રાવલ: રાજ્યના તમામ જિલ્લાઓમાં આજથી રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે. અત્યાર સુધી રાજ્યના 10 જીલ્લામાં શરૂ હતું. પરંતુ હવે રસીકરણ ઝુંબેશનો વ્યાપ વધતાં સાબરકાંઠા જીલ્લામાં પણ આજથી ૧૮ થી ૪૪ વર્ષની વયના માટે રસીકરણનો પ્રારંભ થઈ ગયો છે. જિલ્લાના આઠ તાલુકામાં ૨૦ સેન્ટર પર રસી આપવામાં આવશે.

જિલ્લા આરોગ્ય અધિકારી રાજેશ પટેલના જણાવ્યા અનુસાર જિલ્લાના ૧૩ સેન્ટર પર કોવીશીલ્ડ અને ૭ સેન્ટર પર કોવેક્સીનની રસી આપવામાં આવશે. સિવિલ હોસ્પિટલ, PHC, CHC સહિતના સેન્ટર પર રસીકરણ શરુ થઈ ગયું છે. જેમાથી હિમતનગર તાલુકામાં છ, ઇડર તાલુકામાં ચાર સેન્ટર પર રસીકરણ જ્યારે ખેડબ્રહ્મા, વિજયનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકામાં બે-બે સેન્ટર પર તોપોશીના અને વડાલી તાલુકામાં એક-એક સેન્ટર પર રસીકરણ પ્રક્રિયા હાથ ધરાઈ છે.

કોરોનાની મહમારીમાં રસીકરણ એ જ અક્સીર ઈલાજ છે, રસીકરણ થકી જ કોરોનાની ત્રીજી લહેર સામે બચી શકાય તેમ માનવામાં આવી રહ્યું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણ અભિયાન વધુ તેજ બને તે માટે જિલ્લા સમાહર્તા હિતેષ કોયાએ જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી.

Collectorસાબરકાંઠા જિલ્લાના આદિજાતિ એવા વિજયનગર, પોશીના અને ખેડબ્રહ્મા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના અંગે જનજાગૃતિનો  સંદેશ લોકો સુધી પંહોચે અને લોકો મોટી સંખ્યામાં વેક્સીન લેવા માટે આરોગ્ય કેન્દ્રો પર આવે તે માટે જિલ્લા કલેકટરએ તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ રહ્યા છે.જેના ભાગરૂપે પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામની મુલાકાત લીધી હતી. તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને વેક્સીન ન લેનારા લોકોને વેક્સીન અંગે સાચી સમજ આપવા અને ભ્રામક માન્યતાઓ દૂર કરી સો ટકા વેક્સીનેસન થાય તે દિશામાં કામગીરી કરવા ઉપસ્થિત સ્ટાફ અને પ્રતિનિધિઓને અપીલ કરી હતી.

આ મુલાકાત વેળાએ પ્રાંત અધિકારી સોનલબા પઢેરીયા, મામલતદાર તથા તાલુકા આરોગ્ય અધિકારી અને અન્ય આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કલેકટર હિતેષ કોયાએ પ્રાંતિજ તાલુકાના મજરા, ગલેસરા અને ઓરાણ ગામના સામાન્ય દફતરની ચકાસણી કરી હતી. જયાં ગ્રામજનોને વિવિધ સહાયના દાખલાઓ તથા અન્ય સેવાઓ માટે જિલ્લા-તાલુકા મથકે ન જવુ પડે તેવી વ્યવસ્થા ઉભી કરવા સૂચન કર્યુ હતું. પંચાયતી મુલાકાત દરમિયાન ગામોમાં સરપંચ તથા ગામલોકો સાથે કોવિડ રસીકરણ, વિકાસના કામો તથા અન્ય પ્રશ્નો વિશે ચર્ચા કરી વિસ્તૃત માહિતી મેળવી હતી. જેમાં પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને મેડિકલ ઓફિસર હાજર રહયા હતા.

કઇ રીતે રજીસ્ટ્રેશન કરશો

https://selfregistration.cowin.gov.in

(૧) આ લિંક ઓપન કરી રજિસ્ટ્રેશન પોટૅલ પર જઈ રજિસ્ટ્રેશન નો વિકલ્પ પસંદ કરો.

(૨) તમારો મોબાઈલ નંબર આપીને ગેટ OTP પર ક્લિક કરો.

(૩) તમારા મોબાઈલ નંબર પર OTP આવશે, જે 180 સેકન્ડમાં સબમિટ કરવાનો રહેશે.

(૪) OTP સબમિટ કરતા જ નવું પેજ ખુલશે, જેમાં તમારી વિગતો ભરવાની રહેશે.

(પ) ફોટો આઇડી માટે આધાર ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન પાસબુક, એનપીઆર સ્માર્ટ કાર્ડ કે વોટર આઇડી પણ માન્ય રહેશે.

(૬)  તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી આઇડી નંબર આપો.

(૭) નામ, જાતિ, જન્મ તારીખ જણાવવાની રહેશે.

(૮) ત્યારબાદ નજીકનું કોવિડ વેક્સિનેશન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ મળશે.

(૯) સેન્ટર સિલેક્ટ કર્યા બાદ તમને અનુકૂળ સમય નો સ્લોટ પસંદ કરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.