Abtak Media Google News

કહેવાય છે કે, બાળકનો ઉછેર અને માવજત એક મા જ સારી રીતે કરી શકે. અને આજ મા પોતાના બાળકની જેમ કુમળા રોપાઓનો પણ એજ રીતે ઉછેર કરે ત્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી શકે છે.

રાજકોટ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ હેઠળ 16 મહિલા નર્સરી હાલ કાર્યરત છે. આ મહિલા નર્સરી દ્વારા વર્ષ 2021-22 હેઠળ અંદાજિત 2.25 લાખ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે.મહિલા નર્સરી દ્વારા ઉછેર કરાતા રોપાઓનું તેઓ સરકારી ધોરણે વેચાણ કરે છે. તેમજ નર્સરીમાં ઉછેરાયેલા રોપા દીઠ તેમને બે રૂપિયા જેટલું મહેનતાણું પણ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે, તેમ મુંજકા નર્સરી સાથે સંકળાયેલા ભારતીબેન વાળા જણાવે છે.

સામાજિક અને આર્થિક રીતે પછાત મહિલાઓ કે જે નર્સરી ચલાવવા ઇચ્છુક હોઈ તેમજ નિયમોનુસાર ઉછેર કરી શકવા માટે સક્ષમ હોઈ તેઓને નર્સરી ફાળવી રોપા ઉછેરનો લક્ષ્યાંક આપવામાં આવે છે. રોપાઓ તૈયાર થયા બાદ તેઓને ત્રણ હપ્તામાં રકમનું ચૂકવણું કરવામાં આવે છે, તેમ મુંજકા રેન્જ ફોરેસ્ટ ઓફિસર જણાવે છે.

મુંજકા સ્થિત મહિલા નર્સરી ચલાવતા અમિતાબેન બિપીનભાઈ સોલંકી છેલ્લા ચાર વર્ષથી મહિલા નર્સરીનો લાભ લે છે. તેઓ વન વિભાગનો આભાર માનતા જણાવે છે કે, અમે આ વર્ષે 25 હજાર રોપાઓનો ઉછેર કર્યો છે. જેમાં, તુલસી, પોપૈયા, કરણ, બોગન વેલ, કડવી મેંદી, કોનોકાર્પ્સ સહિતના રોપાઓ તૈયાર કર્યા છે. જે અમે બે રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધીની કિંમતે વેચાણ કરીએ છીએ. આ કામથી અમારા પરિવારના સભ્યોને ગમતું કામ મળી રહે છે અને અમારા પરિવારનું ગુજરાન ચલાવવામાં આ નર્સરી મદદરૂપ બને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.