Abtak Media Google News

અબતક, રાજકોટ

રણભૂમિ તરીકે દેશભરમાં જાણીતા રાજસ્થાનના બારન જિલ્લાના ખોબા જેવડા ગામ કુંજેરના ગામવાસીઓએ પોતાની વેરાન વસુંધરાને જાત મહેનતથી હરીયાળીથી હરીભરી બનાવીને એક ક્રાંતિ સર્જી છે. આ ગામના વસવાટીઓના શ્રમયજ્ઞની દિલચશ્પ દાસ્તાન તા.5મી મે-ના વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી પ્રસંગે વાગોળવા જેવી છે.

ચાલુ વર્ષે પર્યાવરણ દિવસની ઉજવણીનો થિમ ‘લીવીંગ સસ્ટેનેબ્લીટીઇન હારમોની વીથ નેચર’ સંદર્ભને સાર્થક કરતા કુજેર ગામની થોડા વર્ષોમાં કાયાપલટ થઇ છે. વરસો વરસ ટકી શકે તેવા ઉપજાવ વૃક્ષો વાવીને સ્થિતિ સ્થાપક્તાનો જીવંત દાખલો બનીને આ ગામ ઉભર્યું છે.

ભારતના સૌથી શુષ્ક રાજસ્થાન રાજ્યમાં પચાસ હેક્ટરની ઉજ્જડ જમીનની જગ્યાએ આજે રણમાં મૃગજળની જેમ લીલીછમ ધરતીનો પટ આંખોને ઠંડક આપી રહ્યો છે. રણભૂમિનું આ પરિવર્તન કરવા માટે ગ્રામવાસીઓ માત્ર જળવાયુ પરિવર્તન સામે જજુમ્યા જ નથી પરંતુ આ સ્થળમાં જાન રોપવા માટે સામૂહિક રીતે સખત મહેનત કરી હતી,પરિણામે આજે તે એક પ્રખ્યાત જૈવિક વિવિધતાથી ભરપૂર પાર્ક બન્યો છે.

અહીંના બગીચામાં નારંગી, જામફળ, પપૈયા, રૂદ્રાક્ષ, આમલી, રોઝવુડ, ઓલિવ, આલુ, અંજીર, લીમડો, વાંસ, બાબુલ, અર્જુન, ચૂનો સહિતના 20,000 થી વધુ વૃક્ષો સોળે કળાએ  ખીલ્યા છે, જેણે  આ બગીચાને નયનરમ્ય સુંદરતા અને ખૂશ્બુથી ઠાસોઠાસ ભરી દીધો છે.  નીલમણિ જેવી ચાદર સાથેે આ સ્થળ  વાયુ પ્રદૂષણ ઘટાડવા ઉપરાંત ભૂગર્ભ જળને રિચાર્જ કરવા તથા આત્યંતિક હવામાનની સ્થિતિઓ અને જળવાયુ પરિવર્તનનની વિપરીત અસરોને ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.માનવસર્જિત આવનમાં ઝાડીઓ અને વૃક્ષોમાં ઔષધીય મૂલ્યના ઘણા છોડ છે.

ગાઢ જંગલના આવરણની વચ્ચે વનસ્પતિ અને પ્રાણીઓની દુનિયાની વધુ અસામાન્ય જાતો બગીચાના મુલાકાતીઓને અતિ ચપળ ખિસકોલીઓ, વાંનર સેનાઓ અને કળા કરતા મોરના મનપસંદ  સ્થળોએ પણ લઇ જવામાં આવે છે. સમૃદ્ધ પ્રકૃતિ માટે વિવિધતાથી સભર એક  જૈવિક પાર્ક બની રહેવા સાથે એક સામાન્ય બાગની ભૂમિકા પણ અદા કરે છે જેમાં ઓપન એર જિમ, વોકિંગ ટ્રેઇલ્સ અને કાફેનો સમાવેશ થાય છે. આ બાગ લોકો માટે હળવા મળવાનું, સામાજિક મેળાવડા યોજવાનું તેમજ પ્રકૃતિ સાથે ભાઇબંધી કરવાના અર્થને સમજવા અને શીખવાનું સ્થળ બની ગયો છેકુંજેર ગામની મહિલાઓએ બાગના વિકાસમાં વિશેષ ભૂમિકા ભજવી છે. મહિલાઓએ બીજ વાવ્યા, ખાઈની દીવાલો અને જળાશયોનું નિર્માણ કરીને જંગલને મંગલમાં ફેરવવાનો ઉમદા પરિશ્રમ કર્યો છે.અદાણી ફાઉન્ડેશન દ્વારા સમર્થિત આ બાયોડાયવર્સિટી પાર્કમાં રાજ્ય સરકારની પહેલ અને ગ્રામજનોના અવિરત પ્રયાસોનું સહીયારું અદભૂત પ્રદર્શન જોવા મળે છે. કુંજેર ગામ એક ઉદાહરણ તરીકે લોકનજરે ઊભું છે. આપણી પાસે માત્ર એક જ પૃથ્વી છે અને સામુહિક પ્રયાસોથી આવનારી પેઢીઓ માટે આપણે તેને રહેવા યોગ્ય અને ટકાઉ બનાવી શકીએ છીએ તે સનાતન વાસ્તવિકતાને સ્વીકારીને આગળ વધીએ તે જ આજના પર્યાવરણ દિવસની ઉજવણીનો સંદેશ કે અપીલ હોય શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.