Abtak Media Google News

રાષ્ટ્રની સુચારૂ શાસન વ્યવસ્થા અને વિકાસ માટેના પાયાના પરિબળ તરીકે ટેક્સ અનિવાર્ય સ્ત્રોત ગણાય છે. ટેક્સની આવક જેટલી વધુ અને વિશ્ર્વસનીય હોય તેવો વિકાસ થાય. ભારત જેવા વિશ્ર્વના ટોચના લોકતાંત્રીક દેશ માટે પ્રમાણીત ટેક્સ વ્યવસ્થા અનિવાર્ય હોય છે ત્યારે દેશના વિકાસના હવનમાં હાડકા જેવા ટેક્સ હેવનની સમસ્યાને જેટલી વધુ નિયંત્રીત કરવામાં આવે તેટલી સુચારૂ અર્થ વ્યવસ્થા ઉભી થઈ શકે તેમાં બે મત નથી. વિશ્ર્વના 10 ટેક્સ હેવન દેશોમાં બ્રિટીશ, આઈલેન્ડ, સાયમન્ડ, બર્મુડા, નેધરલેન્ડ, સ્વીત્ઝરલેન્ડ, લગ્ઝમબર્ગ, હોંગકોંગ, જર્સી, સીંગાપુર અને યુનાઈટેડ આરબ અમીરાત જેવા ટેક્સ હેવન દેશોનો સમગ્ર વિશ્ર્વના કરચોર અને પોતાના દેશમાં ભ્રષ્ટાચાર કરીને ઉભા કરેલા કાળા નાણાના વિનીમય તરીકે ટેક્સ હેવન દેશોનો દૂરઉપયોગ કરે છે.

કરચોર તત્ત્વો દ્વારા ઉભા કરવામાં આવતી કાળી સંપતિ છેવટ દેશના વિકાસ માટે બોજરૂપ બની જાય છે. મની લોન્ડ્રીંગ, કરચોરી અને જરૂરી ટેક્સ છુપાવીને ઉભા કરવામાં આવતા નાણાને હવાલા અને ઈ-લીગલી ટ્રાન્જેકશન દ્વારા વિશ્ર્વના ટેક્સ હેવન દેશોમાંથી પાછલા બારણે ભારતમાં લાવીને બોઝરૂપ બનતા આવા તત્ત્વોને નાથવા માત્રથી જ જીડીપીથી લઈને દેશના અર્થતંત્રને પુરકબળ મળી શકે, ટેક્સમાં છટકબારી, મની લોન્ડ્રીંગ અને ટેક્સ ચોરીના 70,000 કરોડ રૂપિયાનું દેશને વાર્ષિક નુકશાન જાય છે. વિદેશમાં પડેલા ભારતીય રૂપિયાને પરત લાવવામાં આવે તો પણ અર્થતંત્રની ગાડી પુરપાટ ઝડપે દોડી શકે. કરચોરીથી જીડીપીને 41 ટકાનું નુકશાન જાય છે અને પ્રત્યેક વ્યક્તિને ભાગે પણ મોટુ નુકશાન આવે છે ત્યારે કરચોરીની સામાજીક ક્ષેત્રે પણ મોટી અસર થાય છે.

ટેક્સ હેવન જેવી નકારાત્મક વ્યવસ્થા અને કરચોર તત્ત્વોને આશ્રય આપતી પ્રણાલી ખરા અર્થમાં દેશના વિકાસના હવનમાં હાડકા નાખનારી બને છે. આપણા દેશમાં સુચારૂ કર વ્યવસ્થામાં દરેક વર્ગને પરવડે તેવા કરની હિમાયત કરવામાં આવી છે. કર માળખાની પાયાથી લઈ ટોચ સુધીની સમીક્ષા કરવામાં આવે તો સૌથી ઓછા કરમાં ખેડૂત ખાતેદાર પાસેથી વસુલવામાં આવતી ખેતીની જમીનની વિઘોટીને સૌથી ઓછા કર તરીકે અને સૌથી વધુ કરની ટકાવારીમાં 10 કરોડ ઉપરની સંપતિ અને આવક ધરાવતા માલેતુજારને 40 ટકા જેટલું સુપર રિચ ટેક્સ ભરવાની જોગવાઈ કરવામાં આવી છે.

 

ભારતની કર વ્યવસ્થામાં સમાજના છેવાડાના વર્ગથી લઈને મધ્યમ વર્ગ, લઘુ, મધ્યમ, નાના ઉદ્યોગથી સર્વિસ પ્રોવાઈડર સેકટર, કોર્પોરેટ જગત અને ધનકુબેરોની આવકના સ્ત્રોત અને તેની રકમ મુજબના વ્યાજબી પરવડે તેવા ટેક્સની અપેક્ષા રાખવામાં આવે છે. જે દેશમાં નાગરિકો દ્વારા ટેક્સ ભરવામાં જેટલી વિશ્ર્વસનીયતા અને દેશદાઝનું પ્રમાણ રાખવામાં આવે તેટલું અર્થતંત્ર અને એકંદરે દેશની નાગરિક સુવિધાની વ્યવસ્થા અને સંચાલનનું માળખુ સુદ્રઢ બને તે સ્વાભાવિક છે. કર ભરવું એ નાગરિકો માટે બોઝનો વિષય ન બનવો પડે પરંતુ કર એ મળતી સુવિધાનું ઋણ ચૂકવવાની તક ગણીને તેમાં વિશ્ર્વસનીયતા હોવી જોઈએ. ટેક્સ હેવન જેવી પદ્ધતિ રાષ્ટ્રના વિકાસ માટે બાધક બની રહે છે. કર ચોરી જેમ ઓછી થાય તેવી વ્યવસ્થા તંદુરસ્ત લોકતંત્ર અને સંતુલીત વ્યવસ્થા માટે અનિવાર્ય છે તેવું દરેકે સમજવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.