Abtak Media Google News

ઓક્સિજન ખૂબ જરૂરી છે. પર્યાવરણની સાચી કિંમત આપણને કોરોના કાળમાં સમજાઇ ગઇ, પર્યાવરણ એટલે શું, પર્યાવરણને લગતી વાતો વૃક્ષોને લગતી વાતો આજે અબતક લઇને આવ્યું છે પર્યાવરણ વિદ્, પર્યાવરણ ઋષિ એવા ભૂતપૂર્વ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા નવરંગ નેચર ક્લબના પ્રમુખ વી.ડી. બાલા સાથે કેટલીક માહિતી સભર વાતો અને જાણકારી…

માત્ર વૃક્ષો અને વનસ્પતિ જ પર્યાવરણનો હિસ્સો નથી, બલકે કીડીથી માંડીને હાથી સુધી પ્રત્યેક પર્યાવરણનો ભાગ છે

વર્તમાન સમયમાં પર્યાવરણની મોટી ચિંતા એસી, વાહનો, કાચના મકાનો, પ્લાસ્ટીકના ઉપયોગનો અતિરેક છે. દરેક વ્યક્તિ જો નાનકડો સંકલ્પ કરીને પોતાનું યથાશક્તિ યોગદાન આપે તો પણ પર્યાવરણની જાળવણી થાય

પ્રશ્ન : વાસ્તવમાં પર્યાવરણ એટલે શું ? માત્ર વૃક્ષો ?
જવાબ : લોકો મોટાભાગે પર્યાવરણ એટલે વૃક્ષો જ સમજે છે, આમ તો પર્યાવરણના અક્ષર માત્ર પાંચ જ છે પણ ખરેખર એ બહુ મોટો શબ્દ છે. પર્યાવરણ એટલે આપણી આસપાસ રહેલું નિર્જીવ-સજીવ બધું જ પર્યાવરણમાં આવે. તેમાં કીડી પણ આવી જાય, હાથી પણ આવી જાય, ભગવાને જે પોષણ કડીઓ બનાવી છે એ દરેક જીવંત રહે તેને શ્રેષ્ઠ પર્યાવરણ કહેવાય.

પ્રશ્ન : પર્યાવરણની જાળવણીમાં વૃક્ષની ભૂમિકા શું ?
જવાબ : વૃક્ષોની ભૂમિકા સૌથી અગત્યની છે. વૃક્ષ એક એવું સજીવ છે જે ધરતીમાંની સાથે સીધુ જ જોડાયેલું છે. જે આપણને પ્રાણવાયુ આપે છે. ખરેખર વૃક્ષો અને વનસ્પતિઓ જ શંકર ભગવાન છે જે કાર્બનડાયોક્સાઇડરૂપી ઝેર પીને ઓક્સિજનરૂપી અમૃત આપણને આપે છે. આ તેનો પ્રથમ રોલ બીજો રોલ વૃક્ષોનો એ છે કે તે વાતારણમાં ઠંડક રાખે છે. વરસાદ ખેંચે છે તથા વરસાદના પાણીને ધરતીમાં વૃક્ષ તેના મૂળ વાટે ઉતારવાનું પણ અગત્યનું કામ કરે છે. બીજુ કે કુદરતે સરસ કામ કર્યું છે કે મકોડાને ઝાડની પાસે જ દર કરવાનું કામ શીખવ્યું છે, જેથી વરસાદ થાય ત્યારે મકોડાના દર વાટે વૃક્ષના મૂળીયામાં સીધુ જ પાણી જમીનમાં ઉતરી જાય, એક સંશોધન મુજબ વીસ વર્ષનું એક વૃક્ષ વરસાદની સારી સિઝન દરમ્યાન 50 મણ પાણી ધરતીમાં ઉતારે, એ સિવાય પક્ષીઓનો આશરો પણ વૃક્ષ જ બને છે અને વૃક્ષો નજીક પક્ષીઓના ચરક કરવાથી પણ વૃક્ષોનો વિસ્તાર થાય છે.

પ્રશ્ન : વૃક્ષો ઉગાડવાની અન્ય પધ્ધતિઓ કઇ-કઇ છે ?
જવાબ : કુદરતે સરસ ગોઠવણી કરી છે. કે ‘કીડીને કણ અને હાથીને મણ’ કુદરતની સિસ્ટમમાં આપણે ખલેલ ન કરીએ તો કુદરતે બધી જ વ્યવસ્થા કરી જ છે પણ આપણે એ વ્યવસ્થામાં ખલેલ પાડી, જેથી સમસ્યાઓ ઉભી થઇ છે. કુદરતની વ્યવસ્થા એ છે કે પહેલા તો વૃક્ષોમાંથી ખરે તેમાંથી અન્ય વૃક્ષ ઉગી નીકળે આ એક રીત છે, સાચવી રાખેલા બી જેવા કે જાંબુ, રાવણા, જે ચોમાસાની સિઝનમાં પાકતા ફળોના બીની સંગ્રહશક્તિ ઓછી પણ શિયાળામાં સંગ્રહ કરી શકાય તેવા બી કઠોર હોય તેનો સંગ્રહ કરી શકાય અને પછી વાવી શકાય. પક્ષીઓ દ્વારા, પાણી દ્વારા, અમુક બી ભગવાને એવા બનાવ્યા છે તે પવન સાથે ઉડીને દૂર જાય અને ઉગે એ રીતે કુદરતની રચના કરવામાં આવી છે. આપણી જમીનના 33 ટકા વિસ્તારમાં જો વૃક્ષો હોય તો આપણે શાંતિથી જીવન જીવી શકીએ.

પ્રશ્ન : પર્યાવરણ નીતી અનુસાર વસ્તીના પ્રમાણમાં કેટલા વૃક્ષો હોવા જોઇએ ?
જવાબ : ધરતીના પ્રમાણમાં 33 ટકા વિસ્તારમાં જંગલો વૃક્ષો હોવા જોઇએ. ગુજરાતમાં દસ ટકા છે. 23 ટકાની હજુ ઘટ્ટ છે. 23 ટકાને પહોંચવા સરકાર લોકોને જાગૃત કરે લોકો જાગૃત થાય તો પર્યાવરણ જાગૃતિ આવે જે ખરેખર જરૂરી છે.

પ્રશ્ન : વૃક્ષો વાવવાની અન્ય એક પધ્ધતિ કે જેમાં બાળકોને શીખવવામાં આવે કે તમે જ્યાં ફરવા જાવ ત્યાં આ બી નાખી દેજો તો શું આ પધ્ધતિથી ખરેખર વૃક્ષો ઉગશે ?
જવાબ : આવા અનેક પ્રયોગો થયા પણ આ પધ્ધતિથી ખરેખર વૃક્ષો ઉગતા નથી. બીજને વાવવા માટે બીજને ફેંકીને વાવવાની પધ્ધતિ ખોટી છે. કારણ કે બીજને વાવતા પહેલા તેને ચોવીસ કલાક અગાઉ ટ્રીટમેન્ટ આપવી પડે છે. ગરમ પાણીમાં બી ને ચોવીસ કલાક રાખી દેવું પડે કારણ કે ઉપરનું પડ કઠણ હોય છે.
અન્ય એક નિયમમાં વાવતા પહેલા માટી કેટલી નાંખી છે કારણ કે આ ક્યાંય લખેલું નથી બીજની જાડાઇ જેટલી તેના પર માટી હોવી જોઇએ, એ સિવાય ખાડો કરીને છાણિયું ખાતર ભરીને વરસાદ પહેલા બીજ મૂકી દઇએ, એ રીતે પણ વાવી શકાય છે. બીજને ફેંકીને વાવવાની ઝુંબેશ નિરર્થક છે એ જ પ્રમાણે પાણી પણ માપમાં પીવડાવીને વૃક્ષોનો ઉછેર કરવો જોઇએ. બીજથી ઝાડ વાવવાની પ્રક્રિયા જ યોગ્ય છે.

પ્રશ્ન : ક્યાં વિસ્તારમાં કેવા વૃક્ષો વાવી શકાય ? અથવા તો વૃક્ષો વાવતી વખતે જમીનનો પ્રકાર કેવો હોવો જોઇએ ?
જવાબ : જમીનના પ્રકાર મુજબ વૃક્ષો વાવવા જોઇએ કાળી ચીકણી જમીનમાં દેશી બાવળ જ્યાં ઝાડ વાવ્યા છે. ત્યાં ફરી વાવવા હોય તો વાવેલા ઝાડનું પહેલા અવલોકન કરો, જેથી ખ્યાલ આવે કે એ જમીનને આ જ ઝાડ માફક આવશે. ગોરાળુ જમીન સૌથી શ્રેષ્ઠ જેમાં દરેક પ્રકારના વૃક્ષે કરંજ, અર્જુન સાગર, લીમડો, ખારી જમીનમાં પીલુડી, ગાંડો બાવળ જેવા વૃક્ષો રણને આગળ વધતુ અટકાવે છે તેથી તેની પણ જરૂર છે. ગાંડા બાવળના ખરેલા પાંદડા જમીનને મીઠી કરે છે. જમીનના પ્રમાણમાં ઝાડ વાવો, ઝાડની સાઇઝ જેવી નિયમિત પાણી પાવુ વગેરે ધ્યાન રાખવું જરૂરી છે. પીપળો વૃક્ષનો રાજા છે. જેને રોજ પાણી પાવુ જરૂરી છે. વિશ્ર્વ પર્યાવરણ દિનની ઉજવણી ખરેખર ત્રણ ચાર દિવસનું જ કામ નથી, જે વૃક્ષો વાવવામાં આવે તેનો ઉછેર અને માવજત પણ જરૂરી છે. જે નિયમિત થવી જોઇએ.

પ્રશ્ન : જમીન પ્રમાણે વૃક્ષો વાવીએ તો ગામડા અને શહેરનું વિભાજન થઇ શકે કે ગામડામાં આ પ્રકારના વૃક્ષો વાવવા અને શહેરોમાં આ પ્રકારના વૃક્ષો વાવવા જોઇએ ?
જવાબ : સમજણ પ્રમાણે વૃક્ષો વાવવા જોઇએ ધારો કે શહેરમાં મધ્યમ કદના વૃક્ષો વાવવા જોઇએ. જેને ફળીયુ નથી તેઓ અગાશીમાં ફુલછોડ વાવી શકે છે. ફ્લેટમાં રહેતા લોકો વર્ટીકલ ગાર્ડનમાં નાના કુંડા મૂકીને પણ પર્યાવરણ બચાવવામાં ભાગ ભજવી શકે છે. સાવ જગ્યા જ ન હોય તે સ્થાને દોરીમાં કુંડુ બાંધીને પણ વાવીને પણ પર્યાવરણ બચાવવામાં સહયોગ આપી શકે છે. તેવી જ રીતે ગામડાઓમાં મોટી જગ્યા હોય છે.
ત્યાં મોટા વૃક્ષો વાવવા જોઇએ જેમકે રાણ જેનું આયુષ્ય 700 વર્ષ હોય છે. ગામડામાં દેશી કુળના મોટુ આયુષ્ય ધરાવતા વૃક્ષો વાવવા જોઇએ 10 ટકા ફાસ્ટ ગ્રોઇંગ વૃક્ષો વાવવા જોઇએ. જો 90 ટકા ફાસ્ટ ગ્રોઇંગ વૃક્ષો વવાશે તેના બાદમાં પ્રશ્નો સર્જાય છે. 50 વર્ષનું આયુષ્ય ધરાવતું વૃક્ષો વાળ્યા હોય આવા વૃક્ષો જો એક સાથે મરી જાય પછી શું કરવું ? થોડા ઝાડ મધ્યમ, થોડ મોટા, થોડા ઉંચા એમ સમજી વિચારીને વૃક્ષો વાવવા જોઇએ, ગામડની વાડીમાં શેઢે એવા વૃક્ષો વાવવા જોઇએ. જેમાં કાંટાની વાટ થઇ જાય જે જીવંત વાડ થોર, ગોરસ આમલી, કરમદા વગેરે તેવી જ રીતે પર્યાવરણ બચાવવા પાણીની કરકસર પણ જરૂરી છે. પાણીનો પણ રીયુઝ કરી શકાય એ પણ પર્યાવરણ છે. આ ઝુંબેશ પણ જરૂરી છે.

પ્રશ્ન : ફળાઉ વૃક્ષોનો ટ્રેન્ડ છે, તો એ ક્યાં પ્રકારના હોય છે ?
જવાબ : પહેલા ફળાઉ વૃક્ષો ઓછા હતા દાડમ, ડ્રેગન વગેરે 20/25 ટકા ફળાઉ વૃક્ષો વાવવા જોઇએ. દરરોજ સિઝન પ્રમાણે ફળ ખાવું જરૂરી છે તેથી ફળાઉ વૃક્ષો વાવવા જરૂરી છે. ખેતરમાં પણ એક-એક ફળાઉ વૃક્ષો વાવા જોઇએ ત્રણેય સિઝન મુજબ ફળાઉ વૃક્ષો વાવવા જોઇએ.

પ્રશ્ન : ગુજરાત-સૌરાષ્ટ્રની ધરતીને ક્યાં પ્રકારના ફળાઉ વૃક્ષો અનુકૂળ છે ?
જવાબ : ચીકુ દરેક જમીનમાં અનુકૂળ છે, એ સિવાય આંબો, ફળાઉ વૃક્ષોને તાસ વાવી જમીન માફક નથી આવતી પશ્ર્ચિમ દિશામાં વવાયેલા વૃક્ષોની જાળવણી કરવી જોઇએ ચીકુ, આંબો, દાડમ, જામફળ, સિંગાપુરી ચેરી, આમલી, ગોરસ આમલી, અનુકૂળ છે. આની ખેતી પણ કરવી જોઇએ.

પ્રશ્ન : વૃક્ષોનું જ્ઞાન નથી એ માટે શું કરવું રોપ લાવવો તો કેવડો લાવવો ?
જવાબ : ઝાડ કેવડુ વાવવુ છે તેના પર છે. આમ તો બી થી જ વાવવું જોઇએ તેમ છતાં પોલીથીન બેઝના સોટી મૂળ બહાર ન નીકળે તે પહેલા અડધા ફૂટનો રોપો વાવી દેવો જોઇએ, પ્રાથમિક શાળાના બાળકો ઝાડ વાવે તો ખરેખર બે જગ્યાએ એ વૃક્ષ વવાશે. એક ધરતીમાં ને બીજો મનમાં.

પ્રશ્ન : બાળકોને પર્યાવરણના પાઠ ક્યારથી શીખવવા જોઇએ ?
જવાબ : વગડો એમાં બહુ મોટી તાકાત છે. એ મોટી નિશાળ છે. બાળકોને પર્યાવરણનો પાઠ શીખવવો હોય તો વધુમાં વધુ વનમાં, સીમમાં, જંગલમાં લઇ જવા જોઇએ બાળકોને પર્યાવરણ તરફ વાળવા માટે વગડા તરફ જ વાળવા જોઇએ. બાળક તડકામાં રેશે તો તેને પર્યાવરણની કિંમત થશે. પર્યાવરણની હાલ મોટી ચિંતા એ છે કે અત્યારે એસી અને કાચના મકાનો વધતા જાય છે. જે જોખમી છે કાચ સૂર્યની ગરમીને વધારે ગ્રહણ કરે છે. એસી બહારના વાતાવરણની ઠંડક લઇને ઘરમાં લાવે તો બહારના અન્ય જીવોનું શું ? પર્યાવરણ એ પણ છે કે એસીનો શક્ય એટલો ઓછો ઉપયોગ તથા વાહનોનો પણ શક્ય એટલો ઓછો ઉપયોગ.

પ્રશ્ન : લોકોને પર્યાવરણ માટે શું સંદેશ આપશો?
જવાબ : ધરતી માં છે બધા જીવો પર્યાવરણ છે હાલ માં ને તાવ આવી ગયો છે. માં ને તાવ તો જેમ ઘરનું તંત્ર ખોરવાય જાય તેમ હાલ ધરતી માં ને તાવ આવ્યો છે તો આપણે સાથે મળીને તેને ઉતારવા કપડાની થેલી વાપરવી, પ્લાસ્ટીકનો ઓછો ઉપયોગ કરવો. પર્યાવરણને સાચવવા દરેક લોકો થોડો થોડો પ્રયત્ન કરે પાણી બચાવો, પ્લાસ્ટીકનો, એસીનો, વાહનનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરે એ જરૂરી છે તો તેનો સંકલ્પ કરીએ આપણા દ્વારા કરવામાં આવેલો થોડો પ્રયત્ન આવતી પેઢીને કામ આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.