Abtak Media Google News

કેન્દ્ર સરકારના લાઈટ હાઉસ પ્રોજેકટ અંતર્ગત કોર્પોરેશન દ્વારા રૈયા સ્માર્ટ સિટી એરીયામાં 118 કરોડના ખર્ચે 1144 આવાસ બનાવવામાં આવી રહ્યાં છે. જેનું ખાતમુહૂર્ત ગત 1લી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું. દરમિયાન આવતીકાલે સવારે 11 કલાકે પીએમ દ્વારા આ લાઈટ હાઉસ પ્રોજેકટનું ડ્રોન કેમેરા દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. રાજકોટને ડ્રોન નિરીક્ષણ માટે વડાપ્રધાન દ્વારા દોઢ મિનિટનો સમય ફાળવવામાં આવ્યો હોવાના જાણવા મળી રહ્યું છે.

કોર્પોરેશન દ્વારા આ પ્રોજેકટ અંતર્ગત રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યાં છે 1144 આવાસ: વડાપ્રધાને ડ્રોન નિરીક્ષણ માટે રાજકોટને ફાળવી છે દોઢ મિનિટ

2022 સુધીમાં ઘરવિહોણા લોકોને ઘરનું ઘર મળી રહે તેવા શુભ આશય સાથે કેન્દ્ર સરકાર દ્વારા આવાસ નિર્માણને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ગ્લોબલ હાઉસીંગ ટેકનોલોજી અંતર્ગત દેશના કુલ 6 શહેરોમાં અલગ અલગ ટેકનોલોજી થકી આવાસો બનાવવામાં આવી રહ્યાં છે. રાજકોટમાં પણ લાઈટ હાઉસ પ્રોજેકટ અંતર્ગત રૈયા વિસ્તારમાં 1144 આવાસો બની રહ્યાં છે. જેનું કામ હાલ ખુબજ જોરશોરથી ચાલી રહ્યું છે.

અગાઉ વડાપ્રધાન દ્વારા 25મી જુનના રોજ આ પ્રોજેકટનું ડ્રોન નિરીક્ષણ કરવામાં આવનાર હતું પરંતુ વ્યસ્તતાના કારણે કાર્યક્રમ છેલ્લી ઘડીએ કેન્સલ થયો હતો. હવે આવતીકાલે સવારે 11 વાગ્યે વડાપ્રધાન દોઢ મિનિટ સુધી આ પ્રોજેકટનું નિરીક્ષણ કરી જરૂરી સુચનાઓ આપશે.અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશન દ્વારા ગ્લોબલ હાઉસીંગ ટેકનોલોજી ચેલેન્જ લાઈટ હાઉસ પ્રોજેકટ યોજના હેઠળ મોનોલીથીક પ્રકારનું બાંધકામ ટનલ કોમ વર્ક ટેકનોલોજીના આધારે કરવામાં આવી રહ્યું છેે.

જેમાં લાભાર્થીને માત્ર 3.40 લાખની કિંમતમાં 40 ચો.મી.નું ક્ષેત્રફળ ધરાવતું આવાસ ફર્નીચર સાથે આપવામાં આવશે. સામાન્ય રીતે કોઈપણ આવાસ યોજના પ્રોજેકટ પૂર્ણ થતાં 3 વર્ષથી વધુનો સમય લાગતો હોય છે. પરંતુ હવે આ યોજના થકી માત્ર 1 વર્ષમાં 1144 આવાસ બની જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.