Abtak Media Google News

સમગ્ર ગુજરાતમાં સુરત હીરા ઉધોગ માટે મશહૂર છે. ત્યારે સુરતને ડાયમંડ બુર્સની વધુ એક ભેટ મળવા જઈ રહી છે જેનું કામ પૂર્ણતાના આરે પહોંચી ગયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતના ખજોદ ખાતે આકાર લઈ રહેલા રાજ્યના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘સુરત ડાયમંડ બુર્સ’ની મુલાકાત નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ સાથે લીધી હતી. મુખ્યમંત્રીએ અહીં બુર્સની કોર કમિટીના સભ્યો-હોદ્દેદારો, ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ અને હીરા વ્યવસાયીઓ સાથે બેઠક યોજી આ પ્રોજેક્ટની પ્રગતિની વિગતો મેળવી હતી અને  ‘સુરત ડાયમંડ બુર્સ’ સંબંધિત પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું.

બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સૌથી મોટો સોલાર રિન્યુએબલ એનર્જી પાર્ક, સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ જેવા અનેક આયામોથી ગુજરાતની  આગવી ઓળખ બની છે, એ જ રીતે હવે સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે. અહિયાં દેશવિદેશના ડાયમંડ વેપારીઓને વિશ્વ કક્ષાનું એક નવું વ્યાપાર કેન્દ્ર મળશે. જેનો સીધો લાભ રાજ્ય અને દેશના અર્થતંત્રને થવાની સાથે હજારો લોકોને રોજગારીના અવસરો પણ  મળશે.

Bfc779B7 E6F6 42D9 Abfa 6Dc432890091

સુરતના ડાયમંડ ઉદ્યોગના વિકાસમાં કોઈ અડચણ ન આવે તે માટે રાજય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન થકી ઉદ્યોગ મૈત્રીપૂર્ણ અભિગમથી હંમેશા હકારાત્મક વલણ ધરાવે છે. ડાયમંડ બુર્સના નિર્માણ બાદ સુરતમાં હીરાનું મોટા પાયે ખરીદવેચાણ થશે. અને દેશવિદેશમાં સુરતનું નામ ડાયમંડ ટ્રેડિંગમાં ઉચ્ચ શિખરે પહોંચશે એમ જણાવી સુરતના ડાયમંડ બુર્સ પ્રગતિના શિખરો સર કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્ય સરકાર આ માટે હરહંમેશ મદદરૂપ થશે એવી ખાતરી ઉચ્ચારી હતી.

251C0D96 7954 41Ce A2F6 8Cba22Eb1Fa2

આ પ્રસંગે સુરત ડાયમંડ બુર્સના ડિરેકટરશ્રી મથુરભાઈ સવાણીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ૩૬ એકરની વિશાળ જગ્યામાં આકાર લઈ રહેલાં ડાયમંડ બુર્સના નિર્માણથી દુનિયાના વ્યાપારીઓ સુરત આવીને પોલિશ્ડ ડાયમંડની ખરીદી કરશે. ડાયમંડ બુર્સને ટૂંકા ગાળામાં ઝડપભેર નિર્મિત કરવામાં રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓનો ઉચિત સહકાર પ્રાપ્ત થયો છે એમ જણાવી તેમણે ડાયમંડ બુર્સ કાર્યરત થતાં ડાયમંડ ટ્રેડિંગ ક્ષેત્રમાં સુરત મોખરે રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

83C310B5 Ad3A 4Aa9 A4C9 Ba977232D50B

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાણી, સાંસદ સર્વ સી.આર.પાટીલ, પ્રભુભાઈ વસાવા, મેયર શ્રીમતી હેમાલી બોઘાવાલા, ધારાસભ્ય સર્વ ઝંખનાબેન પટેલ, હર્ષ સંઘવી, સંગીતાબેન પાટીલ, જિલ્લા કલેકટર આયુષ ઓક, મ્યુ.કમિશનર બંછાનિધિ પાની, પોલિસ કમિશનર અજય તોમર, ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ લખાણી, ડિરેક્ટર સર્વ મથુરભાઈ સવાણી, ગોવિંદભાઈ ધોળકિયા, લાલજીભાઈ પટેલ, દ.ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઈ નાવડિયા,બુર્સ કમિટીના સભ્યશ્રીઓ તેમજ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.