Abtak Media Google News

ગુરૂ પદ પંકજ પૂજતા ચૌદ લોક પૂજાય,
શિવ વિરંચી શારદા ગુરૂ તણા યશ ગાય…

ગુરૂ અને આધ્યાત્મિક અને સાંસરિક જ્ઞાનની દિક્ષા આપનાર દરેક વ્યક્તિને જીવન સંસ્કારથી લઇ આધ્યાત્મિક મોક્ષ સુધી એક માર્ગદર્શકની જરૂર પડે છે. જે સારા સંસ્કારની સાથેસાથે જીવનમાં સારા આચરણ સાથે ચાલવા માટે પ્રેરિત કરે, દરેકના પ્રથમ ગુરૂ માતા-પિતા હોય છે. જે આ દુનિયામાં આવવામાં નિમિત્ત બને છે અને જેના સંસ્કાર જીવનમાં દરેક પગલે કામ આવે છે અને આથી જ અજ્ઞાનરૂપી જ્ઞાન તરફ દોરી જનાર ગુરૂનું સન્માન સર્વશ્રેષ્ઠ પૂણ્ય ગણાય છે.

માતા-પિતા પછી કેળવણી માટે ગુરૂના રૂપમાં શિક્ષક જીવનમાં આવે છે. ત્યારપછી આધ્યાત્મિક અને પાલનહારના ગુઢ રહસ્યો અને જીવનની સાથેસાથે સંસ્કાર, સંસાર અને ધર્મ સંહિતા માટે દરેકને આધ્યાત્મિક ગુરૂની આવશ્યકતા હોય જ છે. જીવનના દરેક પગલે ગુરૂની આવશ્યકતા હોય છે. જે ગુરૂને સન્માન આપે તે ચૌદ લોકમાં પૂજાય છે. દેવી શારદાથી લઇ મહાદેવ ભોળાનાથ, શિવજીએ પણ પોતાના ગુરૂના ગુણ ગાયને માનવ સમાજને ગુરૂનું મહત્વ સમજાવ્યું છે.

ભારતીય સંસ્કૃતિમાં આથી જ ગુરૂપૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. આ એ અવસર છે જે જીવનમાં સુખ, સમૃદ્વિ અને શાંતિ માટે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ દોરી જનાર ગુરૂનું ઋણ ચુકવવાનો અવસર પ્રદાન કરે છે. ગુરૂ પૂર્ણિમા ગુરૂના આદર, સન્માન દ્વારા આશિર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર આપે છે. અષાઢી પૂનમના અવસરે વૈદના રચિયેતા મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો. તેથી ગુરૂપૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અવસરે તમામ આધ્યાત્મિક અને શિક્ષણ આચાર્યો, શિક્ષકોને સમર્પિત થવાની પરંપરા છે.

ગુરૂપૂર્ણિમા ભારત ઉપરાંત નેપાળ અને ભૂટાન કે જ્યાં સતાનત ધર્મ સંસ્કૃતિના મૂળીયા આદિકાળથી ઊંડા ઉતરેલા છે. ત્યાં ભવ્ય રીતે ઉજવાય છે. શાસ્ત્રોમાં ગુરૂનું અંધકાર, ભૂલ, અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ દોરી જનાર વ્યક્તિને ગુરૂ કહેવાયા છે. ગુરૂનું પ્રથમ અક્ષર ગુ નો અર્થ અંધકાર અને રૂ એટલે અંધકાર હટાવનાર થાય છે. જીવનમાં દરેક માટે ગુરૂ આવશ્યક બને છે. પછી તે શિક્ષક હોય કે માતા-પિતા, સારા મિત્રો પણ માર્ગદર્શકના રૂપમાં ગુરૂની ભૂમિકા અદા કરી શકે છે.

મનુષ્યલોકથી લઇ દેવલોક સુધી દરેક માટે અંધકારમાંથી પ્રકાશમય અવસ્થામાં આવવું આવશ્યક છે અને તેના માટે એક પથદર્શક પણ અનિવાર્ય છે. ગુરૂનું કામ જ્ઞાન આપવાનું છે. શિષ્યને તે ગ્રહણ કરીને જીવનમાં કલ્યાણ પામવાનો હોય છે. ગુરૂ અને શિષ્યનો આ સંબંધ જ્ઞાનના વિનીમયનો આધ્યાત્મિક નાતો ગણી શકાય. ગુરૂ પ્રત્યે સમર્પણની જેટલી ભાવના રાખો તે ઓછી જ પડે છે.

ગુરૂપૂર્ણિમાનો અવસર ગુરૂજનને આદર આપી રાજી કરવાનું અવસર છે. ગુરૂનો રાજીપો અઢળક આશિર્વાદથી સવાયા ગણાય છે. કોઇપણ કાર્યની ફળશ્રૃતિ આશિર્વાદથી અનેકગણી પૂણ્યશાળી બની જાય છે. ગુરૂપૂર્ણિમાની ઉજવણી ખરાં અર્થમાં સાર્થક કરવા માટે દરેકને પોતાના આધ્યાત્મિક, સંસારીક, પારિવારિક અને સામાજીક પ્રેરક વ્યક્તિત્વને સન્માન આપી આપેલાં જ્ઞાન, માર્ગદર્શનનું ઋણ ચુકવવાનું ભાવના ઉજાગર કરી આશિર્વાદ મેળવીને જ ગુરૂપૂર્ણિમાનું  સાચું પૂણ્ય ફળ મેળવવું જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.