Abtak Media Google News

ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટ્રાન્સફરો ‘દિવાળી’ બતાવી દેશે !

સમય પૂરો થઈ ગયા બાદ ચોઈસના સ્થળે જવા માટે કરેલી ગોઠવણો પર હાલ પુરતી બ્રેક લાગી ગઈ

રાજ્યના પોલીસ બેડામાં લાંબા સમયથી ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલીની અટકળો ચાલી રહી છે ત્યારે હંમેશા બંધ બાઝીમાં રમતી ભાજપ સરકારે બદલીના લીધા પર હાલ પુરતું પૂર્ણ વિરામ મુકી દીધું હોવાનું આધારભૂત સુત્રો જણાવી રહ્યાં છે. આગામી દિવાળી વેકેશન બાદ જ આઈ.પી.એસ. અધિકારીઓની બદલીનો લીથો બહાર પડે તેવું સુત્રો જણાવી રહ્યાં છે.

રાજ્યના પોલીસ તંત્રમાં રાજકોટ, અમદાવાદ, સુરતના પોલીસ કમિશનરો, મોટાભાગના રેન્જ આઈ.જી. અને જિલ્લા પોલીસવડા સહિત 50 થી વધુ આઈ.પી.એસ. અધિકારીઓની બદલીની ફાઈલ લાંબા સમયથી ગૃહ વિભાગે તૈયાર કરી લીધી છે અને અષાઢી બીજ બાદ બદલીનો ઘાણવો બહાર પડે તેવા સંકેતો પણ આપી દીધા હતા પરંતુ આગામી 2022 વિધાનસભાની ચૂંટણી અને 2024માં લોકસભાની ચૂંટણી યોજાનાર હોય તેને ધ્યાને રાખીને બદલીના હુકમ કરવા મોવડી મંડળે સુચના આપી હતી.

વિધાનસભા અને લોકસભાને ધ્યાને રાખીને બદલીના હુકમ કરવાની સુચના મળતા તૈયાર કરવામાં આવેલા લીથામાં મોટા ફેરફાર કરવા પડે તેમ હોય હાલ પુરતા બદલીના હુકમો સ્થગીત કરી દેવામાં આવ્યાં છે.ચૂંટણીપંચના નિયમ મુજબ કોઈપણ આઈ.પી.એસ. અધિકારી એક સ્થળે ત્રણ વર્ષથી વધુ સમયથી ફરજ પર હોય તો તેને બદલાવી નાખતા હોય જે નિયમ અને વિધાનસભા-લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લેવામાં આવી રહી છે.

આ ઉપરાંત એક વાત એવી પણ સુત્રોમાંથી જાણવા મળી રહી છે કે જે પોલીસ અધિકારીઓની જે તે સ્થળે ફરજકાળ ત્રણ વર્ષ થઈ ગયો છે તેઓ પોતાની આવનારી બદલી માટે અગાઉથી જ રાજકીય આકાઓની મદદથી પોતાને જે સ્થળે જવું હોય ત્યાં ચોગઠા ગોઠવી લીધા હોય જે આવનારી ચૂંટણી માટે નુકશાનકારક હોય હાલ પુરતી બદલી પ્રક્રિયાને બ્રેક મારી દેવામાં આવી છે. આગામી દિવાળી વેકેશન બાદ જ આઈ.પી.એસ. અધિકારીઓની બદલીના હુકમો બહાર પાડવામાં આવે તેવા સંકેતો મળી રહ્યાં છે ત્યાં સુધી યથાવત પરિસ્થિતિ ચાલુ રાખવા સુચના આપવામાં આવી છે.

દિવાળી બાદ બદલીના હુકમ કરવાથી વિધાનસભા-લોકસભાની ચૂંટણીમાં તેઓની સેવા લઈ શકાય તેવા ચોગઠા ગોઠવવામાં આવી રહ્યાં હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.  જે તે સ્થળે અઢી વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોતાની આવનારી બદલી માટે ફરજને કોરાણે મુકી ચોગઠા ગોઠવવા લાગી ગયા હતા જેની અસર કામ પર થતી હોય રાજ્ય સરકારે હાલ પુરતી બદલી પ્રક્રિયા સ્થગીત કરી દેતા ગોઠવણ કરીને બેસેલા અધિકારીઓને ફરી કામ કરવાની ફરજ પડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.