Abtak Media Google News

Whatsapp Image 2021 08 15 At 12.51.57 Pm ૧૫ ઓગષ્ટ, રાષ્ટ્રના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વ આઝાદીના અમૃત વર્ષના પ્રારંભ પ્રસંગે જામનગર શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતેના મેદાનમાં જિલ્લા કક્ષાની ઉજવણી આન, બાન, શાન સાથે ઉમંગપૂર્વક અને ભવ્યતાપૂર્ણ કરવામાં આવી છે. પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડાએ ત્રિરંગો લહેરાવી રાષ્ટ્રધ્‍વજને સલામી આપી હતી. તેમની સાથે જિલ્લા કલેકટર સૌરભ પારઘી અને જિલ્‍લા પોલીસ વડા દિપન ભદ્રનએ પણ તિરંગાને સલામી આપી માર્ચ પાસ્‍ટનું નિરીક્ષણ કર્યું હતું.

આઝાદીમાં જાન કુરબાન કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રધ્‍ધા સુમન અર્પણ કર્યા બાદ પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડાએ જણાવ્‍યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલે ભારતને એક રાષ્ટ્ર બનાવ્યું તો આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ભારતને શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલની ટીમ દ્વારા ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ ભણી લઈ જવા માટે અનેક નવતર કાર્યો સંપન્ન કરવામાં આવ્યા છે.

છેલ્લા પાંચ વર્ષથી ચાલી આવતી અવિરત જનસેવાના મહાયજ્ઞનું ગુજરાતે નવ દિવસ સુધી અદભુત અનુષ્ઠાન કર્યું અને આ જનસેવાના નવ દિવસના મહાયજ્ઞમાં ૧૬ હજાર ઉપરાંત જનહિતલક્ષી કાર્યક્રમોમાં ગુજરાતના ૪૮ લાખ ૫૬ હજાર થી વધુ નાગરિકોને રૂ. ૧૩ હજાર કરોડના વિકાસકાર્યોનો લાભ આપવામાં આવ્યો છે. આજે ગુજરાતના ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાથી દિવસે વિજળી મળવાની શરૂ થતા રાતોના ઉજાગરા બંધ થયા છે. રાજ્યના ૫૦૦૦થી વધુ ગામોના ૪ લાખ ૫૦ હજાર કિસાનોને દિવસે વીજળી મળતી થઈ ગઈ છે

તેમણે સંબોધનમાં વધુ જણાવતા કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં ખેડૂતો પાસેથી ૧૯ હજાર કરોડના ખર્ચે ૪૧ લાખ મેટ્રિક ટન કરતાં પણ વધુની ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી થઇ છે. સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના દ્વારા કિસાનોનું આર્થિક સશક્તિકરણ કરવા પણ સરકાર તેમની પડખે ઉભી છે. નર્મદા ડેમની પૂર્ણ ઊંચાઈ અને સૌની યોજના થકી લોકોને પીવાનું પાણી, ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહ્યું છે. કોરોના મહામારી હોય કે તાઉતે નામક વિનાશક વાવાઝોડું કુદરતી આફતોને પણ અવસરમાં પલટાવી સરકારે રાજયના જન- જનની ચિંતા કરી છે.

Whatsapp Image 2021 08 15 At 12.51.56 Pm

તાઉતે વાવાઝોડા માટે ભારત સરકાર દ્વારા ૧૦૦૦ કરોડ અને રાજ્ય સરકાર દ્વારા વધારાનું ૫૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કરાયું. તો માછીમારોને વાવાઝોડાના મારથી પુન:બેઠા થવા માટે ઐતિહાસિક નિર્ણય લઇ સરકારે ૧૦૦ કરોડનું રાહત પેકેજ આપી માછીમાર પરિવારોની દરકાર લીધી છે. માછીમારોને મત્સ્ય ખેડુ ગણી કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા આપવામાં આવશે. ૨૦ મીટરથી ઓછી લંબાઇની માછીમારી માટેની યાંત્રિક બોટ માટે માછીમારોને સરકાર દ્વારા ડીઝલ વેટ રાહત ચૂકવવામાં આવે છે.

મંત્રી ચાવડાએ કહ્યું કે, અમારી સરકાર ગરીબોની, વંચિતોની, પીડિતોની, શોષિતોની અને આદિવાસીઓની દરકાર લેનારી સરકાર છે. ૧૨,૮૦૦ સેવા સેતુના માધ્યમ થકી ૨ કરોડથી વધુ લોકોને ઘર આંગણે ૫૬ સરકારી દસ્તાવેજોની સેવા પૂરી પાડી છે, તો ૬૮.૮૦ લાખથી વધુ ગરીબ પરિવારોને વિનામૂલ્યે અનાજ આપવામાં આવ્યું. પેસા એક્ટ હેઠળ ૯૦ લાખથી વધુ આદિવાસી બાંધવાનું આર્થિક સશક્તિકરણ થયું. રાજ્યની યુવાશક્તિને પિછાણી સરકારે યુવાનોમાં કૌશલ્ય નિર્માણના સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે.

છેલ્લા પાંચ વર્ષમાં ૧૭ લાખ યુવાનોને રોજગાર-સ્વરોજગારના અવસર પ્રદાન કરવામાં આવ્યા. ૨ લાખ જેટલા યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી તેમજ ૬ ઓગસ્ટના રોજગાર દિવસ નિમિત્તે એક જ દિવસમાં ૬૨ હજાર યુવાનોને સરકારી નોકરીમાં નિમણૂંકપત્રો આપતાની સાથે જ ગુજરાત રોજગાર આપવામાં સૌથી અગ્રસ્થાને સ્થાપિત થયું છે. વ્હાલી દિકરી યોજના થકી ૬૦ હજારથી વધુ દીકરીઓને લાભ, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે ૧૦ હજાર મહિલા સ્વસહાય જુથોને ૧૪૦ કરોડની ધિરાણ સહાય અને રાજ્યની ૧૬ લાખથી વધુ ગંગાસ્વરૂપા બહેનોને રૂ.૧૨૦૦ કરોડની સહાય સાથે રાજ્ય સરકારે નારી શક્તિનું સન્માન કર્યું છે.

Vlcsnap 2021 08 15 13H02M08S844

કોરોના મહામારી દરમિયાન હોસ્પિટલોની વ્યવસ્થાઓ, મેડિસિનનો પર્યાપ્ત જથ્થો, મેડિકલ-પેરામેડિકલ સ્ટાફ અને સુચારુ વ્યવસ્થાના પરિણામે આજે કોરોનાની પહેલી લહેર અને બીજી લહેરમાંથી આપણું ગુજરાત બહાર આવી ગયું છે અને કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે સંપૂર્ણ આગોતરી તૈયારીઓ થઈ ચૂકી છે. કોરોના કાળમાં માતા-પિતા ગુમાવનાર બાળકોના માથે પણ મુખ્યમંત્રી બાળ સેવા યોજના થકી મુખ્યમંત્રીશ્રીએ સંવેદનશીલ વાલી તરીકેનો વાત્સલ્યનો હાથ મૂક્યો છે.

ગુજસીટોક કાયદો, ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબીશન એક્ટ, લવ જેહાદ વિરુદ્ધ કાયદો વગેરે કાયદાઓ થકી શાંતિ, સલામતી અને સુરક્ષા સાથે ગુજરાતના વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. સુજલામ સુફલામ જળસંચય અભિયાન થકી જળ સંચય વ્યવસ્થાપન અને જળ વિતરણ ક્ષેત્રે ગુજરાત આગેકદમ રહ્યું છે. આધુનિક અને વૈજ્ઞાનિક અભિગમથી આપણે શહેરોને વધુ સુવિધાપૂર્ણ બનાવ્યા છે. વિશ્વનું સૌથી મોટું રિન્યુએબલ એનર્જી પાર્ક, કોમન જી.ડી.સી.આર, વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, એશિયાનો સૌથી ઊંચો ગિરનાર રોપ-વે, સી પ્લેન, નડાબેટ સીમા દર્શન વગેરે થકી આજે ગુજરાત ઉત્તમ થી  સર્વોત્તમ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે તેનો સૌ ગુજરાતવાસીઓ અનુભવ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.