Abtak Media Google News

ટોક્યોએ બીજીવાર સમર પેરાલિમ્પિક હોસ્ટ કરી ઇતિહાસ રચ્યો

પેરાલિમ્પિક ૨૦૨૦માં અત્યાર સુધીની ભારતની સૌથી મોટી ટીમ ભાગ લેશે

ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં ભારત તરફથી ટેક ચંદ ધ્વજવાહક બની પ્રતિનિધિત્વ કર્યું હતું. તો ટોકયોએ સમર પેરાલિમ્પિકનું બીજીવાર આયોજન કરી ઇતિહાસ રચ્યો છે. અત્યાર સુધીના સમયની પેરાલિમ્પિકમાં ભારતની સૌથી મોટી ટીમે ભાગ લીધો છે.

ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સનો પ્રારંભ થઈ ગયો છે. આ વખતે કુલ ૧૬૩ ટીમોએ ભાગ લીધો છે. પેરાલિમ્પિક ગેમ્સમાં કુલ ૪૫૩૭ એથ્લીટ્સ ભાગ લઈ રહ્યા છે. ભારત તરફથી ૫૪ ખેલાડી અલગ-અલગ ઈવેન્ટ્સમાં ભાગ લઈ રહ્યા છે. ભારત તરફથી ભાલાફેંક ટેક ચંદ ધ્વજવાહક રહ્યા છે.

૧૩ દિવસ સુધી ચાલનાર ટોક્યો પેરાલિમ્પિક દરમિયાન ૨૨ રમતોના કુલ ૫૩૯ ઈવેન્ટ્સ થશે. ટોક્યો બે વખત સમર પેરાલિમ્પિક ગેમ્સ હોસ્ટ કરનારુ પ્રથમ શહેર છે. આ પહેલા ૧૯૬૪માં પણ ટોક્યોએ આ ગેમ્સની યજમાની કરી હતી. પાંચ દેશ પહેલીવાર પેરાલિમ્પિક રમતોમાં ડેબ્યૂ કરશે. સાથે જ રશિયા આરઓસીના રૂપમાં પ્રતિસ્પર્ધા કરવાનું ચાલુ રાખશે, પરંતુ તાલિબાનના કબ્જા પછી અફઘાનિસ્તાનનો એક પણ એથ્લીટ આ વખતે પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ શકશે નહીં.

તો બીજી તરફ અત્યાર સુધીના પેરાલિમ્પિકના ઇતિહાસમાં ભારતની સૌથી મોટી ટીમે ભાગ લીધો છે. ટોક્યો પેરાલિમ્પિક્સમાં 54 ભારતીય ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનારી તે ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી છે. રિયો પેરાલિમ્પિક દરમિયાન ભારતે પાંચ રમતો માટે માત્ર 19 ખેલાડીઓની ટીમ મોકલી હતી, પરંતુ ભારતીય એથ્લીટ્સ ટોક્યોમાં નવ જુદી જુદી રમતોમાં ભાગ લઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.