Abtak Media Google News

બહુમુખી વ્યકિતત્વ ધરાવતા મેઘાણીએ પોતાના સાહિત્યમાં લોકબોલી અને ભાષાનો ઝીણવટભર્યો પ્રયોગ કરીને ગુજરાતી ભાષાને નવા આયામો સુધી પહાચાડયું, જે આજે પણ લોકોના હૃદયમાં અંકિત છે

ઝવેરચંદ મેઘાણી એટલે બહુમુખી પ્રતિભાવાન વ્યકિતત્વ રાષ્ટ્રીય શાયર શ્રેષ્ઠ લેખક, કવિ, લોકસાહિત્યકાર, શ્રેષ્ઠ વકતા, પત્રકાર, સમાજ સુધારક, સ્વાતંત્ર્ય સેનાની, લોકગાયક વગેરે, તેઓની સાહિત્યક્ષેત્રે આપવામા આવેલી સિધ્ધિઓને લોકો આજે પણ બિરદાવે છે. તેઓ વિશે લખાયેલા અને બોલવામાં આવેલા અનેક શબ્દો ઓછા જ પડે, તેમ છતાં તેઓનું 125મી જન્મજયંતિ વર્ષ મનાવાય રહ્યું છે. ત્યારે આજે આપણે તેઓના કાર્યો વિશે એક આછેરી ઝલક જાણવાનો પ્રયાસ કરીશું આજે આપણી સાથે ચાય પે ચર્ચા અંતર્ગત તેઓનાં પૌત્ર પિનાકી મેઘાણી છે. તો ચાલો આ મહાન વ્યકિતત્વ વિશે થોડી ચર્ચા કરીએ.

પ્રશ્ન: મેઘાણીજીના નિધનને આજે આ 74 વર્ષ થયા એ પછી ગુજરાતને બીજા મેઘાણી મળ્યા નથી, તેનું શું કારણ હોય શકે?

જવાબ: હું તો મેઘાણીજીનો દૈહિક વારસદાર છું તેમના નિધનના સાત દાયકા બાદ પણ લોક હૃદયમાં તે જીવંત છે. તેઓ બહુમુખી વ્યકિતત્વ ધરાવતા હતા મેઘાણીજીનું સાહિત્ય આજે 100 વર્ષ બાદ પણ લીલુછમ છે. તેઓએ હંમેશા લોકોની ઉર્મિઓને વાચા આપી છે. 18 વરણના લોકોની ગૌરવગાથાને ઉજાગર કરી છે. યુવા પેઢી પણ હોંશભેર મેઘાણી સાહિત્યને વાંચે છે તેનો સવિશેષ આનંદ છે.

પ્રશ્ન: મેઘાણીની ભાષામાં તળપદી બોલીની છાંટ છે તેના વિશે યુવા પેઢીને બે શબ્દ કહેશો?

જવાબ: એમનું જે લોકસાહિત્ય છે તેમાં એમણે જે લોકબોલી, લોકવાણીનો ઉપયોગ કર્યો છે. તથા એમની નવલકથાઓમાં શિષ્ય ભાષાનો અનોખો સંયોગ અને સમન્વય કર્યો છે. એ જમાનામાં સમાજના બે ભાગલા પડેલા-ગરીબ, અમીર, ભણેલા અને અભણ, એ બંને વચ્ચેની ભેદરેખા બંધાઈ હતી. આ ભેદની ભીતિઓને ભાંગવાનું કામ ઝવેરચંદ મેઘાણીજીએ કયુર્ં હતુ. ઝવેરચંદ મેઘાણી લોકોના જ હતા, અને આજે પણ લોકોએજ તેમને જીવંત રાખ્યા છે. એ ખૂબ ગૌરવની વાત છે.

પ્રશ્ન: આજથી 100 વર્ષ પૂર્વે મેઘાણીજીએ લોકસાહિત્ય ભેગુ કર્યું જે આજે યુનિવર્સિટીઓ સંશોધકો આટલા સાધનો હોવા છતા નથી કરી શકયા તો આ બંનેની તુલના મૂલવણી કેવી રીતે કરશો?

જવાબ: મારા મતે તેઓએ ગ્રાસરૂટ લેવલ પર કામ કરીને સામગ્રી એકત્ર કરી. એ વખતે ભજનો વગેરે કંઠસ્થ પરંપરામાં હતુ તેમણે આ બધુ સુયોગ્ય રીતે ડોકયુમેન્ટ કરવાનું કામ ઝવેરચંદ મેઘાણીએ કર્યું જયારે અત્યારે એસી ઓફિસમાં બેસીને કામ થાય છે. એટલે માટીની સુવાસ, ફોરમ એની ઉણપ અત્યારે સાહિત્યમાં દેખાય છે.

પ્રશ્ન: આ વર્ષે મેઘાણીજીની જન્મજયંતિની ઉજવણીથઈ રહી છે, તેના દરેક કાર્યક્રમોમાં રાજય સરકાર દ્વારા અપાયેલી માર્ગદર્શિકા મુજબ કયા-કયા પ્રકારની જોગવાઈઓ હતી?

જવાબ: કોઈ વ્યકિત વિશેષની જન્મજયંતિની ઉજવણી થઈ રહી હોય તો તે ગુજરાતમાં આ પ્રથમ છે. રાજય સરકારે ઉચ્ચસ્તરીય કમીટી બનાવીને 12 અધિકારીઓ સાથે મળીનેદરેક ક્ષેત્રે ઉજાગર કરવાનો પ્રયાસ કરાયો છે. રાજયના પ્રવાસન વિભાગ દ્વારા ઝવેરચંદ મેઘાણી પ્રવાસન સરકીટ બનાવશે, એઅંતર્ગત તેમના જે સ્મૃતિ સ્થળો છે તેને સાંકળીને એક સરકીટ બનશે. તેના પ્રથમ ચરણમાં ચોટીલામાં એક સંકુલ બનશે, રાજકોટમાં શાળા નં.8ને સ્મારક શાળા તરીકે વિકસાવવામા આવશે. આ સિવાય તેમના અન્ય સ્મૃતિ સંસ્થાઓને પણ સ્મારક તરીકે વિકસાવવામાં આવશે. તથા ગુજરાતનાં ખૂણેખૂણે મેઘાણીના કાર્યક્રમોનું આયોજન થશે.

પ્રશ્ન: મેઘાણીજીને મરણોતર પુરસ્કાર મળે તેવી લોકલાગણી અંગે આપ શું કહેશો?

જવાબ: દૈહિક વારસદાર તરીકે કહીશ તેના કરતા મને વિશ્ર્વભરમાંથી અનેક મેસેજો આવ્યા છે. કે મેઘાણીજીનું આઝાદી પહેલા અવસાન થયું અને આઝાદી બાદ ભારત સરકાર દ્વારા તેમનું સન્માન નથી થયું તો લોકોની લાગણી છે કે તેમને મરણોતર પુરસ્કારથી સન્માનીત કરવામાં આવે.

પ્રશ્ન: રાજકોટમાં ચાલતી મોબાઈલવાનમાંથી અન્ય પુસ્તકોનું હરતુ-ફરતુ પુસ્તકાલય ફરે છે. તેમ મેઘાણી સાહિત્યનું પણ મોબાઈલ લાયબ્રેરીના રૂપમાં ફરે તે વિશે આપનો શુ મત છે?

જવાબ: ગુજરાતનાં અંતરીયાળ ગામડાઓમાં હજુ લેટેસ્ટ ટેકનોલોજી પહોચી નથી, તેથી બાળકો મેઘાણીના વિચાર અને કાર્યોથી પરિચિત થાય તે માટે મોટી બસમાં તેના કાર્યોનું પ્રદર્શન હોય, તેનું સાહિત્ય, ફિલ્મો વગેરે બાળકો માણે તો મને લાગે છે. આનાથી એક મોટી અસર પડશે.

પ્રશ્ન: અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ માટે છુટું છવાયું નહી ચોકકસ સાહિત્ય ભણાવવામાં આવે તેવું કંઈ ન થઈ શકે આપ શું કહેશો?

જવાબ: આવી પણ સાહિત્ય પ્રેમીઓની લાગણી છે. કે દરેક ધોરણમાં તેમનું એક કાવ્ય તથા એમની એક કથાનો સમાવેશ થાય તો મેઘાણીના લેખન વિશે તો બાળકો જાણશે જ સાથે સાથે ગુજરાતની મૂલ્યવાન લોક સંસ્કૃતિ પણ ઉજાગર થશે. તો ખરેખર આ વિચાર બહુ સુંદર છે.

પ્રશ્ન: મેઘાણીજીની 125મી જન્મજયંતિ ઉજવાય રહી છે.ત્યારે છેલ્લા 25 વર્ષની ટેકનોલોજીનો લાભ લઈને ડોકયુમેન્ટરી, ફિલ્મો, નાટકો વગેરે તમારૂ ટ્રસ્ટ અથવા સરકાર દ્વારા થઈ શકે ખરા?

જવાબ: મેઘાણીની કથાઓનું નાટયરૂપાંતર થાય, જેનો ડિજીટલી ફેલાવો થાય, અથવા નાટક મંડળી દ્વારા વિવિધ સ્થળોએ નાટકો ભજવાય, અથવાતો દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ દ્વારા ઘણુ થઈ શકે તેમ છે.

પ્રશ્ન: ગુજરાતમાં બીજા કોઈ એવા સ્થળો છે જેને મેઘાણીજીના નામ સાથે જોડીને આવનાર 100-200 વર્ષ સુધી લોકો તેને યાદ રાખે એવું કંઈ થઈ શકે ખરા?

જવાબ: તેમની કર્મ નિર્વાણ ભૂમિ બોટાદમાં ત્યાં એક અંડરબ્રીજનું નિર્માણ થયું છે. તેનું નામ પણ ઝવેરચંદ મેઘાણી રાખવામાં આવે તેવી મંજૂરી મળી છે. એ સિવાય તેમની શૌર્યભુમિ ધંધુકામાં થનાર ફલાયઓવરનું નામકરણ પણ મેઘાણીજીના નામ પર કરવાની સૈધ્ધાંતિક મંજૂરી મળી છે.

પ્રશ્ન: આપે જે મેઘાણીજીપર વેબસાઈટ બનાવી છે તેના વિશે થોડી માહિતી આપો?

જવાબ: મેઘાણી સાહિત્યને ડિજીટલ ફોર્મેટમાં મૂકવાનો વિચાર આવ્યો ત્યારે તેના જીવન અને કાર્યો પર વેબસાઈટ બનાવી છે. જે 1જીબી જેટલો ડેટા છે. જેમાં 500 જેટલી તસવીરો છે. તેમાં 21 જેટલા તેમના ગાયેલા ગીતો પણ છે. તો કોઈ વિદ્યાર્થી જો તેમના વિશે સંશોધન કરતું હોય તોતેને ઝવેરચંદ મેઘાણી ઓઆરજી પરથી મળે તેવો એક પ્રયાસ છે. તથા ઈ બુકસનું કાર્ય વધશે તો એ પણ ભવિષ્યમા મૂકવામાં આવશે.

પ્રશ્ન: આપના ટ્રસ્ટે જે દસેક વર્ષનાં ગાળામાં જે પ્રવૃત્તિઓ કરી છે. તેની એક ટૂંકમાં ઝળક આપશો?

જવાબ: તેમના ઐતિહાસીક સ્મૃતિ સ્થળો, શાળા, બોટાદ, રાણપુર, ધંધુકા, ભાવનગર, બગસરા, જૂનાગઢ આ જગ્યાઓ પર જીવન સ્મારક બનાવવાનો નમ્ર પ્રયાસ છે. નળી પેઢી માટે નાનાનાના ગામડા સુધી મેઘાણીજીના સાહિત્ય-સંગીત લઈ જવાનો પ્રયાસ પણ કરાયો છે.

પ્રશ્ન: મેઘાણીના જીવન કવનની પુસ્તિકા-ગીતો, વગેરેના ઓડિયો ફોર્મેટ પ્રોજેકટ શું છે?

જવાબ: પોલીસ વિભાગના સહયોગથી ભજનો, સંતવાણી, પુસ્તક કસુંબીનો રંગ, મેઘાણી ગાથા પ્રગટ કરી છે. રાજયમાં 25000 જેટલી શાળા-કોલેજોમાં નિ:શુલ્ક ભેટ આપી છે. અને આ બધુ જ સાહિત્ય પિનાકી મેઘાણી યુ ટયુબ પર નિ:શુલ્ક અપલોડ કર્યું છે.

પ્રશ્ન: સૌરાષ્ટ્ર યુનિ. માં કાર્યરત મેઘાણી કેન્દ્રમાં એવોર્ડ અપાય છે. તેમાં ચાલતા સાહિત્ય વિશે આપનો કોઈ સુજાવ છે?

જવાબ: લોકોને ઝવેરચંદ મેઘાણી એવોર્ડ યુનિ. પૂરતો સિમીત છે. તો એવી લોક લાગણી છે કે આને રાજકક્ષાએ પુરસ્કૃત કરી પ્રસ્થાપિત કરવામા આવે. તથા આ પુરસ્કારને બ્રોડ બેઈઝ કરવામાં આવે તેવી લોક લાગણી છે.

પ્રશ્ન: ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન ટ્રસ્ટના ભવિષ્યના આયોજનો શું છે?

જવાબ: ઝવેરચંદ મેઘાણીના સાહિત્યને લોકો સુધી પહોચાડવાનો એક પ્રયાસ છે. તથા 150મી જન્મજયંતિ આવે ત્યારે પણ આ જીવંત લાગે તેવો નમ્ર પ્રયાસ છે.

પ્રશ્ન: મેઘાણી પ્રેમીઓને શું સંદેશો આપશો?

જવાબ: તમામ ગુજરાતીઓ, સાહિત્ય પ્રેમીઓ મેઘાણી ચાહકોનો ખૂબ આભાર વ્યકત કરૂ છું. તેમના સાહિત્યનો વધુમાં વધુ પ્રચાર થાય તથા નવી પેઢી સુધી તેમનું સાહિત્ય પહોચે તેના માટે મારી અપીલ છે. અને આ દરેકમાં લોકોનો સાથ સહકાર ખૂબ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.