Abtak Media Google News

અર્થતંત્રની ગાડી પુરપાટ દોડતા શેરબજાર ટનાટન!!

સેન્સેક્સે 58115.69 અને નિફ્ટીએ 17311.95ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી

ઓગષ્ટ માસમાં જીએસટીની અધધધ  1.12 લાખ કરોડની આવક ઓગષ્ટ મહિનામાં નિકાસમાં 45%નો જબ્બર ઉછાળો

અબતક, રાજકોટ

ભારતીય શેર બજારમાં વણથંભી તેજી આગળ ધપી રહી છે. મુંબઈ શેર બજારના બંને આગેવાન ઈન્ડેકસો રોજ નવી ઉંચાઈ હાંસલ કરી રહ્યા છે. આજે ઉઘડ્તી બજારે જ સેન્સેકસે 58 હજારની સપાટી કુદાવી દેતા રોકાણકારોમાં હરખની હેલી વ્યાપી જવા પામી હતી. આજે સતત ત્રીજા દિવસે નિફટીએ સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી. જે રિતે સેન્સેકસ પૂરપાટ ઝડપે દોડી રહ્યો છે. તે જોતા એવું લાગી રહ્યું છે કે દિવાળી પહેલા જ સેન્સેકસ 60 હજારને પાર થઈ જશે.

બોમ્બે સ્ટોક એકસચેંજના સેન્સેકસ ઈન્ડેકસે ગત સપ્તાહે 57 હજારની સપાટી ઓળંગ્યા બાદ આજે એક જ સપ્તાહમાં 58હજારની સપાટી કુદાવી દીધી હતી છેલ્લા બે દિવસથી 58 હજારની સપાટી કુદાવવા માટે મથતો સેન્સેકસ આજે અંતે 58 હજારની સપાટી કુદાવી 58115.69 પોઈન્ટની નવી લાઈટ ટાઈમ હાઈ સપાટી હાંસલ કરી હતી. જયારે નિફટી એ પણ ઉઘડતી બજારે જ 17311.95 પોઈન્ટની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી લેતા રોકાણકારોને બખ્ખા થઈ જવા પામ્યા છે. પ્રતિદિન સેન્સેકસ અને નિફટી જે રિતે નવી ઉંચાઈ હાંસલ કરી રહ્યા છે. તે જોતા એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે દિવાળી પહેલા જ સેન્સેકસ 60હજારની સપાટી કુદાવી દેશે અને નિફટી પણ 18 હજારની પાર થઈ જશે.

આજે બુલીયન બજારમાં પણ તેજી જોવા મળી હતી સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય ડોલર આજે ફલેટ રહ્યો હતો આ લખાય રહ્યું છે. ત્યારે સેન્સેકસ 214 પોઈન્ટના ઉછાળા સાથે 58067 અને નિફટી 61 પોઈન્ટના ઉછાળા સાથે 17295 પોઈન્ટ પર કામકાજ કરી રહ્યા છે.

ઓગસ્ટમાં જીએસટી કલેક્શન ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ 30 ટકા વધીને 1.12 લાખ કરોડ થયું છે. જો કે ઓગસ્ટનું જીએસટી કલેક્શન જુલાઈના જીએસટી કલેક્શન 1.16 લાખ કરોડ કરતાં ઓછું છે. ઓગસ્ટના જીએસટી કલેક્શનમાં સીજીએસટીનો ફાળો

20,522 કરોડ રુપિયા, એસજીએસટીનો ફાળો 26,605 કરોડ રુપિયા અને આઇજીએસટીનો ફાળો 56,247 કરોડ રુપિયા હતો. તેમા 26,884 કરોડ રુપિયાનો જીએસટી આયાત વેરા પેટે આવ્યો છે. તેમા સેસના 8464 કરોડ રુપિયા છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ આ વર્ષે જીએસટી કલેક્શન 30 ટકા વધારે છે.ઓગસ્ટના જીએસટી કલેકશનના આંકડાથી દેખાય છે કે અર્થતંત્રમાં ઝડપથી નવસંચાર થઈ રહ્યો છે. આ પહેલા જુલાઈ 2021 માં જીએસટી કલેક્શન 33 ટકા વધીને 1.16 લાખ કરોડ થયું હતું. જુનમાં જીએસટી કલેક્શન એક લાખ કરોડ રુપિયાથી ઓછું એટલે કે 92,894 કરોડ રુપિયા હતું. નાણા મંત્રાલયે જીએસટી હેઠળ વેરા માફી યોજનાનો લાભ ઉઠાવવાની તારીખ 30 નવેમ્બર સુધી વધારી દીધી છે. આ યોજના 31 ઓગસ્ટના રોજ પૂરી થવાની હતી. સરકારે રજિસ્ટ્રેશન રદ કરવા માટે અરજી કરવાની સમયસીમા પણ વધારીને 30 સપ્ટેમ્બર કરી દીધી છે. જ્યારે રજિસ્ટ્રેશન રદ કરવા માટે અરજી કરવાની નિયત તારીખ પહેલી માર્ચ 2020થી ઓગસ્ટ 2021ની વચ્ચે આવે છે.

પેટ્રોલિયમ, એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ અને જેમ્સ એન્ડ જવેલરી ક્ષેત્રોમાં ઓગસ્ટમાં ભારતનો નિકાસદર વાર્ષિક ધોરણે 45.17% વધ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગ દ્વારા ગુરુવારે જારી કરાયેલા આંકડા દર્શાવે છે કે, વેપાર ખાધ ઓગસ્ટમાં ચાર મહિનાની ઉંચી સપાટી 13.87 અબજ ડોલર રહી છે જે અગાઉના સમયગાળામાં 8.2 અબજ ડોલર અને જુલાઈમાં 11 અબજ ડોલર હતી. ગયા મહિને સોનાની આયાતમાં 82.22% વધીને 6.7 અબજ ડોલરની પાંચ મહિનાની ઉંચી સપાટીએ પહોંચી હતી

અને જુલાઈની તુલનામાં વેપાર ખાધમાં 88% વૃદ્ધિ જોવા મળી હતી.વાણિજ્ય સચિવ બી.વી.આર. સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, નિકાસ ધમધમી રહી છે. નિકાસ ક્ષેત્ર ઘણું સારું પ્રદર્શન કરી રહ્યું છે. જેનો સીધો પ્રભાવ અર્થતંત્રની ગાડી પર પડી રહ્યો છે. ઓગસ્ટમાં નિકાસ 33.14 અબજે પહોંચ્યું છે જે ઓગસ્ટ 2019 ની તુલનામાં 27.5% વધુ છે.

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કુલ નિકાસના 80% થી વધુ ટોચના 10 મુખ્ય કોમોડિટી જૂથોએ ગત વર્ષના સમાન મહિનાની સરખામણીમાં ઓગસ્ટમાં સકારાત્મક વૃદ્ધિ હાંસલ કરી છે. જેમાં કેમિકલ, ફાર્માસ્યુટિકલ્સ, કોટન યાર્ન, કાપડ અને પ્લાસ્ટિક જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.